મગની દાળના મેંદુ વડા

સ્વાસ્થ્યપ્રદ મગ કે મગની ફોતરાવાળી દાળના મેંદુ વડા તળીને અથવા તળ્યા વગર પણ બનાવી શકાય છે.

સામગ્રીઃ

  • મગ અથવા મગની ફોતરાવાળી દાળ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લસણની કળી 7-8
  • કાંદો 1
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 4-5
  • કળીપત્તાના પાન 7-8
  • બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
  • તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં નાખી તેમાં આદુના ટુકડા તેમજ લસણની કળી ઉમેરીને પીસી લો.

આ મિશ્રણને એક મોટા વાસણમાં લઈ તેમાં રવો, દહીં ઉમેરી દો. કાંદો, લીલા મરચાં તેમજ કળી પત્તાના પાન ઝીણાં સમારીને તેમજ સમારેલી કોથમીર ઉમેરો. જીરૂ ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણ ઘટ્ટ હોવું જોઈએ. આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ રાખી મૂકો. ત્યારબાદ તળતી વખતે તેમાં બેકીંગ સોડા ઉમેરી દો.

હાથને તેલવાળા કરીને મિશ્રણમાંથી ગોળો લઈ ચપટો કરીને તેમાં વચ્ચે કાણું પાડીને એક પ્લેટમાં મૂકતા જાઓ. બધા ગોળા તૈયાર કરી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરી લીધા બાદ ગેસની મધ્યમ આંચે મેંદુવડા તળી લો.

જો વડા તળવા ન હોય તો કઢાઈ અથવા ઢોકળા બાફવાના વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરી તેમાં કાંઠો મૂકી દો. એક સ્ટીલની ચાળણી અથવા કાણાંવાળું ઢાંકણ તેલવાળું કરીને તેમાં વાળેલા ગોળા ગોઠવી દીધા બાદ આ સ્ટીલની ચાળણી કાંઠા ઉપર ગોઠવીને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી મેંદુ વડા બફાવા દો.

બાફેલા વડાનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. ત્યારબાદ તેમાં જીરૂ ઉમેરી લીલા મરચાં લાંબી ચીરીમાં સમારેલાં ઉમેરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, કાશ્મીરી મરચાં પાઉડર, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું મેળવીને બાફેલા મેંદુ વડા મિક્સ કરીને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ વડા ખાવા માટે પીરસો.