ફરસી પુરી

દિવાળીમાં કંઈ કેટલાય પકવાન કે ફરસાણ બનાવો. પણ ઘરમાં જો સૌથી વધુ ખવાતું હોય તો એ ફરસાણ છે ફરસી પુરી. જે નાનાં-મોટાં સહુને ભાવે છે. તો બનાવી લો દિવાળીમાં ફરસી પુરી!

સામગ્રીઃ

  • 500 ગ્રામ મેંદો
  • 200 ગ્રામ રવો
  • 1½ ટી.સ્પૂન અજમો
  • 1 ટી.સ્પૂન અધકચરા વાટેલા કાળા મરી
  • 1 ટી.સ્પૂન જીરૂ
  • ½ ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • મોણ માટે 2 ટે.સ્પૂન ઘી
  • તળવા માટે તેલ

રીતઃ મોણ માટેનું ઘી એક કઢાઈમાં ગરમ કરીને ઠંડું કરી લો. રવો અને મેંદો ચાળીને એક વાસણમાં ભેગા કરી લો. હવે એમાં અજમો, કાળાં મરી, બેકિંગ પાવડર તેમજ મોણ માટેનું ઘી ઉમેરી લોટ મિક્સ કરો. એમાં નવશેકું પાણી થોડું થોડું ઉમેરીને કઠણ લોટ બાંધી લો.

એમાંથી એક મોટો લુઓ લઈ જાડી પુરી વણીને ઉપર તેલ ચોપડો. ત્યારબાદ એનો રોલ વાળીને નાનાં નાનાં પુરી માટેના લુઆ બનાવી લો. હવે આ નાના લુઆમાંથી એક લુઓ લઈને પુરી વણો અને એક કાંટા ચમચી વડે એની ઉપર કાણા પાડો. જેથી પુરી ફૂલે નહીં.

આ રીતે બધી પુરી વણાઈ જાય. એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ 4-5 પુરી તળવા માટે કઢાઈમાં હળવેથી નાખો. અને ગેસની આંચ મધ્યમ કરીને પુરી બંને બાજુએથી ગોલ્ડન થાય એવી તળી લો. ફરીથી બીજી 4-5 પુરી નાખતી વખતે ગેસની આંચ તેજ કરવી. અને પુરી નાખ્યા બાદ મધ્યમ આંચે પુરી તળવી.