શ્રાવણ મહિનાના ઉપવાસમાં ફરાળમાં કાં તો સામો અથવા સાબુદાણાની ખિચડી આપણે બનાવીએ. અથવા પેટીસ કે સાબુદાણા વડાં બનાવીએ. એકંદરે, બધી ફરાળી વાનગી ભાવે એવી હોય. પણ કોઈવાર એકસરખો સ્વાદ, તો કોઈવાર તેલમાં તળેલી વાનગીથી કંટાળો આવી જાય. તો આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ પૌષ્ટિક ફરાળી હાંડવો!
સામગ્રીઃ 1 કપ સામો, ¼ કપ સાબુદાણા, ¼ કપ રાજગરાનો લોટ, 1 કપ દહીં, 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, 1 કપ છીણેલી દૂધી (optional), 1 બાફીને છીણેલું બટેટું (optional), 1 કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર
વઘાર માટેઃ તલ 2 ટે.સ્પૂન, 1 ટે.સ્પૂન જીરૂં, 6-7 કઢીપતાં, તેલ
ચટણી માટેઃ ½ કપ મગફળી અથવા લીલું નાળિયેર, દહીં અથવા લીંબુ, ½ કપ ધોઈને સમારેલી કોથમીર, 2-3 લીલાં મરચાં, સિંધવ મીઠું સ્વાદ મુજબ
રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સરમાં કરકરા દળી લો. એમાં રાજગરાનો લોટ, દહીં તેમજ આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દો. જો તમે ખાતાં હોવ તો છીણેલી દૂધી તેમજ બટેટું ઉમેરી દો. મિશ્રણ એકરસ કરી દો. એ ઢોકળાના ખીરા જેવું હોવું જોઈએ.
સહુ પ્રથમ વઘારીયામાં 2 ટે.સ્પૂન તેલ લઈ ગરમ કરો. અને એમાં જીરૂં તેમજ તલનો વઘાર કરો. સાથે કઢીપતાં ઉમેરી દો. આમાંથી અડધા વઘારને લોખંડની એક જાડી કઢાઈમાં રેડી દો. હવે એમાં ખીરૂં રેડી દો અને ઉપર બાકી રાખેલો વઘાર રેડીને ચારેબાજુએ ફેલાવી દો.
ગેસ ચાલુ કરીને મધ્યમ ધીમી આંચે હાંડવાની કઢાઈ ઢાંકીને ગરમ કરવા મૂકો. 5-10 મિનિટ બાદ ચેક કરો. નીચેથી હલકું ગુલાબી થયું હોય તો એને ધીમેથી ઉથલાવી દો. અને ફરીથી 5-10 મિનિટ થવા દો.
હાંડવામાં છરી નાખીને, બહાર કાઢીને જોઈ લો. છરી લીસી બહાર આવે તો હાંડવો તૈયાર છે. નહીં તો ફરીથી 5 મિનિટ માટે કઢાઈ ગરમ કરવા મૂકો. હાંડવાને એક પ્લેટમાં કાઢીને ટુકડા કરી લો. અને કોથમીરની ચટણી સાથે પિરસો.
ચટણી માટે ઉપર આપેલી સામગ્રી મિક્સરમાં પીસીને ચટણી તૈયાર કરી લો.
હાંડવાના મિશ્રણને તમે નોન-સ્ટીક ફ્રાઈપેનમાં પેનકેકની જેમ પણ બનાવી શકો છો!