ફાડા લાપસી અને મગની દાળની ખીચડી એટલે ન્યુટ્રીશનથી ભરપૂર ડાયેટ તેમજ ડાયાબિટીસ ધરાવનાર માટે પણ ઉત્તમ ડાયેટ છે. તેમાં વેજીટેબલનો ઉમેરો આ ડાયેટને સ્વાદ તેમજ વિટામીનથી ભરપૂર બનાવી દે છે.
સામગ્રી:
- ફાડા લાપસી ૧ કપ,
- મગની દાળ 1 કપ (ફોતરા વગરની),
- 1 કાંદો,
- 1 કપ લીલા અથવા ફ્રોઝન વટાણા,
- 1 કેપ્સિકમ,
- ૧ કપ ફણસી,
- એક ટમેટું,
- ૧ ટે.સ્પૂન આદુ-લસણ તેમજ મરચાની પેસ્ટ,
- ૨ ટે.સ્પૂન તેલ અથવા ઘી વઘાર માટે,
- ચપટી હિંગ,
- સ્વાદ મુજબ મીઠું,
- ૧ કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર,
- ૧ ઈંચ તજનો ટુકડો,
- બે લવિંગ,
- 1/2 ટી.સ્પૂન હળદર,
- મરચાંની ભૂકી 1 ટી.સ્પૂન,
- 1/2 ટી.સ્પૂન જીરુ,
- 1/2 ટી.સ્પૂન રાઈ
રીતઃ
દાળ તેમજ લાપસીને 2 પાણીથી ધોઈને પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. અડધા કલાક બાદ કૂકરને ગેસ પર મૂકો. એમાં ઘી અથવા તેલ નાખો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીને તતડાવો. ત્યારબાદ જીરું ઉમેરો અને તજ તેમજ લવિંગ નાખીને ચપટી હિંગ નાખો. હવે એમાં ઝીણો સમારેલો કાંદો 2 મિનિટ સાંતળો અને વેજીટેબલ નાખીને સાંતળો. વેજીટેબલ ઝીણાં સમારીને નાખવા.
ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને બધા મસાલા નાખી દો. એક મિનિટ સાંતળીને પલાળેલા ફાડા લાપસી તેમજ મગની દાળ ઉમેરી દો. સાથે તેમાં થોડી કોથમીર મિક્સ કરો. ત્રણ-ચાર મિનિટ સુધી મધ્યમ આંચે તેને થવા દો. હવે એમાં ૩ થી ૪ કપ જેટલું પાણી ઉમેરો. (આ ખિચડી ઢીલી સારી લાગે છે) તવેથા વડે એકસરખું મિક્સ કરી લો અને કૂકર ઢાંકી દો.
ગેસની આંચ મધ્યમ રહેવા દેવી, જેથી ખીચડી ઉભરાય નહીં. એક થી બે સિટી થાય એટલે ગેસ બંધ કરીને કુકર ઠંડુ થવા દો. દસ મિનિટ બાદ ખીચડી પર થોડી કોથમીર ભભરાવીને ખીચડી પીરસો.