સૌરાષ્ટ્રનું ભરેલા રીંગણાનું મસાલેદાર ઢાબા સ્ટાઈલ શાક બને તો રીંગણા ન ખાવાવાળા પણ હોંશે હોંશે રવૈયાનું આ શાક ખાશે!
સામગ્રીઃ
- નાના રીંગણા 8-10
- નાના બટેટા 4
- શીંગદાણા ½ કપ
- પાપડી ગાંઠીયા ½ કપ
- સફેદ તલ 1 ટી.સ્પૂન
- લસણની કળી 10-12
- કાશ્મીરી મરચાં પાઉડર 2 ટે.સ્પૂન
- ધાણાજીરૂ 2 ટે.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- તેલ
- ટામેટું 1
- સમારેલી કોથમીર 1 કપ
રીતઃ નાના રીંગણાને ધોઈ લો. બટેટાની છાલ કાઢીને ધોઈ લો. એક વાસણમાં પાણી લઈ તેમાં થોડું મીઠું નાખી રાખો. રીંગણા તેમજ બટેટા ધોયા બાદ તેમાં અડધે સુધી ઉભા ચાર કાપા પાડીને મીઠાવાળા પાણીમાં ડૂબતા રાખો. જેથી કાળા ન પડે અને કાપા થોડા વધુ ખુલી જાય.
શીંગદાણા, પાપડી ગાંઠીયાનો અધકચરો ભૂકો કરીને એક થાળીમાં કાઢી લો. તેમાં સફેદ તલ પણ ભેળવી દો. લસણની કળીઓમાં 1 ટે.સ્પૂન કાશ્મીરી મરચાં પાઉડર ઉમેરીને અધકચરા વાટી લીધા બાદ તેમાં જ એક ટામેટું બારીક સમારીને તે પણ સાથે થોડું વાટી લો. આ મિશ્રણ તેમજ સમારેલી કોથમીર, ધાણાજીરૂ, હળદર, હીંગ અને 1 ટી.સ્પૂન તેલને શીંગના ભૂકામાં મેળવીને હાથેથી મિક્સ કરી લો.
પાણીમાંથી રવૈયા તેમજ બટેટા પાણી નિતારીને એક થાળીમાં કાઢી લો. તૈયાર કરેલું મિશ્રણ હળવે હાથેથી રવૈયા તેમજ બટેટાના કાપામાં ભરી લો.
એક કૂકરમાં 2 ટે.સ્પૂન જેટલું ગરમ કરવા મૂકો. ભરેલા રવૈયા તેમજ બટેટાને તેમાં મૂકીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ઉપરથી 1 ટે.સ્પૂન લાલ મરચું તેમજ શીંગદાણાવાળો ભૂકો વધ્યો હોય તો તે ભભરાવીને 1 કપ જેટલું પાણી મેળવીને એક ચમચા વડે ફક્ત ઉપર ઉપરથી હળવેથી રીંગણા તેમજ બટેટાને ચમચા વડે હલાવો. જેથી મસાલો તેમજ પાણી સરખું ભળી જાય.
કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે કૂકરની બે સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકરને ઠંડું થવા દો. કૂકર ઠંડું થાય, તેમાંની વરાળ નીકળી જાય ત્યારબાદ કૂકર ખોલીને શાક પીરસવું.
