ચીઝ પનીર ગોટાળા

શિયાળો એટલે ખાવાનું પચી જાય ભૂખ પણ લાગે અને તીખું ચટપટું મસાલેદાર ગરમાગરમ ખાવાનું પણ ગમે. તો એ માટે સુરતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ચીઝ પનીર ગોટાળા શાક બનાવો તો ફરી ફરીથી એ જ શાક ખાવાનું ગમે અને વળી બહુ જ જલ્દી બની પણ જાય છે!

સામગ્રીઃ

  • પનીર 200 ગ્રામ
  • ચીઝ ક્યુબ્સ 2-3
  • ટામેટાં 4-5
  • સિમલા મરચાં 2-3
  • લીલાં મરચાં 3-4
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • જીરુ ½ ટી.સ્પૂન
  • બટર 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • પાઉંભાજી મસાલો 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
  • તેલ 2 ટે.સ્પૂન

રીતઃ સિમલા મરચાં, લીલાં મરચાં, 4 ટામેટાંને અલગ અલગ ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. 2 ટામેટાંની મિક્સરમાં ગ્રેવી કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં 1 ટે.સ્પૂન બટર ગરમ કરી તેમાં જીરુ તતડાવો. ચપટી હીંગ ઉમેરીને સમારેલાં લીલા મરચાં તેમજ સિમલા મરચાં ઉમેરીને 3-4 મિનિટ સાંતડો. હવે તેમાં ટામેટાં ઉમેરીને બધાં મસાલા પણ મેળવી દો. ગેસની મધ્યમ આંચે 2-3 મિનિટ સાંતડો. ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યુરી મેળવીને ફરી 2-3 સાંતડો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે શાક સાંતડો. ત્યાંસુધીમાં પનીરને છીણી લો.

હવે શાકને મેશરની મદદથી મેશ કરી લો. ત્યારબાદ કસૂરી મેથીને મસળીને ઉમેરો

અને સમારેલી કોથમીર પણ મેળવી દો. એક કપ જેટલું ગરમ પાણી ઉમેરો. મેશર વડે મેશ કરતા રહો. 2 મિનિટ બાદ તેમાં છીણેલું પનીર મેળવીને ટોમેટો કેચ-અપ પણ મેળવીને ગેસની મધ્યમ આંચે ઢાંક્યા વગર આ શાક થવા દો. તવેથા વડે શાકને હલાવતાં રહો. શાકમાં તેલ ઉપર આવે એટલે તેમાં ચીઝને પણ ખમણીને મિક્સ કરી દો. 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને શાક ઉતારી લો.

આ શાક મસાલા પાઉં કે પરોઠા સાથે સારું લાગશે.

મસાલા પાઉં બનાવવા માટે નોન-સ્ટીક પેનમાં 1 ટી.સ્પૂન બટર ગરમ કરી તેમાં ½ ટી.સ્પૂન સમારેલી કોથમીર નાખી તેની ઉપર પાઉંભાજી મસાલો નાખીને તરત જ (મસાલો નાખ્યા બાદ તરત જ તેની ઉપર પાઉં શેકાવા મૂકી દો. કેમ કે, મસાલો તરત ગરમ થઈને કાળો થઈ જાય છે.) કટ કરેલા પાઉંને તવામાં મસાલામાં ફેરવીને ½ મિનિટ ગરમ કરી તરત જ ઉથલાવીને બીજી સાઈડ ગરમ કરીને ઉતારી લો.