દૂધીનો ઓળો (દૂધીનું ભરતું)

દૂધી મોટે ભાગે કોઈને નથી ભાવતી. તો શાકની વેરાયટી ક્યાંથી લાવવી? જો આ જ દૂધીનો ઓળો (દૂધીનું ભરતું) બનાવવામાં આવે, તો જમવામાં રોટલી ઓછી પડશે!

સામગ્રીઃ

  • દૂધી 1 કિલો
  • ટામેટાં 3
  • કાંદો 1 (optional)
  • લીલાં તીખા મરચાં 2
  • લસણની કળી 10-15
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½  ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 7-8
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ 3-4 ટે.સ્પૂન
  • ઘી 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ દૂધીને છોલીને ધોઈને ચોરસ ટુકડામાં સમારી લો. કૂકરમાં દૂધી નાખીને ¼  કપ જેટલું પાણી અને 1 ચમચી ઘી તેમજ ½ ટી.સ્પૂન મીઠું ઉમેરીને કૂકર બંધ કરી ગેસની મધ્યમ આંચે બાફવા મૂકો. 4-5 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.

ખાંડણી-દસ્તામાં લસણની છોલેલી કળીઓ તેમજ કાશ્મીરી મરચાં પાઉડર નાખીને પેસ્ટ બનાવી લો.

કૂકર ઠંડું થાય એટલે દૂધીમાંથી પાણી નિતારીને મેશર વડે દૂધીને છૂંદીને બારીક કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરુ તતડે એટલે હીંગ વઘારીને સમારેલો કાંદો અને લીલાં મરચાં ઉમેરીને કળી પત્તાના પાન ઉમેરી દો. કાંદો સાંતળી લીધા બાદ તેમાં બારીક સમારેલાં ટામેટાં ઉમેરો. ગેસની આંચ મધ્યમ-ધીમી રાખીને ટામેટાંમાંથી તેલ છૂટું પડે એટલે હળદર તેમજ લસણની પેસ્ટ નાખીને ગરમ મસાલો, ધાણાજીરૂ પાઉડર, કાળા મરી પાઉડર મેળવી દો. ગેસની આંચ ધીમી કરીને 5-10 મિનિટ બાદ તેલ છૂટું પડે એટલે મેશ કરેલી દૂધી મેળવીને ઢાંકીને ફરીથી 10 મિનિટ ધીમે તાપે શાક થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને દૂધીનો ઓળો ગરમાગરમ પીરસો.