બંગાળી મિષ્ટાન્ન મેન્ગો મિષ્ટી દહીં

કેરીની સિઝન છે તો કેરીની વાનગીમાં નિતનવી વેરાયટી મળશે જ! પાકી કેરીવાળું મિષ્ટી દહીં પણ એમાંનું જ એક બંગાળી મિષ્ટાન્ન છે. જે એકવાર બનાવી શકાય !

સામગ્રીઃ

  • પાકી કેરી 2-3 નંગ અથવા 500 ગ્રામ જેટલી
  • સાકર 3 ટે.સ્પૂન
  • દૂધ 1 લિટર
  • દહીં 2 કપ,
  • દહીં મેળવવા માટે માટીનું વાસણ

રીતઃ પાકી કેરીને ધોઈને છોલીને કટકા કરીને તેની પ્યુરી બનાવી લો.  એક કઢાઈમાં આ પ્યુરી લઈ તેમાં સાકર ઉમેરીને ગેસની મધ્યમ આંચે તેને પકવા માટે મૂકો. એક તવેથા વડે એકસરખા પ્યુરીને હલાવતાં રહો. 10-12 મિનિટ બાદ તેમાંથી પાણી સૂકાવા આવે એટલે ગેસ બંધ કરી દો.

દહીંમાંથી પાણી નિતારવા તેને એક ચાળણીમાં મૂકી દો. નીચે એક વાસણ બીજું મૂકી રાખો. જેથી પાણી તેમાં પડે. લગભગ એકાદ કલાક માટે આ રીતે દહીં રહેવા દો.

એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં સાકર ઉમેરીને ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. તેમાં એકાદ ચમચી જેટલું પાણી ઉમેરીને. એક તવેથા વડે સાકર હલાવતાં રહો. ધીમે ધીમે સાકર ઓગળીને કેરેમલ સોસ બની જાય એટલે ગેસની આંચ ધીમી કરીને 1 કપ જેટલું દૂધ ઉમેરીને મેળવો. ધીરે ધીરે બાકીનું દૂધ મેળવીને તવેથા વડે હલાવતા રહો. જેથી તેમાં રહેલું કેરેમલ દૂધમાં એકરસ થઈ જાય. ગેસની આંચ મધ્યમ કરી દેવી. દૂધમાં ઉભરો આવે એટલે એક ઝારો અથવા તવેથો તેમાં ફેરવતા રહો અને કઢાઈની ફરતે જામેલી મલાઈ તવેથા વડે કાઢી લઈને દૂધમાં મેળવતા રહો. આમ 15-20 મિનિટ સુધી દૂધ ગરમ થવા દો. લગભગ 1 લિટરમાંથી 300 ગ્રામ દૂધ ઓછું થાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

દૂધ બહુ ઠંડું નહીં પણ સહેજ હૂંફાળું થાય એટલે મેન્ગો પ્યુરી તેમાં મેળવી દો અને સાથે સાથે પાણી નિતારેલું દહીં પણ મેળવી દો અને એક જેરણીથી 2 મિનિટ સુધી મેળવી લો. આ પ્રવાહી રબડી જેવું ઘટ્ટ થયેલું હશે.

દહીં મેળવવા માટે માટીનું વાસણ 1-2 પાણીએથી ધોઈને સૂકવી લો. તેમાં દહીં મેળવી લો. આ વાસણને સરખું ઢંકાય તે રીતે ઢાંકીને વાસણને ફરતે જાડો રસોઈનો ટુવાલ લપેટી લો. જેથી તેમાં હવા ન જાય. તેને સરખો ગરમાટો મળે અને દહીં સરખું જામે. ગરમીમાં આ દહીં 8 કલાક સુધીમાં જામી જશે. ઠંડીના દિવસોમાં 12-14 કલાક લાગશે.

દહીં જામ્યું છે કે નહીં તે તપાસવા માટે વાસણને થોડું હલાવી જુઓ. જો દહીં ઘટ્ટ જામેલું લાગે તો વાસણ ઉંધું કરી જુઓ. દહીં જામી ગયું હોય તો તેને ફ્રીજમાં 2-3 કલાક માટે રાખો અને ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લો.