બનારસની ટમેટા ચાટ

દરેક પ્રાંતની વાનગીમાં વૈવિધ્ય હોય છે. બમ્બઈયા ચાટ, દિલ્હી ચાટના નામ સાંભળ્યા હશે, એ ચાટ ખાધી પણ હશે. તો હવે ટેસ્ટ કરી લો બનારસની ટમેટા ચાટ, ઘરે જ બનાવીને!

 

સામગ્રીઃ

  • ટમેટા 4
  • સફેદ વટાણા ½ કપ
  • બાફેલો બટેટો 1
  • કાંદો 1
  • લીલા મરચાં 3-4
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાવડર 1 ટે.સ્પૂન
  • જીરૂ પાવડર 1 ટે.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ખજૂરની ગળી ચટણી ½ ટી.સ્પૂન
  • કોથમીરની ચટણી ½ ટી.સ્પૂન
  • આદુ ઝીણું સુધારેલું 1 ટે.સ્પૂન
  • તેલ 3-4 ટે.સ્પૂન
  • દાડમના દાણા (optional)

રીતઃ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ, મરચાં, કાંદો નાખીને ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ટમેટાં સુધારીને નાખો અને ધીમી આંચે ચઢવા દો. પાંચેક મિનિટ બાદ ગરમ મસાલો, લાલ મરચાં પાવડર, સ્વાદ મુજબ મીઠું, જીરા પાવડર નાખીને વધુ 2-3 મિનિટ થવા દો.

બાફેલા બટેટાને ઝીણો સમારીને એમાં મિક્સ કરી દો, સાથે બાફેલા સફેદ વટાણા તેમજ ½ કપ પાણી ઉમેરીને વધુ 2 મિનિટ સુધી થવા દો. હવે એમાં કોથમીર, લીલી તેમજ ગળી ચટણી અને 1-2 ચપટી કાળું મીઠું મિક્સ કરીને ગેસ બંધ કરી દો.

આ ચાટને બાઉલમાં પીરસો ત્યારે તેની ઉપર ઝીણા સમારેલા કાંદા, લીલા મરચાં તથા કોથમીર ભભરાવી દો. દાડમના દાણા પણ ભભરાવી શકો છો.