રીંગણાનું ચટપટું શાક

ધાબા સ્ટાઈલ રીંગણાનું આ શાક ઝટપટ બની જાય છે અને કાંદા લસણના વઘાર વગર પણ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • ¼ કિલો તાજા કુમળાં રીંગણા (ગોલ અથવા લાંબા)
  • 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર
  • 3 ટે.સ્પૂન રાઈનું તેલ (બીજુ કોઈપણ તેલ લઈ શકો છો)
  • ચપટી હીંગ
  • ½ ટી.સ્પૂન રાઈનો પાવડર
  • 1 ટી.સ્પૂન આમચૂર પાવડર
  • 1 ટી.સ્પૂન ધાણા પાવડર
  • ¼ ટી.સ્પૂન કાળું મીઠું
  • 1 ટે.સ્પૂન કેરી અથવા લીંબુના ખાટાં અથાણામાંનો સંભારો

વઘાર માટે પંચફોરન મસાલાની સામગ્રીઃ

  • ¼ ટી.સ્પૂન  જીરૂ
  • ¼ ટી.સ્પૂન મેથી
  • ¼ ટી.સ્પૂન કલૌંજી (કાંદાના બી કરિયાણાની દુકાનમાં મળી રહેશે)
  • ¼ ટી.સ્પૂન વરિયાળી
  • ¼ ટી.સ્પૂન રાઈ,

રીતઃ રીંગણાને ધોઈને સૂકવી લો, ત્યારબાદ ડીચાં સહિત વચ્ચેથી ચીરા પાડી લો. હવે તેમાં 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર તેમજ ¼ ટી.સ્પૂન કાળું મીઠું નાખીને વાસણમાં જ રીંગણા ઉછાળીને આ મસાલાને મેરીનેટ થવા મૂકો.

બીજી બાજુ કઢાઈમાં સરસોંનું તેલ 3 ટે.સ્પૂન ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કલૌંજી પહેલાં વઘારો. ત્યારબાદ હીંગ નાખીને બાકીના પંચફોરન મસાલા (રાઈ, જીરૂ, વરિયાળી, મેથી) પણ વઘારી દો. ગેસની આંચ મધ્યમ કરીને વઘારમાં નાખેલા મસાલા ગુલાબી રંગના શેકીને રીંગણા તેમાં મિક્સ કરી દો.

હવે તેમાં રાઈનો પાવડર, ધાણા પાવડર, આમચૂર પાવડર મેળવી દો. મીઠું જરૂરી લાગે તો સાદું મીઠું ઉમેરવું. કેમ કે, રીંગણાને મેરિનેટ કરતી વખતે કાળું મીઠું મિક્સ કર્યું હતું. હવે કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં અથાણાંમાંનો સંભારો 1 ટે.સ્પૂન મેળવીને 1-2 મિનિટ માટે થવા દો. રીંગણા ચઢી જાય એટલે ગરમાગરમ પીરસો!