નિપ્પોન ઈન્ડિયા ગોલ્ડ ETF, નિપ્પોન ઈન્ડિયા નિફટી બીઝ ETFમાં ભાવ દસ ગણા ઘટેલા કેમ દેખાય છે?

વાસ્તવમાં આ ઈટીએફના યુનિટની મૂળ કિંમત દસ ગણી ઘટાડાઈ
(સ્પિલીટ કરાઈ) છે!


  • જયેશ ચિતલિયા

શું તમારા પોર્ટફોલિયોમાં નિફ્ટી આધારિત ઈટીએફ (નિફ્ટી બિઝ – જે હવે નિપ્પોન ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપની મેનેજ કરે છે, અગાઉ તે રિલાયન્સ કેપિટલ કરતું હોવાથી તેનું નામ રિલાયન્સ નિફ્ટી બીઝ હતું) છે? જેના ભાવ નિફ્ટી ઈન્ડેક્સના દસમા ભાગ જેટલા બોલાતા હોય છે. આ ભાવ ગુરુવારે તેના પણ દસમા ભાગ જેટલા જોવા મળ્યા હશે, જેની તમને ચોક્કસ  નવાઈ  લાગી હશે. આ ઘટી ગયેલા ભાવ જોઈને ગભરાઈ જતા નહીં, કારણ કે વાસ્તવમાં ભાવ ઘટ્યા નથી, બલકે યુનિટના મૂળ ભાવનું વિભાજન થયું છે, જે અત્યાર સુધી યુનિટદીઠ રૂ.10 હતા તે હવે યુનિટદીઠ રૂ. 1  કરાયા છે. આ જ બાબત નિપ્પોન ઈન્ડિયા ગોલ્ડ ઈટીએફ સહિતના તેના અન્ય ઈટીએફને પણ લાગુ કરાઈ છે. ગોલ્ડ ઈટીએફમાં યુનિટદીઠ મુળ કિંમત રૂ.100  હતી, જે હવે રૂ.1 કરાઈ છે. પરિણામે તેના ભાવમાં એકસો ગણો ઘટાડો જોવાશે.

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે આ સ્કીમ (ઈટીએફ)ની મૂળ કિંમતના ફેરફાર માટેની રેકોર્ડડેટ 20-12-2019 છે.

રિલાયન્સ કેપિટલના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને ટેકઓવર કરનાર જપાનની નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના વિવિધ ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફંડ)ની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) યુનિટદીઠ દસ રૂપિયાથી ઘટાડીને એક રૂપિયા કરી છે, જેની અસર રૂપે આ કંપનીના ઈટીએફ ધરાવતા રોકાણકારોના એકાઉન્ટમાં ફેરફાર જોવા મળશે. યુનિટની માર્કેટ વેલ્યૂ ઘટેલી જોવા મળશે અને યુનિટની સંખ્યા તેના પ્રમાણમાં વધેલી જોવા મળશે. સ્ટોક એકસચેંજ પર આ યુનિટના ભાવમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવાશે. જેનો અમલ 19 ડિસેમ્બર 2019થી શરૂ થયો છે.

આ ફેરફાર નિપ્પોન ગોલ્ડ ઈટીએફ, નિપ્પોન નિફટી ઈટીએફ ઉપરાંત નિપ્પોન  બેંક ઈટીએફ અને નિપ્પોન પીએસયુ બેંક ઈટીએફમાં પણ કરાયા છે. આમ હવે પછી આના રોકાણકારોના પોર્ટફોલિયોમાં આ સાધનના યુનિટની સંખ્યા દસ ગણી વધી જશે અને ભાવ (નેટ એસેટ વેલ્યુ) તેના પ્રમાણસર ઘટી જશે.

સ્ટોક એકસચેંજની નોટિસમાં આ જાહેરાત કરાઈ છે. જ્યારે કે ગુરુવારે અચાનક આ ઈટીએફના ભાવમાં ધરખમ ઘટાડો જોઈ રોકાણકારોમાં ભય અને શંકાની લાગણી ફેલાઈ ગઈ હતી.