દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એમના નાના ભાઈ અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીને એક મોટી આર્થિક મદદ કરીને એમને જેલમાં જતા બચાવી લીધા છે. આરકોમ કંપનીએ સ્વીડનની ટેલિકમ્યુનિકેશન્સ ઉપકરણો બનાવતી કંપની એરિક્સનને મુકેશ અંબાણીએ 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો આરકોમ કંપની આ પેમેન્ટ ન કરત તો અનિલ અંબાણીને 3 મહિનાની જેલની સજા થઈ હોત.
આ મદદ બાદ અનિલે એમના મોટા ભાઈ મુકેશ અને ભાભી નીતાનો જાહેર નિવેદન બહાર પાડીને આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે અંબાણી બંધુઓના સંબંધોમાં છેલ્લા લગભગ દોઢેક દાયકાથી કડવાશ આવી ગઈ છે. બંને જણ બિઝનેસમાં અલગ થઈ ગયા છે, પણ નાના ભાઈ પર આવી પડેલી મોટી મુસીબતમાં એને બચાવવા માટે મોટા ભાઈ મુકેશ જરાય ઢીલ કરી નહીં.
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીનું 2002માં નિધન થયા બાદ મુકેશ અને અનિલ વચ્ચે ધંધાના મામલે ખટરાગ ઊભો થયો હતો અને બંનેએ રિલાયન્સ સામ્રાજ્યની વહેંચણી કરી લીધી હતી.
એમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેવું ચૂકવવા માટે સમયસર મદદ કરવા બદલ ભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતાનો આભાર.
આરકોમ માટે મંગળવાર સુધીની ડેડલાઈન હતી. આરકોમ અને અનિલ મુસીબતમાં હતા.
સર્વોચ્ચ અદાલતે ઈરાદાપૂર્વક પેમેન્ટ ન કરવા અને કોર્ટનો આદેશ ન માનવા બદલ અનિલને દોષી જાહેર કર્યા હતા.
કોર્ટે એમને આદેશ આપ્યો હતો એમણે ચાર સપ્તાહમાં એરિક્સનને પેમેન્ટ કરી દેવું નહીં તો એમને 3 મહિનાની જેલ થશે.
આરકોમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે એણે એરિક્સનને રૂ. 550 કરોડનું (વ્યાજ સાથે) પેમેન્ટ કરી દીધું છે.
જો આ પેમેન્ટ કરાયું ન હોત તો અનિલ અંબાણીની સાથે એમના બે ડાયરેક્ટર – છાયા વિરાની અને સતીષ સેઠને પણ જેલમાં જવાનો વારો આવ્યો હોત.
ધીરુભાઈના પત્ની કોકિલાબેન અંબાણી કાયમ એવી ઈચ્છા રાખતા આવ્યાં છે કે એમનાં બંને દીકરા – મુકેશ અને અનિલ સમાધાન કરી લે. મુકેશ-નીતાની પુત્રી ઈશા અને ત્યારબાદ મોટા પુત્ર આકાશનાં મુંબઈમાં થયેલા લગ્નપ્રસંગે પણ અનિલ અંબાણીએ હાજરી આપી હતી અને અંબાણી પરિવારમાં ધંધાકીય ખટરાગનો હવે અંત આવી જશે એવું ઘણાયને લાગ્યું.
અહેવાલો અનુસાર, 2017ની 28 ડિસેંબરે, ધીરૂભાઈની 85મી જન્મતિથિએ મુકેશની રિલાયન્સ જિઓ કંપનીએ આરકોમની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ રૂ. 23,000 કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. દેખીતી રીતે જ આર્થિક ભીંસમાં સપડાયેલા નાના ભાઈને ઉગારવાનો મુકેશ અંબાણીનો પ્રયાસ છે.