આર્થિક રાહત નવા વેરાના બોજ સ્વરૂપે પ્રજાના માથે આવશે?

વર્તમાન સમયમાં કોરોના વાઈરસને લીધે સર્જાયેલી આર્થિક કટોકટીમાં સરકાર આર્થિક રાહત આપી રહી છે અને  હજી પણ વધુ  આપવી પડશે. કિંતુ હાલમાં આર્થિક ભીંસનો પોતે પણ સામનો કરી રહેલી સરકાર  ભવિષ્યમાં નાણાં કયાંથી ઊભા કરશે? શું બોજ નવા વેરાસેસ સ્વરૂપે પ્રજા પર તો નહીં આવે ને? સવાલ ગંભીર છે.


સાઉદી અરેબિયાએ તાજેતરમાં કરેલી કેટલીક જાહેરાત ચર્ચાનો વિષય બની છે. ક્રુડ ઓઈલના ભાવ ઘટાડાની સૌથી મોટી અને આકરી અસર રૂપે સાઉદી અરેબિયાએ વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) પાંચ ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દરનો અમલ જુલાઈથી શરૂ થશે. જેનો આંચકો અત્યારથી ત્યાંના બિઝનેસ વર્ગ સહિત જનતાને પણ લાગ્યો છે.  સાઉદી અરેબિયાએ  તેના ચોક્કસ ભાવિ ખર્ચ રદ કરવાનું કે તેને મુલતવી રાખવાનું નકકી કર્યુ છે  અથવા  વિઝન 2030 માટેની તેની ફાળવણી પર કાપ મૂકવાનું વિચાર્યુ છે. આમ કરીને તે જંગી રકમની બચત કરવા ધારે છે. કોરોનાની મહામારી અને તેને કારણે ઈકોનોમીને થયેલી ગંભીર અસરને પહોંચી વળવા સાઉદી સરકારે કોસ્ટ ઓફ લિવિંગ એલાવન્સ પર પણ તાત્પુરતી બંધી મૂકવાનું નકકી કર્યુ છે અને સરકારી કર્મચારીઓના કયા અન્ય લાભ પર કાપ મૂકી શકાય  તેનો અભ્યાસ કરવા એક સમિતિની રચના કરી છે. તમને થઈ શકે કે આ બધું તો સાઉદી અરેબિયામાં થઈ રહ્યું છે, આપણે શું ?

ભારતમાં  નવા બોજ આવશે?

આ સવાલ મહત્ત્વનો એ માટે છે કે આપણા દેશમાં પણ આગામી એકાદ વરસમાં નવા વેરાનું આગમન કે પછી વેરાદરના વધારા નક્કી માનીને ચાલવું પડશે. સરકાર હાલ કોવિડ-19ના કપરા સંજોગોને કારણે જે રાહત આપી રહી છે અને હજી આપવાની છે તેના નાણાં કયાંથી ઊભા કરશે? આખરે તો જનતાના માથે બોજ આવવાનો જ છે. આમ પણ અત્યારની આર્થિક મહામંદીને કારણે સરકારની ઈન્કમ ટેક્સ તેમ જ એક્સાઈઝ ડ્યુટી,કસ્ટમ્સ ડ્યુટી, જીએસટીની આવકને મોટો માર પડી જ રહ્યો છે. ઉપરથી સરકારે ટેકસ ભરવા માટે ત્રણ મહિનાનો વધારાના સમયની રાહત પણ આપી છે. અર્થાત હાલ તો સરકારને આ માર્ગે થતી આવકમાં પણ માર પડવાનો નકકી છે. એક માર સમયનો પડશે, બીજો માર બિઝનેસ બંધ હોવાથી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના જીએસટીની આવકનો પડશે. દર મહિને સરકારને આ માર્ગે 90000 કરોડથી લઈ એક લાખ કરોડ રૂપિયા ઉપરની આવક થતી હોય છે, જેની સામે હવે કેટલાં ટકા આવક થશે એ સવાલ છે.

બીજું  રાહત પેકેજ કયારે ?

કેન્દ્ર સરકારે પ્રથમ રાહત  પેકેજમાં 1.70 લાખ કરોડ રૂપિયાની રાહત આપી હતી, એ પછી બીજી રાહત મોટી આવવાની આશા જોવાઈ રહી છે. આ બીજું રાહત પેકેજ વધુ જંગી અને વ્યાપક હશે એમ કહેવાય છે. નાણાં પ્રધાનની આ વિષયમાં  વડાપ્રધાન સાથે વાતચીત ચાલી રહી છે અને તે  ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. રાધર એમ પણ કહી શકાય કે આ રાહત જાહેર કરવામાં સરકાર તરફથી નોંધપાત્ર વિલંબ પણ થઈ રહયો છે. સંભવત સરકાર લોક ડાઉન બાદ નાના-મધ્યમ એકમો ચાલુ થશે એવી ધારણા સાથે એ નાના-મધ્યમ એકમે  કાર્યરત થયા બાદ રાહતની ખાસ જરૂર પડશે એવું માનીને ખરા સમયે સરકાર એ રાહત ત્યારે જ અથવા એ સમયની આસપાસ જાહેર કરશે એવી આશા છે.

બેંકોની રાહત અને મજૂરોની હાલત

અગાઉ  રિઝર્વ બેંકે  લોન ચૂકવણી બાબતે બેંકોને  ત્રણ મહિનાની રાહત આપવા સૂચના આપી  હતી,  આ સમયગાળો  પણ લંબાવવાની વાત ચાલી રહી છે, કારણ કે હજી બિઝનેસ ચાલુ થયા નથી તો બોરોઅર્સ લોનની ચૂકવણી કઈ રીતે કરી શકશે? સરકારે તાજેતરમાં 12 લાખ કરોડ રૂપિયાનું કરજ લીધું છે, જેથી તે તેની ડેફિસિટને અંકુશમાં રાખી શકે, કિંતુ આમ કયાંસુધી અને કેટલે સુધી સંભવ છે? દેશનો જીડીપી (વિકાસ દર) દર તળિયે અથવા એક-દોઢ  ટકા કે પછી વધુ વિપરિત સંજોગોમાં ઝીરો પણ થઈ શકે છે એવી શંકા વ્યક્ત થઈ રહી છે. નોકરી અને પગાર કાપનો દોર તો શરૂ થઈ જ ગયો છે. કરોડો કામદારો-મજૂરો બેકાર થઈ ગયા છે. રોજેરોજનું કમાઈને જીવનારાની દશા તો શું છે એ આપણી કલ્પના શકિતની બહારની વાત થઈ ગઈ છે, આપણે હજારો મજૂરો પોતાના ગામ તરફ કઈ રીતે ગયા અને જઈ રહ્યા છે તેના દ્રશ્યો જોયા છે, જે કાળજુ કંપાવી નાંખે એવા છે. માણસની સંવદેનશીલતા હચમચી જાય એવા આ દ્રશ્યો અને અહેવાલ છે. આ મજૂરો હવે આ શહેરોમાં પાછા આવશે કે કેમ એ મસમોટો સવાલ છે. વાત માત્ર મુંબઈની જ નથી, અનેક મહાનગરોની છે. જેમાં કોલકાતા, અમદાવાદ, સુરત વગેરે પણ આવી જાય.

કોવિડ-19 નામે સેસ આવી શકે

કોરોનાને કારણે સર્જાયેલી મહામંદીનો ભોગ અર્થતંત્ર ઉપરાંત  અર્થતંત્રના  ભાગ સમાન એકેક જણ  બન્યા છે. કિંતુ જ્યારે અર્થંતંત્રની બેહાલીના  આ બોજનો ભાર ઊંચકવાનો આવશે ત્યારે શું આ બોજથી સામાન્ય પ્રજાને  મુક્ત રાખી  શકાશે? સરકારે  ટેકસ વધારવા પડશે તો તેનો અંતિમ બોજ  જનતા પર જ આવશે. સંભવ છે કે સરકાર કોવિડ-19ના નામે નવો સેસ પણ લાદી શકે, જે ઘણાં વરસ સુધી ચાલુ રહે એવું બની શકે. સાઉદી અરેબિયાએ જે કર્યું છે તે અન્ય દેશોએ પણ કરવું પડશે, જો કે અન્યની વાત બાજુએ મૂકીએ તો પણ ભારતે આમ કરવાની ફરજ પડવાની શક્યતા વધુ છે.  આગામી બજેટમાં શું હશે તેના પર લોકો અત્યારથી વિચારતા થઈ ગયા છે, હાલ તો એક મિનિ બજેટ આવવાની રાહ છે. બીજા દેશોએ તો પોતાની પ્રજાને અને અર્થતંત્રને રાહત પણ ખૂબ આપી છે, જ્યારે તેની સામે ભારતે અત્યારસુધી તો રાહતના નામે બહુ ઓછું આપ્યું છે. ભારતની લોકશાહી અને રાજકારણ પણ તેમાં બાધારૂપ બને છે. ભારત માટે તો એક સાંધે ને તેર તૂટે જેવા હાલ છે. ભારત સામે સૌથી વિકટ સવાલ અને સમસ્યા બેરોજગારીની ઊભી જ છે, જે હવે પછી વધુ વકરવાના એંધાણ છે.

દિશાહિન દેશ અને અર્થતંત્ર

જો કે  ભારત સરકાર નવા ટેક્સ નાંખશે યા વધારશે કે સેસ લાગુ કરશે તો તેનો ભાર ઊંચકવા માટે પણ કેટલા ટકા લોકો તૈયાર અને સક્ષમ હશે? અગાઉ ડિમોનેટાઈઝેશન કરનાર ભારત સરકાર  પાસે હવે એક વિકલ્પ મોનેટાઈઝેશનનો હોવાનું ચર્ચાય છે. કિંતુ સરકાર આમ કરશે? અને કરશે તો મોંઘવારીને કઈ રીતે અંકુશમાં રાખી શકશે? બાકી હાલ તો અમુક અપવાદરૂપ સેક્ટર સિવાય બધાં જ મંદીની આગમાં હોમાઈ રહયા છે. તેમનો બોજ કોઈ ઉપાડે યા સરકાર ઉપાડે એવી તેમની અપેક્ષા છે એની સામે જો તેમના પર નવા બોજ આવશે તો શું દશા થશે એની કલ્પના પણ ભયાનક લાગે એવી હશે. જો સરકાર આમ નહી કરે તો શું ઉપાય કરશે તેનો જવાબ પણ કયાં છે? દેશ, અર્થતંત્ર, વેપાર-ઉધોગ અને પ્રજા પણ  દિશાહિન  છે. વાઈરસ સ્વરૂપે કોરોના જાય કે ન જાય, ઈકોનોમી સ્વરૂપે ઈકોરોના  દેશમાં ઘૂસી ગયો છે અને ફેલાઈ રહયો છે. તેણે માંદગીનો ફેલાવો શરૂ કરી દીધો છે, આમાંથી  કેટલાં અને કઈ રીતે સાજા થશે એનો ઉપાય-ઈલાજ કે વેક્સીન કોઈની પાસે નથી.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)