નિવૃત્તિકાળ દરમ્યાન આવકનાં સ્ત્રોત ઊભા કરવા માટેનાં ૭ વિકલ્પો

કમાણીનાં વર્ષો દરમ્યાન કેવી રીતે આયોજન કરશો કે જેથી આવનારો નિવૃત્તિકાળ આવકની ફિકર વગર સુંદર અને આનંદપૂર્વક વીતી શકે..?

આજની ઝડપથી બદલાતી અને વૃધ્ધિલક્ષી દુનિયામાં, ખાસ કરીને ભારતમાં, રોકાણકારો માટે નિવૃત્તિકાળ માટેની આર્થિક યોજના બનાવવા માટેનાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. નાણાંની સુરક્ષિતતા, પ્રવાહિતા, વૃધ્ધિદર અને ટેક્સનાં નિયમોને અને પોતાનાં ટેક્સ સ્લેબને ધ્યાનમાં રાખીને, આ બધા વિકલ્પોમાંથી યોગ્ય સંયોજન કરી પોતાનો ઈનવેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવી શકાય. શિસ્તબદ્ધ રીતે આ પોર્ટફોલિયોમાં રોકાણની ફાળવણી કરીને મહત્તમ લાભ રોકાણકારો મેળવી શકે છે.

૧. ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વ્યાજની આવક :

લાભ :

બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકેલી રકમ સરખામણીએ સુરક્ષિત અને પ્રવાહી હોવાનાં કારણે આવી ફિક્સ્ડ ડિપોઝિટો ઘરેલુ બચતનો મહત્વનો હિસ્સો છે. આમાં રોકેલી રકમ જ્યારે જરૂર પડે ત્યારે મેળવી શકાય છે. રોકાણકારોએ સુરક્ષિત બેન્ક; જેમ કે સરકારી રાષ્ટ્રીયકૃત બેન્કો અથવા નામચીન ખાનગી ક્ષેત્રની બેન્કો અને સારા રેટિંગ ધરાવતી સંથાઓમાં જ ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવાની કાળજી રાખવી જોઈએ.

જોખમ :

રોકાણકારો પોતાની મહેનતની કમાણીને નાની બેન્કો અથવા કૉઓપરેટિવ બેન્કોમાં અથવા અસ્થિર કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝિટમાં થોડાંક વધારે વ્યાજની લાલચમાં રોકાણ કરતાં હોય છે. આવા વધુ વ્યાજદરો; જે માર્કેટમાં અપાતાં વ્યાજદરોથી વધુ હોય; એ વધારાનાં  જોખમ સાથે આવે છે; એ વાત રોકાણકારોએ યાદ રાખવી જોઈએ. આવી બેન્કો/કંપનીઓની માન્યતા કોઈપણ કારણોસર RBI  દ્વારા રદબાતલ થઈ જાય એવી શક્યતાઓ વધારે રહેલી હોય છે. એવા સંજોગોમાં રોકાણકારે પોતાની મૂડી ખોવાનો વારો આવી શકે છે. આ કારણે પોતાની મૂડીની સલામતી માટે રોકાણ કરતી વખતે સુરક્ષિત બેન્ક/સંસ્થા/કંપનીની પસંદગી કરવી એ રોકાણકારની મહત્વની જવાબદારી છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું બીજું એક જોખમ છે; રીઈનવેસ્ટમેન્ટનું. ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં વ્યાજદર ઘટાડા તરફ ગતિ કરતાં હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટની વધુમાં વધુ અવધિ ૫ થી ૧૦ વર્ષની હોઇ શકે છે; જ્યારે નિવૃત્તિનો સમયગાળો ૨૦/૩૦ કે તેથી વધુ પણ હોઇ શકે. આને કારણે રોકાણકારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે; જ્યારે પાકેલી ફિક્સ્ડ ડિપોઝિટને ફરીથી રોકાણ માટે મૂકવામાં આવશે ત્યારે પહેલાંની સરખામણીએ ઓછા વ્યાજદર મળી શકે છે.

બીજો ગેરલાભ એ છે કે એમાંથી નિપજતી વ્યાજની આવક પર પોતાનાં ટેક્સના સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે.

આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને રોકાણકારે કોઈ પણ જાતની તાણ વગર ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઈએ.

૨. સરકારી યોજનાઓમાં રોકાણ : (ગવર્મેન્ટ સ્કીમ્સ)

SBI અને પોસ્ટ ઓફિસની SCSS (સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ), PMVVY (પ્રધાનમંત્રી વય વંદના યોજના), NSC (નેશનલ સેવિંગ્સ સ્કીમ), MIP (મંથલી ઈન્કમ પ્લાન) જેવી યોજનાઓ; RBI ની ફ્લોટિંગ રેટ બોન્ડ જેવી ઘણી યોજનાઓ જનકલ્યાણ માટે મોટે પાયે ભારત સરકાર ચલાવે છે. આ બધી સ્કિમોમાંથી તમને તમારા માટે યોગ્ય હોય એવી કોઈ સ્કીમ પસંદ કરીને તમારા માટે આવકનો પ્રવાહ ઊભો કરી શકો છો.

લાભ :

આ સ્કિમોને સરકારી પીઠબળ હોવાથી આમાં કરેલ રોકાણ સુરક્ષિત છે; એટલે મૂડી ડૂબી જવાનો ભય  રાખવાની રોકાણકારે જરૂર નથી; જે આ સરકારી યોજનાઓમાં રોકાણનો મહત્વનો લાભ છે.

બીજો ફાયદો એ છે કે આ યોજનાઓમાં વ્યાજદર થોડોક વધુ હોય છે.

મર્યાદા :

આ યોજનાઓની મર્યાદાઓમાંની એક એવી એ છે કે આમાં મર્યાદિત પ્રમાણમાં જ મૂડીરોકાણ કરી શકાય  છે. દા.ત. SCSS માં ફક્ત ૧૫ લાખ સુધીનું જ વ્યક્તિગત રોકાણ થઈ શકે છે. પતિ-પત્નીનાં  જોઇન્ટ ખાતામાં ૩૦ લાખ સુધીની જ મર્યાદા છે. એવી જ રીતે PMVVY  માં ૧૫+૧૫ રોકી શકાય છે; જ્યારે RBI નાં ફ્લોટિંગ રેટ બોન્ડમાં રોકાણની કોઈ મર્યાદા નથી. પરંતુ વ્યાજદર ફ્લોટિંગ છે; જે લાંબે ગાળે ઘટી પણ શકે છે.

ઉપરાંત આ બધી યોજનાઓમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે.

૩. મ્યુચ્યુઅલ ફંડનાં સીસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) :

મ્યુચ્યુઅલ ફંડ એ આધુનિક યુગનું રોકાણનું સાધન છે અને ખૂબ પ્રચલિત થયું છે. આપણે બધા જાણીએ છીએ એમ મ્યુચ્યુઅલ ફંડના ડેટ (ફિક્સ્ડ ઈન્કમ), ઈક્વિટી,ગોલ્ડ અને અનેક હાયબ્રીડ એવા પ્રકારો છે જે બે કે વધુ પ્રકારોના મિશ્રણ હોઇ શકે છે. સીસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન માટે બેલેન્સડ એડવાન્ટેજ ફંડ અથવા મલ્ટી એસેટ ફંડના પ્રકારો વધુ પ્રખ્યાત છે. SWP માં નિયમિત રીતે જોઈતો ઊપાડ; નક્કી કરેલી તારીખોએ; એક નિશ્ચિત રકમનો મળી શકે એવી ગોઠવણ રોકાણકાર કરી શકે છે. SWPમાં ઉપાડની રકમ ઓછામાં ઓછી રૂ.૧૦૦૦ થી લઈને કોઈપણ રકમ (રકમની ઉપરની મર્યાદા નથી) નક્કી કરી શકાય છે. રોકાણકારની જરૂરિયાત પ્રમાણે માસિક, ત્રિમાસિક કે વાર્ષિક રીતે નિશ્ચિત રકમની ઉપાડની ગોઠવણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડને કેપિટલ ગેઇન  ટેક્સના નિયમો લાગુ પડે છે એથી SWP  ટેક્સની ચૂકવણીની દ્રષ્ટિએ લાભકારક બની રહે છે.

૪. પેન્શન યોજનાઓ :

વિવિધ વિમાકંપનીઓ દ્વારા રોકાણકારો માટે અલગ-અલગ પેન્શન પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ખૂબ જ પ્રચલિત છે. લાંબા સમય સુધી નિશ્ચિત રકમોનું નિરંતર રોકાણ કરીને મૂડી ઊભી કરી શકાય છે; જે પેન્શનના માધ્યમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ધોરણે મેળવી શકાય છે, આજનાં સમયે NPS (ન્યુ પેન્શન સ્કીમ) લોકપ્રિય બની રહી છે કારણ કે આ સ્કીમનું રોકાણ; શેરમાર્કેટની સાથે જોડાયેલું હોવાથી રોકાણકારોની મૂડીમાં પણ વૃધ્ધિ થાય છે. નિવૃત્ત થઈ ચૂકેલા લોકો પણ એકી સાથે મોટી મૂડી; ખરીદ કિંમત તરીકે ચૂકવીને સિંગલ પ્રીમિયમ પ્લાન ખરીદીને તરત જ પેન્શનની શરૂઆત કરી શકે છે.

લાભ :

પેન્શન પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે એક ચોક્કસ રકમ જીવનભર સુધી મેળવવાનું સુનિશ્ચિત થઈ જાય છે.

પરણિત યુગલો માટેનાં જોઇન્ટ પેન્શન પ્લાન પણ ઉપલબ્ધ છે જેમાં આ ચોક્કસ રકમ બેમાંથી લાંબુ જીવનાર સાથીના જીવન પર્યંત મળી રહે છે. આ વ્યવસ્થાને કારણે જીવનભર આવકનો સ્ત્રોત ચાલુ રહી શકે છે અને બંને પેન્શનરોના મૃત્યુ બાદ; મૂડીની રકમની ચૂકવણી નોંધણીકૃત નૉમિનીને કરવામાં આવે છે.

ગેરલાભ :

૧. પેન્શનરના હાથમાં આવતી રકમ કરપાત્ર છે.

૨. કોઈ પણ જાતની આપાતકાળ/કટોકટીના સમયે પણ આ જમા કરેલ પૂંજીમાંથી કોઈ પણ રકમ પછી મેળવી શકાતી નથી.

૫. ગેરેન્ટેડ રેટ ઈન્શ્યોરન્સ પ્લાન્સ (વીમા યોજનાઓ) :

વીમા કંપનીઓ દ્વારા જાહેર કરાયેલી આ નવી યોજનાઓ છે; જેમાં એક ચોક્કસ રકમ; એક ચોક્કસ કરેલી સમય મર્યાદા સુધી જેમ કે ૧૦/૧૫/૨૦ વર્ષ સુધી ચૂકવવાની રોકાણકારને બાહેંધરી આપવામાં આવે છે. રોકાણકાર ફક્ત એક જ પ્રીમિયમ ભરીને અથવા પેન્શન પ્લાનની માફક ચોક્કસ સમય મર્યાદા સુધી નિશ્ચિત કરેલી રકમ નિયમિત રીતે ભરીને મૂડી ઊભી કરી શકે છે. નોંધનીય મહત્વનો મુદ્દો એ છે કે પેન્શન પ્લાનની વિરુધ્ધ; આ પ્લાનમાં પોલિસી ખરીદતી વખતે જ પોલિસીધારકને મૂડી પરનો વળતરનો દર ખબર હોય છે, જ્યારે પેન્શન પ્લાનમાં માર્કેટમાં જે-તે સમયે પ્રવર્તમાન વળતરના દરે પેન્શનની ચૂકવણી કરવામાં આવે છે. આ એક બહુ મોટો તફાવત છે કારણ કે ભારત જેવા વિકાસશીલ દેશમાં વ્યાજદર નીચા આવી રહ્યાં છે અને તે હજુ પણ નીચા જઈ શકે છે. આજે આવા કેટલાંક ઈન્શ્યોરન્સ પ્લાન્સ લગભગ વાર્ષિક ૭%નાં વળતરના દર ઓફર કરે છે. ઉપરાંત આ વળતર કરમુક્ત છે કારણ કે આ દાવાઓ સેકશન ૧૦ (૧૦ D ) નાં અંતર્ગત ચૂકવવામાં આવે છે જેને કારણે નિવૃત્ત વ્યક્તિઓ માટે આમાંથી આવકનો સ્ત્રોત એકદમ આકર્ષક બની રહે છે.

૬. શેરોમાંથી ડિવિડન્ડ :

મોટાભાગનાં શ્રીમંત પરિવારો પાસે નિયમિત રીતે ડિવિડન્ડ આપતાં શેરોનો સારો પોર્ટફોલિયો બનાવેલો હોય છે. શેરોમાંથી પ્રાપ્ત થયેલ ડિવિડન્ડ રોકાણકારો માટે સારો વિકલ્પ છે. પરંતુ રોકાણકારે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શેરબજારનો સ્વભાવ ઘણો અસ્થિર છે અને અર્થતંત્રમાં અથવા તો ખુદ કંપનીઓના પ્રદર્શનોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે; જેને કારણે શેરોમાંથી મળતા ડિવિડન્ડની રકમ પણ અનિશ્ચિત હોય છે. તેમ છતાં લાંબા સમયગાળે ડિવિડન્ડની આવક આપતાં પોર્ટફોલિયો ન કેવળ સ્થિર આવક આપે છે પરંતુ આ કેવળ એકમાત્ર ઈનવેસ્ટમેન્ટ એવું છે કે મૂડીને ફુગાવાના દરથી વધારે વૃધ્ધિદર આપી શકે છે અને આમ ડિવિડંડમાંથી થતી આવક લાંબા સમયગાળે વધતી રહે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે કુશળ મેનેજમેંટવાળી, મોટી અને સારી કંપનીઓ; કે જે મજબૂત વ્યવસાયો ધરાવે છે; તે કંપનીઓના શેરોમાંથી સારું ડિવિડેંડ ઉપજે છે.

૭. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) :

મોટા ભાગનાં ભારતીયો PPF માં શિસ્તબદ્ધ રીતે રોકાણ કરે છે. નાના રોકાણકારોની બચતને એકત્ર  કરીને તેનાં પર વળતર આપવાના ઉદ્દેશ્યથી ૧૯૬૮ માં PPF  ને દાખલ કરવામાં આવ્યું હતું. PPF ને બચતના સાધન સાથે કર-બચતનું સાધન પણ કહેવાય છે કેમ કે આના દ્વારા નિવૃત્તિકાળ માટેની મૂડી તો ભેગી થાય જ છે; સાથે-સાથે વાર્ષિક રીતે ભરાતા કરમાં પણ બચત કરી શકાય છે. વર્તમાનમાં PPF પરનો વ્યાજદર વાર્ષિક ૭.૧% નો છે – મહત્વનું એ છે કે આ આવક કરમુક્ત છે. PPF ની ૧૫ વર્ષની મુદત પાકે પછી; એ ખાતાની મુદતને જીવનભર સુધી ૫-૫ વર્ષનાં સમયગાળા માટે વધારી શકાય છે. PPF એ રોકાણકારનાં પોર્ટફોલિયોમાં ડેટ ઈન્વેસ્ટમેન્ટનો સારો વિકલ્પ બની શકે છે.

આપણે આપણાં જીવનની પ્રથમ પારી દરમ્યાન સખત મહેનત કરીને ધનની કમાણી કરીએ છીએ. જો આ સમય દરમ્યાન આપણે યોજનબધ્ધ અને વ્યવસ્થિત રીતે રોકાણ કરીને વિવિધ આવક આપતાં સ્ત્રોત ઊભા કરી શકીએ તો આપણું કમાયેલ ધન જ આપણે માટે મહેનત કરીને આપણી બીજી પારી  દરમ્યાન આપણાં માટે ધન કમાવીને આપી શકે અને આ બીજી પારી સુંદર અને સુખમય બની શકે !

હેપ્પી ઈન્વેસ્ટિંગ..!

(રાજેન્દ્ર ભાટીયા)

(લેખક અર્થશાસ્ત્ર ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના MD છે. એમનું ઈ-મેઇલ એડ્રેસ : rb@aarthshashtra.com)