આમિરે તોડ્યું હતું માધુરીનું દિલ

આમિર ખાન અને માધુરી દીક્ષિત ‘દિલ’ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા પછી માત્ર ‘દીવાના મુઝસા નહીં’ માં સાથે દેખાયા હતા. એ પછી કોઇ ફિલ્મમાં સાથે આવ્યા નહીં એનું કારણ આમિરની એક મજાક કહેવાય છે.

નવાઇની વાત એ છે કે આમિર અને માધુરીની જોડીએ સૌપ્રથમ નિર્દેશક વાય. નાગેશ્વર રાવની ‘દીવાના મુઝસા નહીં’ સાઇન કરી હતી. એ પછી ઇન્દ્રકુમાર નિર્દેશિત ‘દિલ’ માં કામ સ્વીકાર્યું હતું. જે મોટી હિટ રહી હતી. ‘દીવાના મુઝસા નહીં’ નું શુટિંગ ‘દિલ’ કરતાં પહેલાં પૂરું થયું હતું. છતાં ‘દિલ’ પછી રજૂ થઇ શકી હતી. ‘દીવાના મુઝસા નહીં’ માં આમિર-માધુરીની જોડી પહેલી વખત દેખાવાની હતી. અને ફિલ્મના ગીતો હિટ થઇ ગયા હતા. ઉદીત નારાયણે ગાયેલું ‘મૈં સેહરા બાંધકે આઉંગા, મેરા વાદા હૈ…’ ગીત તો એ સમયના યુવાનોના દિલમાં વસી ગયું હતું. પરંતુ ફિલ્મની સૌથી મોટી નબળાઇ પટકથા અને સંવાદ હતા. જેણે પણ ટિપિકલ મસાલાવાળી ‘દીવાના મુઝસા નહીં’ ની પહેલી નકલ જોઇ તેણે ફિલ્મનું વિતરણ કરવાની ના પાડી દીધી એટલે ૧૯૯૦ માં ‘દિલ’ પહેલાં રજૂ થઇ અને બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી.

 

આમિર-માધુરીની હિટ ગણાવા લાગેલી જોડીની લોકપ્રિયતાનો લાભ લેવા વિતરકો તૈયાર થયા એટલે ‘દીવાના મુઝસા નહીં’ નું નસીબ ખૂલી ગયું અને ‘દિલ’ ના એક મહિના પછી થિયેટરોમાં રજૂ થઇ શકી. કમનસીબી એ રહી કે સામાન્ય વાર્તાવાળી આ ફિલ્મને સફળતા ના મળી. ફિલ્મમાં આમિરે ફોટોગ્રાફરની અને માધુરીએ એક મૉડેલની ભૂમિકા ભજવી હતી. આમિર-માધુરીનો અભિનય પણ ‘દિલ’ જેવો ન હતો. એ પરથી ખ્યાલ આવશે કે નિર્દેશક ઇન્દ્રકુમાર તેમની પાસે વધુ સારો અભિનય કરાવી શક્યા હતા. વર્ષો પછી ઇન્દ્રકુમારે ‘દિલ’ ની જોડી સાથે જ તેની સિકવલ બનાવવાનો ઇરાદો જાહેર કર્યો હતો એમાં કોઇ પ્રગતિ થઇ શકી નહીં. ‘દિલ’ જેટલી ‘દીવાના મુઝસા નહીં’ લોકોના દિલમાં સ્થાન બનાવી શકી નહીં.

બીજાં તો ઠીક આમિર અને માધુરીએ અનેક પ્રસંગે ‘દિલ’ ને યાદ કરી પણ ક્યારેય ‘દીવાના મુઝસા નહીં’ નો ઉલ્લેખ ના કર્યો. બંનેને ‘દિલ’ ની સફળતાને કારણે વધુ ફિલ્મો મળી શકી હોત. પરંતુ એવો સંયોગ ના બન્યો એમ કહેવાની સાથે એ વાત વધુ સાચી લાગે છે કે માધુરીએ આમિરની મજાકને ગંભીરતાથી લઇને ભવિષ્યમાં તેની સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

જાણકારો કહે છે કે ‘દિલ’ ની રજૂઆતના દિવસોમાં આમિરે એક જગ્યાએ માધુરી સાથે મજાક કરતાં કહ્યું કે તેને હાથની રેખાઓ જોતાં આવડે છે. માધુરીએ વાતને સાચી માની અને હથેળી બતાવવા લાગી. ત્યારે આમિરે તેના હાથ સાથે એવી એક હરકત કરી કે માધુરીનું દિલ તૂટી ગયું. તે એટલી નારાજ થઇ કે ફરી ક્યારેય તેની સાથે કામ ન કરવાની ત્યાં જ જાહેરાત કરી દીધી હતી.

બાકી જો એવું કંઇ જ બન્યું ના હોત તો ઇન્દ્રકુમારની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘દિલ’ પછીની માધુરી સાથેની જ બેટા(૧૯૯૨) અને રાજા(૧૯૯૫) માં આમિર હોત કે આમિર સાથે બનાવેલી ઇશ્ક(૧૯૯૭) અને મન (૧૯૯૯)માં માધુરી હીરોઇન બની હોત. હવે કદાચ માધુરીના મનમાં આમિર પ્રત્યે કોઇ કડવાશ લાગતી નથી. માધુરીએ ૧૯૯૦ ની ‘દિલ’ ની રજૂઆતના ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સોશિયલ મિડીયા પર એક પોસ્ટ મૂકીને આમિર સાથેના ફિલ્મના દિવસો યાદ કરીને લખ્યું હતું કે,’આ ફિલ્મએ મને પહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો અને આમિર સાથે કામ કરવું મનોરંજક રહ્યું હતું.’ હવે આ વાત સાચા દિલથી લખી હતી કે નહીં એ તો માધુરી જ જાણે.

(રાકેશ ઠક્કર-વાપી)