વહીદા રહેમાને પહેલી ફિલ્મ ‘સીઆઇડી'(૧૯૫૬) પોતાની શરતોથી સાઇન કરી હતી. ત્યારે તે તેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી હતી. એક દિવસ ગુરુદત્ત હૈદરાબાદમાં ફિલ્મ વિતરકને ત્યાં બેઠા હતા ત્યારે બહાર અવાજ આવતો હતો. ગુરુદત્તે કારણ પૂછ્યું ત્યારે વિતરકે કહ્યું કે કોઇ તેલુગૂ સ્ટાર પસાર થાય છે એને જોવા લોકોની ભીડ ઉમટી છે. પછી વાતવાતમાં કહ્યું કે એક નવી છોકરી વહીદા રહેમાન આવી છે. ફિલ્મ ‘રોજુલુ મારાઇ’ના તેના ડાન્સ ગીત પાછળ લોકો પાગલ છે. એ ફિલ્મની સ્ટારકાસ્ટ કરતાં વહીદાને વધારે માન મળે છે. નામ પરથી ગુરુદત્તે તે મુસ્લિમ હોવાનું અનુમાન કર્યું અને તેને ઉર્દૂ ભાષા આવડતી હોવાની જાણકારી મળ્યા પછી નવી ફિલ્મ માટે મળવા બોલાવી.
બીજા દિવસે વહીદા પોતાની મા સાથે ગુરુદત્તને મળવા આવી. ગુરુદત્તે તમે ક્યાંના રહેવાસી છો? જેવા થોડા સવાલ કરી વાત પૂરી કરી દીધી અને મુંબઇ આવી ગયા. વહીદા પણ મદ્રાસ પાછી ફરી. ત્રણ મહિના પછી ગુરુદત્તે મનુભાઇ પટેલ નામના માણસને મોકલી વહીદાને પોતાની નવી ફિલ્મની ઓફર આપી. ગુરુદત્તને મળવા વહીદા એની મા સાથે મુંબઇના ‘ફેમસ સ્ટુડિયો’માં પહોંચી ત્યારે ત્યાં નિર્દેશક રાજ ખોસલા હાજર હતા. વાત શરૂ કરતાં પહેલાં જ ખોસલાએ વહીદાને કહ્યું કે નામ મોટું છે અને તે લોકોની જીભે જલદી ચઢશે નહીં એટલે નાનું કરી દે. એમાં નામ સેક્સી ન હોવાનો પણ મુદ્દો હતો. વહીદાએ ઇન્કાર કરીને કહી દીધું કે તે બે તમિલ અને બે તેલુગૂ ફિલ્મો કરી ચૂકી છે એટલે ઓળખવામાં મુશ્કેલી પડવાનો પ્રશ્ન ઉભો થવાનો નથી. આ બાબતે તેમની વચ્ચે થોડો વિવાદ થયો. ત્યારે ગુરુદત્ત ચૂપચાપ બેસી રહ્યા.
ખોસલાએ એમ કહીને મુલાકાત પૂરી કરી કે ગુરુદત્તને વિચાર કરવા સમય જોઇએ છે. બીજી મુલાકાતમાં નામ ન બદલવાની વહીદાની વાત માની લેવામાં આવી. ત્યારે વહીદાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી. તેની માતાએ કરાર પર સહી કરવાની હતી. વહીદાએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તે કરારમાં એક શરત જોડવા માગે છે. ત્યારે ખોસલાએ ચિઢાઇને કહ્યું કે નવી છોકરીઓ શરત રાખતી નથી. વહીદાએ કહ્યું કે તેને કોઇ ડ્રેસ પસંદ ના આવે તો પહેરશે નહીં. આ વખતે ગુરુદત્ત ઉભા થયા અને કહ્યું કે તેઓ એવી ફિલ્મ બનાવતા નથી. અને તેને પૂછ્યું કે મારી કોઇ ફિલ્મ જોઇ છે? ત્યારે વહીદાએ ના પાડી. ગુરુદત્તે શહેરમાં ચાલતી પોતાની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસેજ ૫૫’ (૧૯૫૫)ની ટિકિટ મંગાવી આપી અને જોઇ આવવા કહ્યું. બંને મા-દીકરી ફિલ્મ જોઇને આવી. વહીદાએ કહ્યું કે ફિલ્મમાં હીરોઇનના કપડાં સારા હતા પણ તે આ શરત જોડવા માગે છે. કેમકે અત્યારે સ્વિમસૂટ પહેરવામાં શરમ આવશે. ત્યારે ખોસલાએ કહ્યું કે આટલી શરમ આવે છે તો ફિલ્મોમાં કામ કરવા કેમ આવી છે? વહીદાએ સામે જવાબ આપી દીધો કે એ જાતે આવી નથી એને બોલાવવામાં આવી છે. એ દિવસે પણ કોઇ નિર્ણય ના લેવાયો અને વાત અટકી ગઇ.
ત્રણ દિવસ પછી વહીદાને ફરી બોલાવવામાં આવી. વહીદાએ જોયું કે કરારમાં તેની શરતને સામેલ કરવામાં આવી છે. એ પછી માને ‘ગુરુદત્ત ફિલ્મ્સ’ સાથે ત્રણ વર્ષના કરાર પર સહી કરવા સંમતિ આપી દીધી હતી. વહીદા આ વાતને પોતાના નસીબની બલિહારી જ ગણે છે કે કેટલીય સમસ્યાઓ પછી પણ ગુરુદત્તે પોતાની ફિલ્મમાં પહેલી તક આપી હતી. આ કિસ્સો ‘કન્વર્ઝન વિથ વહીદા રહેમાન’ પુસ્તકમાં ખુદ વહીદાએ કહ્યો છે. વહીદાની રાજ ખોસલા સાથે ‘સીઆઇડી’ માં ‘કહીં પે નિગાહેં કહીં પે નિશાના…’ ગીતના ફિલ્માંકન વખતે પણ ટસલ થઇ હતી. વહીદાએ ઝીણી જાળીવાળો બ્લાઉઝ પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુરુદત્તે પણ એને સમજાવી. તે ન માની. ડ્રેસ ડિઝાઇનરે તરત નવો બ્લાઉઝ બનાવવાનું શક્ય ન હોવાનું કહી હાથ ઉંચા કરી દીધા. આખરે બ્લાઉઝ પર દુપટ્ટો નાખીને ગીતનું શુટિંગ કરવા વહીદા રાજી થઇ હતી. વહીદાએ પોતે રખાવેલી શરતનું પાલન કરાવવામાં ક્યારેય કોઇ કસર રાખી ન હતી.
– રાકેશ ઠક્કર