હિન્દી ફિલ્મસંગીતની આધારશીલા સમાન સંગીતકાર ખેમચંદ પ્રકાશનો આજે ૧૧3 મો જન્મદિવસ. સુજાનગઢમાં ૧૨ ડીસેમ્બર, ૧૯૦૭ના રોજ તેમનો જન્મ. વડીલો જેને સુરીલા સંગીતનો દાયકો કહે છે, એવા ચાલીસના દાયકાના એ અગ્રીમ સંગીતકાર, જેમાં કુંદનલાલ સાયગલ પૂર્ણ સક્રિય હતા અને સ્વરકિન્નરી લતા મંગેશકર હિન્દી ફિલ્મ સંગીતના સૌથી ચમકતા સિતારા રૂપે ઉભરી આવ્યાં હતાં. લતાજી જયારે પોતાનો આધાર બનાવી રહ્યા હતા ત્યારે ખેમચંદ પ્રકાશની ફિલ્મોએ તેમને ભરપૂર તક આપી હતી. ‘આશા’, ‘ઝીદ્દી’ અને ‘મહલ’થી લતાજીનું નામ થયું હતું.
તેમના પિતાજી રાજાના દરબારમાં દ્રુપદ શૈલીના ગાયક અને કથક નર્તક હતા. ખેમચંદજી પહેલા બિકાનેરના રાજવી દરબારમાં ગાયક કલાકાર રૂપે જોડાયા અને પછી નેપાળના રાજવી દરબારમાં પણ જોડાયા.
કોલકાતા જઈ તેઓ ન્યુ થિયેટરની પરંપરામાં સામેલ થયા. મુંબઈ આવીને સુપ્રીમ પિક્ચર્સની ‘મેરી આંખે’ (૧૯૩૯)ના અને ‘ગાઝી સલાઉદ્દીન’ના સંગીતકાર બન્યા. રણજીત સ્ટુડીઓ સાથે ‘દિવાલી’, ‘હોલી’, ‘પરદેસી’, ‘ફરિયાદ’ જેવી ફિલ્મો કરી. તેમની સૌથી હીટ ફિલ્મ સાયગલસાહેબની ‘તાનસેન’ (૧૯૪૩) રહી. એ ફિલ્મના ‘દિયા જલાઓ ઝગમગ ઝગમગ’, ‘રુમઝુમ રુમઝુમ ચાલ તિહારી’, ‘મોરે બાલપન કે સાથી’, ‘સપ્ત સુરન તીન ગ્રામ’, ‘હાથ સિને પે જો રખ દો તો કરાર આ જાયે’ દેશભરમાં ખૂબ સફળ થયા હતા.
બોમ્બે ટોકીઝની ફિલ્મ ‘ઝીદ્દી’ આવી. ખેમચંદજીએ કિશોરકુમારને પહેલો મેજર બ્રેક આપી ‘મરને કી દુઆએં કયું માંગું’ ગીત ગવડાવ્યું. વધુ એક હીટ ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯)થી લતા મંગેશકર એક જાણીતું નામ બન્યું. ‘મહલ’ આવી તે પહેલાં રેકોર્ડ પર માત્ર પાત્રનું નામ પ્રિન્ટ થતું હતું. તે જ રીતે ‘આયેગા આનેવાલા’ ગીત ધરાવતી રેકોર્ડના પહેલા લોટ પર કામિનીનું નામ પ્રિન્ટ થયું હતું, પણ જયારે એ ગીત રેડીઓ પર વાગતું ત્યારે અનેક લોકો તેની ગાયિકા કોણ છે તે જાણવા માંગતા હતા એટલે ઓલ ઇન્ડિયા રેડિયોએ રેકોર્ડ કંપનીને પૂછવું પડ્યું અને આમ લતા મંગેશકરનું નામ આકાશવાણી પર બોલવામાં આવ્યું.
કમનસીબે ‘મહલ’ ફિલ્મ રજૂ થવાના બે મહિના પહેલાં ૧૦ ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ હરકિસનદાસ હોસ્પિટલમાં ખેમચંદ પ્રકાશનું માત્ર ૪૨ વર્ષની ઉમરે નિધન થયું હતું. ત્યાર બાદ ‘આયેગા આનેવાલા’ ગીત આખા દેશમાં ગૂંજતું રહ્યું, એટલું જ નહીં, તેને ‘સોંગ ઓફ મિલેનિયમ’ રૂપે મત મળ્યાં.
(નરેશ કાપડીઆ-સુરત)