ગીતકાર મહેબૂબની સંગીતકાર એ.આર. રહેમાન સાથેની ફિલ્મોના ગીતોની વાતો બહુ રસપ્રદ રહી છે. નિર્દેશક રામગોપાલ વર્માએ એમની ફિલ્મોના હિન્દી ડબ ગીતો લખનાર ગીતકાર મહેબૂબને ‘રંગીલા’ માટે સાઇન કર્યા હતા. ફિલ્મ માટે મહેબૂબે સાત ગીતો લખ્યા હતા. મહેબૂબ અને રામગોપાલ વર્મા જ્યારે ગીતો લઇ રહેમાન પાસે ગયા ત્યારે એને એમણે બાજુ પર મૂકી દીધા હતા અને કહ્યું હતું કે પહેલાં તમે બધી ધૂન સાંભળશો એ પછી ગીત પર કામ કરીશું. રહેમાને એ ગીતો ક્યારેય વાંચ્યા ન હતા. રહેમાનની ફિલ્મના ગીતો લખવાના અનુભવ મહેબૂબે એક મુલાકાતમાં કહ્યા હતા.
મહેબૂબે પહેલું ગીત ‘યાઈ રે યાઈ રે, જોર લગા કે નાચે રે’ લખ્યું હતું. મહેબૂબે ફિલ્મમાં ઉર્મિલાના પાત્રની જે સ્થિતિ હતી એ પોતે પણ અનુભવી હતી. એ પણ ફિલ્મોમાં નામ કમાવવા જ આવ્યા હતા. આશા ભોંસલે જ્યારે ગાવા માટે આવ્યા અને એમણે રિહર્સલ કર્યું ત્યારે શબ્દો ‘ઇતને સારે ચેહરોં મેં…’ હતા. અને અંતરો ગાવામાં એમને બહુ લાંબો લાગ્યો. મહેબૂબે રહેમાનને વાત કરી. રહેમાને સુધારો કરવા તરત હા પાડી દીધી હતી. અને ‘ઇતને ચેહરોં મેં અપને ચેહરે કી પેહચાન તો હો, પેહચાન તો હો’ લખ્યું જે ફ્લોમાં આવ્યું.
મહેબૂબે ‘હાય રામા’ ગીત લખ્યું ત્યારે રામગોપાલ વર્માને એનું કોઈ મુખડું પસંદ આવી રહ્યું ન હતું. મહેબૂબે પંચાવન મુખડા લખ્યા હતા. ક્યારેક વર્માને તો ક્યારેક મહેબૂબને એ પસંદ આવી રહ્યા ન હતા. વર્મા હજુ વધુ સારું મુખડું લખવા આગ્રહ કરતાં હતા. એક દિવસ મહેબૂબ રામગોપાલ વર્મા સાથે એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે ‘હાય રામા યે ક્યા હુઆ’ બની ગયું હતું. ‘ક્યા કરેં ક્યા ના કરેં’ ગીતની ધૂન વર્માએ આપી એ પછી એક કલાક બાદ એ મહેબૂબ પાસે પાછા આવ્યા અને ગીત સંભળાવવા કહ્યું. મહેબૂબે લખ્યું હતું પણ ડરને કારણે ના પાડી. વર્માએ આગ્રહ કર્યો કે જે અને જેવું લખ્યું હોય એ સંભળાવ. મહેબૂબે સામાન્ય રીતે ‘ક’ શબ્દ બોલવાને બદલે એના પર વજન આપી ‘ક્યા કરેં ક્યા ના કરેં’ સંભળાવ્યું અને એમણે કહ્યું કે આવું જ જોઈએ છે!
અસલમાં મહેબૂબને ગીત સૂઝી રહ્યું ન હોવાથી પોતાની કેફિયત લખી હતી કે ‘ક્યા કરેં ક્યા ના કરેં યે કૈસી મુશ્કિલ હાય, કોઈ તો બતા દે ઉસકા હલ ઓ મેરે ભાઈ.’ ફિલ્મમાં આમિર ખાનની સ્થિતિ એવી જ હોવાથી એ ગીત બંધબેસતું રહ્યું હતું. ફિલ્મ ‘તન્હા તન્હા’ ના મહેબૂબે ચાર અંતરા લખ્યા હતા. મહેબૂબે રહેમાનના સંગીતવાળી અરવિંદ સ્વામી- મનીષા કોઈરાલાની ફિલ્મ ‘બોમ્બે’ માટે પહેલું હિન્દી ગીત ‘કહના હી ક્યા’ લખ્યું હતું.
મણિરત્નમને અત્યંત લાંબા મુખડાવાળું એ ગીત એટલું પસંદ આવ્યું હતું કે એમાં સૌથી પહેલાં કોરસમાં ‘ગમસૂમ ગૂમસૂમ- ગુપચુપ, ગમસૂમ ગુપચુપ’ શબ્દો હતા એ તમિલ ગીતમાં પણ એમણે રાખ્યા હતા. અસલમાં મહેબૂબને તમિલ ગીતો પરથી હિન્દીમાં લખવાના હતા. ત્યારે મણિરત્નમે એવી સ્વતંત્રતા આપી હતી કે ગીતોનો સીધો અનુવાદ કરવાની કોઈ જરૂર નથી. સિચ્યુએશન પ્રમાણે જ લખવાના છે. માત્ર હોઠ ખૂલે અને બંધ થાય ત્યાં જ શબ્દો બંધબેસે એટલું જ જરૂરી છે. આખું ગીત લિપ્સ સિંક થાય એ જરૂરી નથી. બાકીના શબ્દો પોતાની રીતે લખી શકાશે. એ. આર. રહેમાન અને મણિરત્નમને હિન્દી આવડતું ન હતું પણ શબ્દોના ધ્વનિની સારી સમજ હતી. તેઓ મહેબૂબે લખેલા ગીતના શબ્દો કરતાં એને ધ્વનિના આધારે વધારે પસંદ કરતા હતા.