સુભાષ ઘઇ અભિનેતા તરીકે સંઘર્ષ કરતા હતા એ દરમ્યાનમાં ફિલ્મોની વાર્તાઓ લખવાનું શરૂ કર્યા પછી નિર્દેશક બની ગયા હતા. સુભાષ જ્યારે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા’ માં પ્રવેશ લેવા ગયા ત્યારે અભિનય અને નિર્દેશન બંનેમાં તાલીમ માટે અરજી કરી હતી. ત્યારે બી.આર ચોપડાએ સુભાષનો અભિનય જોઇને માત્ર અભિનયમાં જ પ્રવેશ લેવા આગ્રહ કર્યો હતો. ત્યારે કોઇને કલ્પના ન હતી કે છેલ્લે નિર્દેશનમાં જશે. પણ જ્યારે એ સંસ્થામાં અભિનય શીખતા હતા ત્યારે પોતે નાટકોમાં જે કામ કર્યું હતું તેનાથી એકદમ અલગ લાગ્યું. એમને એક અલગ પ્રકારના સિનેમા વિશે જાણવા મળ્યું જે આંચકો આપી ગયું. બીજો કોઇ વિકલ્પ ન હતો એટલે કોર્ષ પૂરો કર્યો.
એ પછી એક અભિનય પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાં સુભાષે સારો અભિનય કર્યો હતો. પરંતુ જી.પી. સિપ્પીએ જ્યારે ફિલ્મ ‘રાઝ’ (૧૯૬૭) બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમાં જે હીરો હતો તે આવી ના શક્યો એટલે રાજેશ ખન્નાને લેવાનું નક્કી કર્યું. અસલમાં એ ભૂમિકા માટે બીજા અભિનેતાઓનો ટેસ્ટ ચાલી રહ્યો હતો એમાં સુભાષ હતા. એમનું કોઇ પરિણામ આવે એ પહેલાં જ રાજેશ પસંદ થઇ ગયો હતો. થોડા દિવસો પછી નિર્દેશક નાસીર હુસૈને સુભાષને બોલાવીને કહ્યું કે તે ‘બહારોં કે સપને’ (૧૯૬૭) બનાવી રહ્યા છે અને એની વાર્તામાં હીરો તરીકે તું યોગ્ય છે. સુભાષ ફિલ્મ માટે તૈયારી કરવા લાગ્યા ત્યારે નાસીરે વિચાર બદલીને રાજેશ ખન્નાને લઇ લીધા.
આ રીતે અનેક નિર્માતા- નિર્દેશકો સુભાષને એક સારા અભિનેતા તરીકે સ્વીકારતા રહ્યા પણ કામ આપ્યું નહીં. આખરે રાજશ્રી પ્રોડકશનની ‘તકદીર'(૧૯૬૭) માં ફરીદા જલાલના પ્રેમીની ભૂમિકા મળી. સુભાષનું કામ જોઇને ગુરુદત્તના ભાઇ આત્મારામે ‘ઉમંગ’ માં એક ભૂમિકા આપી. એ પછી બીજી ઘણી ફિલ્મો મળી પણ સુભાષને અભિનય કરવાની મજા આવતી ન હતી. એક જ દ્રશ્યને ટુકડાઓમાં કરવાનું ગમતું ન હતું. અને જે દ્રશ્યો મળતા હતા તે પણ પસંદ આવતા ન હતા. દરમ્યાનમાં નાટકના દિવસોમાં વાર્તા લખવાનો શોખ હતો એ ફરી શરૂ કર્યો. એક વાર્તા લખીને મિત્ર ભરત ભલ્લાને સંભળાવી અને એમણે નિર્દેશક પ્રકાશ મહેરાને બતાવી. મહેરાએ સુભાષને બોલાવીને એમની પાસેથી વાર્તા સાંભળ્યા પછી ખરીદવાની તૈયારી બતાવી.
સુભાષે એમાં અભિનય કરવાની ઇચ્છા પ્રગટ કરી. ત્યારે મહેરાએ એ ફિલ્મ ‘આખરી ડાકૂ’ માં વિનોદ ખન્ના અને રણધીર કપૂર કામ કરવાના હોવાનું જણાવ્યું. ત્યારે સુભાષને અહેસાસ થયો કે તે સારી વાર્તા લખવા સાથે સંભળાવી પણ શકે છે. અને દોઢ વર્ષમાં સુભાષે આવી ચાર-પાંચ ફિલ્મની વાર્તાઓ લખીને વેચી દીધી. સુભાષે એક નવી વાર્તા લખીને જ્યારે પોતાના અભિનય સંસ્થા સમયના મિત્ર શત્રુધ્ન સિંહાને સંભળાવી ત્યારે પસંદ ના આવી. દરમ્યાનમાં એન.એન. સિપ્પીએ સુભાષને બોલાવીને કોઇ વાર્તા હોય તો આપવા કહ્યું.
સુભાષે પ્રામાણિક્તાથી કહી દીધું કે એક વાર્તા છે પણ એને હીરો અને નિર્માતાઓ નાપસંદ કરી ચૂક્યા છે. તેમ છતાં સિપ્પીએ એ વાર્તા સંભળાવવા કહ્યું. સુભાષની કલમથી અને કહેવાની કળાથી એટલા પ્રભાવિત થયા કે ચાર દિવસમાં બે વખત વાર્તા સાંભળીને તેના પરથી ફિલ્મ ‘કાલીચરણ’ (૧૯૭૬) બનાવવા તૈયાર થઇ ગયા એટલું જ નહીં એનું નિર્દેશન પણ સુભાષને સોંપ્યું. સુભાષે નિર્દેશનનો કોઇ અનુભવ ન હોવાની કબૂલાત કરી ત્યારે એમણે કહ્યું કે તેં વાર્તા સંભળાવી છે એમાંથી સીત્તેર ટકા પણ પડદા પર આવશે તો એ સફળ રહેશે. અને એમ જ થયું. એમાં શત્રુધ્નએ જ કામ કર્યું અને સુભાષ ઘઇ નિર્દેશક બની ગયા.