ચોપરાની ‘ધ બર્નિંગ ટ્રેન’ બનવામાં વર્ષો નીકળી ગયા

નિર્દેશક રવિ ચોપરા માટે ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ (૧૯૮૦) ને બનાવવાની પ્રક્રિયા બહુ લાંબી રહી હતી. ફિલ્મ બનાવવામાં ઘણાં વર્ષ લાગ્યા હતા. મોટી સ્ટારકાસ્ટ સાથે એટલું બધું શૂટિંગ થયું હતું કે ઘણું બધું કાપવામાં આવ્યું હતું. ફિલ્મ એ સમય પર સફળ રહી ન હતી. નિર્માતા સી.વી.કે. શાસ્ત્રી જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ના શુટિંગ માટે રોમ ગયા ત્યારે રવિ ચોપરા સાથે હતા. ત્યાં હોલિવૂડની ‘ધ ટોવરીંગ ઇન્ફર્નો’ જોઈ.

ઇટાલિયન ભાષામાં ડબ એ ફિલ્મના સંવાદ સમજાયા નહીં પણ એની વાર્તા, એક્શન અને સ્પેશ્યલ ઇફેક્ટસ પસંદ આવ્યા હતા. એ પછી લંડનમાં આજ ફિલ્મ અંગ્રેજીમાં જોઈ ત્યારે ઘણું બધું વધારે સમજાયું અને એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. એ પછી ‘ધ બુલેટ ટ્રેન’ જોઈ અને ‘ધ બર્નિંગ ટ્રેન’ કેવી રીતે બનાવવી એનું આયોજન કર્યું. રવિ ‘ધ ટોવરીંગ ઇન્ફર્નો’ ના સ્પેશ્યલ ઇફેકટસના સર્જક પોલને મળ્યા અને કામ કરવા રાજી કર્યા. રવિએ ૧૯૭૬ માં ફિલ્મની જાહેરાત કરી.

‘જમીર’ (૧૯૭૫) માં સાથે કામ કર્યું હોવાથી અમિતાભને અને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ની નીતુ અને ઝીનતને પસંદ કર્યા. એક મહત્વની ભૂમિકા માટે જીતેન્દ્રને સાઇન કરવામાં આવ્યા. ફિલ્મ પર કામ આગળ વધતું ગયું એમ કલાકારો બદલાતા ગયા. ઝીનતના સ્થાને પરવીન બોબી આવી હતી. શુટિંગ વખતે એ માનસિક રીતે બીમાર થતાં મોટાભાગના દ્રશ્યોમાં દેખાઈ ન હતી. એના દ્રશ્યોનું ડબિંગ પણ બીજા પાસે કરાવવામાં આવ્યું હતું. અમિતાભ પાસે કામ વધી જતાં ના પાડી દીધી હતી એટલે એ ભૂમિકા જીતેન્દ્રને સોંપવામાં આવી અને એની ભૂમિકામાં ધર્મેન્દ્ર આવ્યા. ધર્મેન્દ્ર ફિલ્મમાં થાકેલા હોય એવા વધુ દેખાયા હોવાનો અભિપ્રાય હતો.

ધર્મેન્દ્રની પાછળ હેમામાલિની આવ્યા એટલે ઝીનત અમાનનું પત્તું કપાયું. રવિ ચોપરાને સળગતી ટ્રેનનું શુટિંગ હોવાથી ફિલ્મ બનાવવામાં ઘણાં વર્ષ લાગ્યા હતા. એટલા સમયમાં પિતા બી.આર. ચોપરાએ કર્મ, પતિ-પત્ની ઔર વો અને ‘ઇન્સાફ કા તરાજુ’ જેવી ત્રણ ફિલ્મો બનાવી હતી. ફિલ્મ વધારે પડતી લાંબી બની હોવાથી ઘણાં દ્રશ્યો અને ગીતો કાઢવા પડ્યા હતા. એમાં આશા ભોંસલેનું ‘કિસીકે વાદે પે ક્યું’ હતું. ફિલ્મનું આર. ડી. બર્મને આપેલું સંગીત યાદગાર રહ્યું છે. તેમણે વાર્તા સાંભળીને ગીતો અને બેકગ્રાઉન્ડ સંગીત તૈયાર કર્યું હતું.

ટ્રેન પર આધારિત ફિલ્મ હોવાથી એમણે રેલવે પ્લેટફોર્મ પર થોડા દિવસ રહીને ટ્રેનના આવવા-જવાના અવાજોનું રેકોર્ડિંગ કર્યું હતું. એક ગીત ‘પહલી નજર મેં’ માં એકપણ સોલો અવાજ ન હતો. મોહમ્મદ રફી અને કિશોરકુમારનો અવાજ સાથે જ હતો. એ જ રીતે આશા ભોંસલે અને ઉષા મંગેશકરે સાથે જ ગાયું હતું. ફિલ્મ માટે જેટલો સમય આપવામાં આવ્યો અને ખર્ચ કરવામાં આવ્યો એટલી જોરદાર બની નહીં. બહુ પાછળથી ‘ધ બર્નિંગ ટ્રેન’ એક યાદગાર ફિલ્મ બની શકી હતી.