અજય દેવગન- કાજોલની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ (૧૯૯૮) નું ટાઇટલ કહી શકાય એવું ગીત બની શક્યું ન હતું. જે બન્યું એના એક શબ્દનો ઉચ્ચાર વળી રેમોએ ખોટો કર્યો હતો એ પણ ધ્યાનથી સાંભળે કે ખબર હોય એ જ ઓળખી શકે એમ છે! નિર્દેશક અનીસ બઝમીએ અજય સાથે નિર્દેશક અને લેખક તરીકેની પહેલી ફિલ્મ ‘હલચલ’ (૧૯૯૫) બનાવી હતી. એ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. તેથી ત્રણ વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મનું નિર્દેશન મળ્યું નહીં. પણ લેખક તરીકે ફિલ્મો લખતા રહ્યા હતા. ‘હલચલ’ ના નિર્માતા ગોરધન તનવાનીએ જ ફરી અનીસને ‘પ્યાર તો હોના હી થા’ નું નિર્દેશન સોંપ્યું હતું. અનીસે જ્યારે અજય-કાજોલને ફિલ્મની ઓફર કરી ત્યારે એમણે પણ કામ કરવા હા પાડી દીધી હતી.
અનીસની પહેલી ફિલ્મ એમની સાથે જ ફ્લોપ રહી હોવા છતાં એમણે અનીસની કાબેલિયત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફિલ્મનું સંગીત જતીન-લલિત તૈયાર કરી રહ્યા હતા. જ્યારે ટાઇટલ ગીત તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે અનીસને એ પસંદ આવી રહ્યું ન હતું. અનીસે મુખડું ‘પ્યાર તો હોના હી થા’ વિચાર્યા પછી ત્રણ-ચાર ગીતકારો પાસે ટાઇટલ ગીત લખાવી જોયું. એ લખાઈને આવતું હતું ત્યારે મજા આવી રહી ન હતી. એમાં જે વાત બનવી જોઈએ એ બનતી ન હતી. ટાઇટલ ગીત અલગથી જરૂર બનાવવામાં આવ્યું હતું. કોઈ ગીતના શબ્દો જામતા ન હોવાથી આખરે માત્ર આલાપ સાથે ટાઈટલના શબ્દો ‘પ્યાર તો હોના હી થા’ રાખી રેમો ફર્નાન્ડિસ અને જસ્પિન્દર નરૂલા પાસે આલાપ સાથે ગવડાવવામાં આવ્યું હતું.
એમાં બન્યું એવું કે રેમો ટાઈટલના શબ્દોમાં ‘થા’ ને બદલે ‘તા’ ગાતો હતો. અનીસે એક મુલાકાતમાં આ રહસ્ય ખોલતા કહ્યું હતું કે રેમો પાસે ગીત ગવડાવવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણી વખત પ્રયત્ન કરવા છતાં એ ‘થા’ ગાઈ શક્યો ન હતો. એ ‘પ્યાર તો હોના હી તા’ જ ગાતો હતો. ગીતને જ્યારે ઘણી વખત સાંભળ્યું ત્યારે અનીસને થયું કે સારું જ લાગશે. અને એવું જ બન્યું. વર્ષોથી રેમોનું આ ગીત પાર્ટીઓમાં અને સ્ટેજ શૉમાં ગાવામાં આવે છે. અનીસની સૂચના મુજબ ટાઈટલના શબ્દો અન્ય ગીતમાં પણ રાખ્યા હતા.
સંગીતકાર જતીન- લલિત દ્વારા ‘જબ કિસકી તરફ દિલ ઝૂકને લગે’ ગીતમાં છેલ્લે ‘પ્યાર તો હોના હી થા’ શબ્દો ઉમેરી દેવામાં આવ્યા હતા. ત્યારે સંગીતકારનું કહેવું હતું કે ગીતમાં છેલ્લે માત્ર ટાઇટલના શબ્દો આવે એ અજીબ લાગશે. અનીસનું કહેવું હતું કે એ નવું લાગશે. ગીતનું રેકોર્ડિંગ કરવા જ્યારે કુમાર સાનૂ આવ્યા ત્યારે એમને કોઈ કાર્યક્રમમાં જવાનું હોવાથી ઉતાવળ હતી. જતીન- લલિતનું કહેવું હતું કે ગીત માટે એમણે ઘણી મહેનત કરી છે એટલે સમય આપવો પડશે. પણ સાનૂએ થઈ જશે એમ કહી ગાવાનું શરૂ કરી દીધું. પણ પછી સાનૂને થયું કે આ ગીત માટે સમય આપવો પડશે અને એમણે બીજા કાર્યક્રમો રદ કરી ઘણો સમય આપીને ગીતને સુપરહિટ બનાવી દીધું હતું.
