નિર્દેશક ચેતન આનંદની ફિલ્મ ‘હીર રાંઝા’ (૧૯૭૦) માં મોહમ્મદ રફીએ મદન મોહનના સંગીતમાં આમ તો લતા મંગેશકર સાથે ‘મેરી દુનિયા મેં તુમ આયી’ અને એકલ ગીત ‘તેરે કૂચે મેં તેરા દિવાના’ ગાયું હતું. છતાં રાજકુમાર પર ફિલ્માવવામાં આવેલું એકલ ગીત ‘યે દુનિયા, યે મહેફિલ, મેરે કામ કી નહીં’ સંગીત રસિકો પર જે અસર મૂકી ગયું એનો જવાબ નથી. આ ગીત માટે મદન મોહને રફી સાહેબ પાસે ઘણા રીટેક કરાવ્યા હતા. એમ કહેવાય છે કે એટલા રીટેક કદાચ તેમણે બીજા કોઇ ગીત માટે આપ્યા ન હતા. મોહમ્મદ રફીનો સ્વભાવ જ એવો હતો કે સંગીતકારને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી રીટેક આપતા હતા. મદન મોહનના પુત્ર આ ગીતના રેકોર્ડિંગ વખતે હાજર હતા અને તેમણે રફી સાહેબની મહેનત જોઇ હતી. તે રીટેકથી એકપણ વખત નારાજ થયા ન હતા.
સંગીતકાર મદન મોહને મોહમ્મદ રફીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સપ્તકમાં ધૂન તૈયાર કરી હતી. જ્યારે રેકોર્ડિંગ શરૂ થયું ત્યારે મદન મોહન તેને વધુને વધુ સારું બનાવવા રીટેક કરાવવા લાગ્યા. કેમકે જે પ્રકારનું ગીત તૈયાર થવું જોઇએ એવું થતું ન હતું. મદન મોહને વિનંતીથી રફી સાહેબને ‘વધુ એકવાર’ કહીને અનેક રીટેક કરાવ્યા. રફીએ હસતાં હસતાં એમને સંતોષ ના થાય ત્યાં સુધી રીટેક આપવાનું ચાલુ રાખ્યું. આ ગીત હાઇ ઓકટેવ તો હતું જ પરંતુ તેની અવધિ સામાન્ય ગીત કરતાં વધારે હતી. ફિલ્મોમાં મોટાભાગના ગીતો ત્રણથી પાંચ મિનિટ સુધીના રહેતા હતા. જ્યારે ‘યે દુનિયા, યે મહેફિલ’ ની અવધિ સાત મિનિટની હતી. એટલે વારંવાર તેને ગાવું સરળ વાત ન હતી. આટલા લાંબા ગીતનું વારંવાર રેકોર્ડિંગ કરવાનું કોઇપણ ગાયક માટે મુશ્કેલ બને એમ હતું.
કૈફી આઝમીએ લખેલું આ ગીત કઠિન ધૂન પર હતું છતાં મોહમ્મદ રફીએ મદન મોહનને સંતોષ ના થયો અને એમની ઇચ્છા મુજબનું તૈયાર ના થયું ત્યાં સુધી રીટેક આપ્યા. મોહમ્મદ રફીની જ નહીં મદન મોહનની મહેનત ખરેખર સાર્થક થઇ. ‘યે દુનિયા, યે મહેફિલ’ ગીતને જબરદસ્ત લોકપ્રિયતા મળી. મોહમ્મદ રફીએ ગાયેલા શ્રેષ્ઠ ગીતોમાં એનો સમાવેશ થતો રહ્યો છે. બીજી એક રસપ્રદ વાત કેતન આનંદના કહેવા પ્રમાણે એ છે કે સંગીતકાર મદન મોહનને અડધી રાત્રે આ ગીતની નવી ધૂન મનમાં આવી હતી. તેમણે રાત્રે જ નિર્દેશક ચેતન આનંદને ફોન કરી એના વિશે ચર્ચા કરી હતી. પછી રૂબરૂ મળીને સવાર સુધી તેના પર કામ કર્યું હતું. એટલું જ નહીં એ જ દિવસે તેનું રેકોર્ડિંગ મોહમ્મદ રફી પાસે કરાવ્યું હતું.
-રાકેશ ઠક્કર (વાપી)