હિન્દી ફિલ્મોમાં ‘એક દૂજે કે લિયે’ (૧૯૮૧) થી શરૂઆત કરનાર રતિ અગ્નિહોત્રીને માત્ર સોળ વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ (૧૯૭૯) થી અચાનક અભિનેત્રી તરીકે તક મળતા એને જવા દીધી ન હતી અને પર્દાર્પણ કર્યું હતું. રતિએ દસ વર્ષની ઉંમર સુધી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. નોકરીમાં પિતાની બદલી થતાં ચેન્નઈમાં આવીને વસ્યા હતા. રતિ સ્કૂલમાં રમતગમત ઉપરાંત નાટક વગેરે પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતી. સ્વીમિંગ વગેરે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતી હતી. રતિના વાળ લાંબા હતા એટલે શેમ્પૂ વગેરેની મોડેલ તરીકે કામ કરવા લાગી હતી. ફિલ્મોમાં ક્યારેય કામ કરવાનું વિચાર્યું ન હતું. એ ડૉક્ટર બનવા માગતી હતી. તે ફિલ્મી પરિવારમાંથી આવતી ન હતી અને બીજું કે પિતા આ ક્ષેત્ર માટે સારો પ્રતિભાવ ધરાવતા ન હતા.
રતિએ દસમા ધોરણની પરીક્ષા આપી એ પછી શાળામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રતિ પહેલાંથી જ આવા કાર્યક્રમોમાં નાટ્ય કૃતિ રજૂ કરતી હતી. એ સાથે આયોજન કરવા સ્કૂલ માટે દાન પણ ઉઘરાવી લાવતી હતી. શાળામાં નાટ્ય દિવસની ઉજવણી પ્રસંગેના એ કાર્યક્રમમાં એક નાટક રજૂ થયું હતું. જેમાં રતિએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારે એ સ્કૂલમાં પોતાની પુત્રી ભણતી હોવાથી દક્ષિણના જાણીતા નિર્માતા- નિર્દેશક ભારતીરાજા કાર્યક્રમ જોવા હાજર રહ્યા હતા. તે પોતાની આગામી ફિલ્મ માટે છોકરીની શોધમાં હતા અને રતિ એમને એ માટે યોગ્ય લાગી હતી. એના અભિનયથી ભારતીરાજા બહુ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી પોતાની પુત્રીને વાત કરી હતી અને શાળાના શિક્ષિકા કે અન્ય કોઈ પાસેથી રતિના ઘરનો ફોન નંબર મેળવી લીધો હતો.
રતિને વેકેશન પડી ગયું હોવાથી ઘરે જ હતી. એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે લેન્ડલાઇન પર કોઈનો ફોન આવ્યો અને એમની સાથે પિતા ગુસ્સામાં બોલ્યા:‘અગ્નિહોત્રી પરિવારની કોઈ છોકરી ફિલ્મોમાં કામ કરશે નહીં.’ ત્યારે રતિને થયું કે એની મોટી બહેન માટે કોઈનો ફોન આવ્યો હશે. એ ફોન પર વાત કરીને આવ્યા અને પત્નીને પણ ગુસ્સામાં કહ્યું:‘તને ખબર છે? રતિ માટે ફિલ્મની ઓફર આવી છે. અગ્નિહોત્રી પરિવારની છોકરી ફિલ્મોમાં બિલકુલ કામ કરી શકે નહીં.’ ત્યારે રતિને ખબર પડી કે એના માટે ફિલ્મની ઓફર આવી છે. એ ખુશીથી ઉછળી પડી હતી.
કિશોર વયની રતિ હીરોઈન બનવાની કલ્પનાથી ઉત્સાહમાં આવી ગઈ હતી અને પિતાને કામ કરવા દેવા વિનંતી કરવા લાગી હતી. જુનવાણી વિચારના પિતા પહેલાં તો માન્યા જ ન હતા. પણ રતિએ સમજાવ્યું કે તેને બે મહિનાનું વેકેશન છે અને તે બીજા કોઈ ક્લાસ કરતી નથી. સ્વીમીંગમાં તે ઘણું શીખી ચૂકી છે. અને ફિલ્મનું શૂટિંગ એક જ મહિનામાં પૂરું થવાનું છે. તેને અભિનયમાં શોખ છે તો આ તક ઝડપી લેવા દો. રતિ જિદ્દી હતી તે પિતાને મનાવીને જ રહી હતી અને તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ ની હીરોઈન બની ગઈ. ફિલ્મ સુપરહિટ રહી. બધાને એ વાતની નવાઈ લાગી હતી કે રતિ પંજાબી હોવા છતાં તમિલમાં સારું કામ કર્યું છે. એ કારણે તમિલની ઘણી ફિલ્મો મળતી રહી. એ પછી દક્ષિણના નિર્દેશક કે. બાલાચંદરની હિન્દી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ માં કમલ હસન સાથે કામ કર્યા પછી હિંદીમાં વધુ ફિલ્મો કરી અને દાયકાઓ સુધી અભિનયમાં પાછા વળીને જોવું પડ્યું ન હતું.