કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ અક્ષયકુમાર, સલમાન ખાન વગેરે હીરોની અનેક ફિલ્મો કરી છે પણ સૌથી વધુ લોકપ્રિયતા ગોવિંદા સાથેના ગીતોથી મળી છે. ગણેશની કારકિર્દીની સફળતાની શરૂઆત જ ગોવિંદાને કારણે થઈ હતી. ગોવિંદાએ જ એને નંબર વન કોરિયોગ્રાફર બનાવ્યો હતો. ગણેશને સૌથી પહેલાં એક સિરિયલમાં ગીત અને પછી એક જાહેરાતમાં કામ મળ્યું હતું. ફિલ્મોમાં પહેલી અરમાન કોહલીની ‘અનામ’ (1992) હતી. એ પછી ફિલ્મોમાં એક-બે નાના ગીત મળતા રહ્યા. નિર્માતા કે.સી. બોકાડિયાએ ફિલ્મ ‘આઓ પ્યાર કરેં’ (1994) માં ‘હાથોમાં આ ગયા જો કલ રૂમાલ આપ કા’ ગીત આપ્યું અને ગણેશને લોકો ઓળખવા લાગ્યા.
ગણેશના ગીતો જોઈને એની બહેને સૂચન કર્યું કે તારી સ્ટાઈલ ગોવિંદા સાથે મેળ પડે એવી છે. ગણેશની ગોવિંદા સાથે મુલાકાત કરવા માટેના પ્રયત્ન શરૂ થઈ ગયા. મહિનાઓ પછી ગોવિંદાએ ફિલ્મ ‘પ્રેમ શક્તિ’ (1994) માં કામ અપાવ્યું. ગણેશે બે દિવસમાં માત્ર બે કલાક કામ કરાવીને એક ગીત પૂરું કરી દીધું અને એના કામથી પ્રભાવિત થઈને કહ્યું કે તું નિર્દેશક ડેવિડ ધવનને મળીને વાત કર. ગણેશ ડેવિડ પાછળ ફરવા લાગ્યો. છ મહિના પછી એમણે ગણેશની પરીક્ષા લેતા હોય એમ કહ્યું કે ‘સાજન ચલે સસુરાલ’ નું ‘તુમ તો ધોકેબાજ હો’ ની કોરિયોગ્રાફી કરીને બતાવ. એ ગીત જોઈને ડેવિડે બંધ પડી ગયેલી એ ફિલ્મ ફરી શરૂ કરી. ડેવિડે પોતાની ગોવિંદા સાથેની ફિલ્મ ‘કુલી નંબર વન’ (1995) માં ગણેશને લેવાનો વિચાર કર્યો પણ નિર્માતા રમેશ તોરાની એ સમયના લોકપ્રિય કોરિયોગ્રાફરો ચિન્ની પ્રકાશ અને સરોજ ખાનને જ લેવા માગતા હતા.
ડેવિડ અને ગોવિંદા ઇચ્છતા હતા કે ‘ગોરિયા ચુરાના મેરા જિયા’ ગીતની કોરિયોગ્રાફી ગણેશ કરે. એ માટે બંનેએ ચાલ રમી. જ્યારે રમેશ સરોજ ખાન કે ચિન્ની પ્રકાશની તારીખો લાવતા ત્યારે બંને પોતાની પાસે એ તારીખ ના હોવાનું બહાનું રજૂ કરતા રહ્યા. અને બંનેએ તપાસ કરીને જાણી લીધું કે ક્યારે એ બંને પાસે તારીખ નથી. અને રમેશને કહ્યું કે એ તારીખે ગીત કરવું પડે એમ છે. જ્યારે એમણે વિકલ્પ આપવા કહ્યું ત્યારે ડેવિડે તરત ગણેશનું નામ આપ્યું. અને ‘કુલી નંબર વન’ માં ગણેશનો નંબર લગાવી દીધો. ફિલ્મ રજૂ થયા પછી ગણેશને બહુ લોકપ્રિયતા મળી અને પાછું વળીને જોવું જ ના પડ્યું. એક પછી એક ગીતો મળતા જ રહ્યા.
એક સમય એવો આવ્યો કે નિર્દેશકો એના ગીતમાં પણ એને ચમકાવવા લાગ્યા. અસલમાં ફિલ્મ ‘ઘાતક’ (૨૦૧૮) ના ‘કોઈ આયે તો’ ગીતમાં પ્રભુ દેવા કે જાવેદ જાફરીની ડાન્સર તરીકેની ભૂમિકા હતી. પણ ગીતના શુટિંગ વખતે કોઈ ઉપલબ્ધ ન હોવાથી ગણેશ જાતે જ માથા પર પટ્ટી બાંધીને ડાન્સ કરવા લાગ્યો. એ ગીતને એટલું પસંદ કરવામાં આવ્યું કે એને ‘લકી’ સમજીને ગીતમાં ડાન્સર તરીકે લેવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ધીમે ધીમે એ ગીતોમાં અભિનેતા પણ બની ગયો.
