ગીતકાર ફૈઝ અનવરની પહેલી ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’ (૧૯૯૧) રજૂ થઇ હતી પરંતુ પહેલું ગીત ‘તુમ કરો વાદા’ (૧૯૯૩) માટે લખ્યું હતું. સંગીતકાર આર.ડી. બર્મને ક્યાંક ફૈઝનો ઇન્ટરવ્યુ વાંચ્યા પછી એને ઘરે મળવા બોલાવ્યો અને એક ધૂન સંભળાવી એના પર ગીત લખવા કહ્યું. ફૈઝ અનવરે વીસ જ મિનિટમાં ‘તુમ કરો વાદા દિલ ના તોડોગે, પ્યાર કી ખાતિર દુનિયા છોડોગે’ ગીત લખી આપ્યું. એ સાંભળી પંચમદાએ તરત જ ગીતકાર આનંદ બક્ષીને ફોન કરીને બોલાવી એમને ગીત સંભળાવ્યું. બક્ષીએ તરત જ કહ્યું કે આ તો ફિલ્મનું ટાઇટલ ગીત છે. ત્યારે પંચમદાએ ત્યાં બેઠેલા યુવાન ફૈઝનો પરિચય આપ્યો. પછી કહ્યું કે ફિલ્મના ત્રણ ગીત તમે અને ત્રણ ગીત ફૈઝ લખે.
બક્ષીએ થોડોક વિચાર કરીને સંમતિ આપી પણ નિર્દેશક રૉબિન ખોસલાની મંજુરી લેવા કહ્યું. ત્યાં રૉબિન પણ આવી પહોંચ્યા અને એમણે ગીત સાંભળ્યા પછી એવું માન્યું કે બક્ષીએ લખ્યું છે. ત્યારે બક્ષીએ જ કહ્યું કે આ નવા છોકરાએ લખ્યું છે. રૉબિને મંજુરી આપી દીધી. કદાચ ત્યારે પહેલી વખત એવું થયું કે ફિલ્મમાં આનંદ બક્ષી સાથે બીજા કોઇના ગીત લેવામાં આવ્યા હોય. ફૈઝને શરૂઆત કરવામાં જ નહીં લોકપ્રિયતા અને સફળતા મેળવવા પણ બહુ સંઘર્ષ કરવાની જરૂર ના પડી. પંચમદા સાથેની પહેલી જ મુલાકાતમાં પહેલી ફિલ્મ મળી ગઇ. અલબત્ત ફાઇનાન્સર અને રૉબિન વચ્ચે ઝઘડો થતાં ફિલ્મ બે વર્ષ અટકી ગઇ. ‘તુમ કરો વાદા’ નું ગીત લખ્યાના થોડા મહિના પછી નિર્દેશક મહેશ ભટ્ટ એમની પાસે આવ્યા. ત્યારે તેઓ ‘આશિકી’ નું એક ગીત લખાવવા માગતા હતા.
બધાં જ ગીતો તૈયાર થઇ ગયા હતા. એક ગીતની ધૂન પર સારા શબ્દો મળી રહ્યા ન હતા. જે કામચલાઉ ગીત બન્યું હતું એનાથી એમને સંતોષ ન હતો. એ ઘણા જાણીતા ગીતકારોને અજમાવી ચૂક્યા હતા પણ સંતોષકારક ગીત મળ્યું ન હતું. રૂપકુમાર રાઠોડે ફૈઝ સાથે અગાઉ મુલાકાત કરાવી હતી એ યાદ આવતાં એમણે ફૈઝને બોલાવીને વોલ્કમેન આપી એમાં ધૂન સાંભળી ગીત લખવાનું કહ્યું. ફૈઝ પાંત્રીસ મિનિટમાં લખીને લઇ આવ્યા કે,’દિલ હૈ કી માનતા નહીં, મુશ્કિલ બડી હૈ રસ્મે મોહબ્બત, યે જાનતા નહીં’ એ ગીત નદીમને આપ્યું અને એમની પાસેથી સાંભળીને મહેશ ભટ્ટ ખુશખુશાલ થઇ ગયા.
અચાનક એમને કોઇ વિચાર આવ્યો અને કહ્યું કે ‘આશિકી’ માટે એક ગીત રાખ્યું છે એનો જ ઉપયોગ કરીશું. આ ગીતને આપણી બીજી નિર્માણાધીન ફિલ્મમાં વાપરીશું અને ટાઇટલ પણ ‘દિલ હૈ કી માનતા નહીં’ આપીશું. મહેશ ભટ્ટે માત્ર મુખડું જ સાંભળીને ટાઇટલ રજીસ્ટર્ડ કરવાનો નિર્ણય લઇ લીધો હતો. એમણે ફૈઝને અંતરા લખવા ચાર- પાંચ દિવસનો સમય આપ્યો. ત્યારે ફૈઝ અનવરે કહ્યું કે અંતરા પણ લખી લીધા છે. ત્યારે એ નવાઇ પામ્યા. અંતરા સાંભળીને તો એ બહુ પ્રભાવિત થયા. પાછળથી આ ફિલ્મ માટે બીજું ગીત ‘કૈસે મિજાજ આપ કે હૈ’ લખાવ્યું. ‘દિલ હૈ કી માનતા નહીં’ રજૂ થયા પછી બે વર્ષ બાદ ફૈઝની પહેલા ગીતવાળી ફિલ્મ ‘તુમ કરો વાદા’ રજૂ થઇ હતી. ત્યાં સુધીમાં ફૈઝ ઘણી લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા.