અમિતાભ બચ્ચન- શશી કપૂરની ફિલ્મ ‘દીવાર’ (૧૯૭૫) ની સફળતામાં લેખક જોડી સલીમ- જાવેદની મજબૂત સ્ક્રીપ્ટ સાથે બંને અભિનેતા વચ્ચેના સંવાદના દ્રશ્ય પણ દમદાર બન્યા હતા. એનું રહસ્ય ખોલતા સલીમ ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે કોઈપણ સંવાદ વાર્તામાં નહીં પણ સ્ક્રીનપ્લેમાં હોય છે. જે રીતે ફિલ્મનો ક્લાઇમેક્સ હોય છે એ રીતે બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં છેલ્લે પંચ હોય છે. શશી કપૂર માટેની ‘મેરે પાસ માં હૈ’ એવી પંચલાઇન પહેલાં બનાવી હતી. એના પાયા પર આખું દ્રશ્ય રચાયું હતું.
આ ચાવીરૂપ લાઇનની આગળના જે સંવાદ હોય છે એ ખાનાપૂર્તિ જેવા હોય છે. એનું કોઈ મહત્વ હોતું નથી. એમાં અમિતાભે ‘મેરે પાસ યે હૈ, મેરે પાસ યે હૈ’ એવા ઉલ્લેખ કરતા રહેવાનું હતું. એમાં આજ મેરે પાસ ગાડી હૈ, મેરે પાસ બેન્ક બેલેન્સ હૈ વગેરે ચાર વસ્તુ મૂકો કે છ કોઈ ફરક પડતો નથી. લખતી વખતે વિચારવાનું હોય કે ક્યાં સુધી એ બાબતો સારી લાગશે અને ક્યાં અટકવાનું છે. સામે માત્ર એક વાત ‘મેરે પાસ માં હૈ’ પર વાતનો અંત આવી જાય છે. ફિલ્મમાં બીજા એક સંવાદનું દ્રશ્ય ‘આજ ખુશ તો તુમ બહુત હોંગે’ પણ પસંદ કરવામાં આવ્યું હતું. સલીમ માને છે કે જ્યારે એનું શુટિંગ થયું અને બધાંએ જોયું ત્યારે બહુ પસંદ આવ્યું હતું. પરંતુ એકમાત્ર પોતે એનાથી ખુશ ન હતા. એમણે કહ્યું કે દ્રશ્ય તો ચાલશે પણ એમાં એક ભૂલ થઈ છે. એ દ્રશ્યમાં અમિતાભ અંદરથી તૂટી ગયેલો હોય છે. એનામાં અસહાયતાની લાગણી હોય છે. એ દેખાતી નથી.
એ ભગવાન પાસે માંગવાને બદલે એમને વઢતો હોય એવું લાગે છે. સલીમે જે હેતુથી સ્ક્રીપ્ટ પ્રમાણે સંવાદ લખ્યા હતા એ ભાવ બોલતી વખતે એમાં આવતો ન હોવાથી એમના સિવાય કોઈને ખબર પડી ન હતી. ખુદ અમિતાભે પાછળથી સલીમની આ વાત અનુભવી હતી. દ્રશ્ય ચાલી જાય એમ હતું અને કોઈ આ બારીકી પકડી શકે એમ ન હોવાથી બહુ અફસોસ થયો ન હતો. ફિલ્મની વાર્તામાં 786 નંબરના બિલ્લા વિશેના સંવાદ અને તેનું બહુ મહત્વ બતાવાયું હતું. એમાં એક સંવાદ છે કે,‘786 કા મતલબ હૈ બિસ્મિલ્લાહ, શૂરુ કરતા હું અલ્લાહ કે નામ સે, બહુત મુબારક ચીજ હૈ બેટા… ઇસ બિલ્લે કો હમેશા અપને પાસ રખના.’ સલીમ ખાને એની વાત યાદ કરતા કહ્યું છે કે સ્ક્રીન પ્લે તૈયાર કર્યો ત્યારે કેટલાક દ્રશ્યોમાં અમિતાભનો બિલ્લો હતો અને એને કોઈને કોઈ નંબર તો આપવાનો જ હતો.
એ પહેલાં નક્કી થયો ન હતો. એના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. કેમકે ફિલ્મમાં એનો ખાસ ઉપયોગ ન હતો. એમ હતું કે 303 કે એવો કોઈપણ નંબર લખાવી દઇશું. સલીમને એક રાત્રે સપનામાં ‘786’ નંબર દેખાયો અને થયું કે એનો જ ઉપયોગ કરીએ. બીજા દિવસે સવારે જાવેદ અખ્તર સાથે ચર્ચા કરીને એ મુબારક નંબર રાખી લીધો. ત્રણેક દ્રશ્યમાં એ બિલ્લો વાર્તામાં મહત્વનો બની રહે છે. એક દ્રશ્યમાં અમિતાભને બિલ્લા નંબર 786 થી બચી જતો બતાવાયો છે. ફિલ્મમાં બિલ્લો મેઇન હોલમાં પડી જાય છે એ દ્રશ્યની પ્રેરણા સલીમે અંગ્રેજી ફિલ્મ ‘સ્ટ્રેન્જર ઓન અ ટ્રેન’ માંથી લીધી હતી. એમાં હીરોનું લાઇટર મેઇન હોલમાં પડી જાય છે. એની પાછળ પોલીસ પડી હોય છે અને એ મોટો પુરાવો હોય છે. સલીમ- જાવેદે ‘દીવાર’ માં એક-એક સંવાદ અને દ્રશ્ય પર મહેનત કરી હતી.