નિર્દેશક યશ ચોપડાની ફિલ્મ ‘દીવાર’ (૧૯૭૫) શરૂ થાય એ પહેલાં અનેક કલાકારો બદલાયા હતા. શશી કપૂરના બાળપણની ભૂમિકા કરનાર માસ્ટર રાજુ અસલમાં અમિતાભની બાળ ભૂમિકા માટે પસંદ થયો હતો પણ એમાં ફેરફાર કેમ થયો એ ઉપરાંત બીજા સંસ્મરણો ૨૦૨૫ ની ૨૪ જાન્યુઆરીએ ફિલ્મના 50 વર્ષ થયા એ નિમિત્તે એણે રજૂ કર્યા હતા. માસ્ટર રાજુએ યશજીની ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩) માં રાજેશ ખન્નાના બાળપણની ભૂમિકા નિભાવી હતી. એટલે જ્યારે ‘દીવાર’ માં અમિતાભના બાળપણની ભૂમિકા માટે કલાકારની જરૂર પડી ત્યારે એમને થયું કે રાજુ હવે થોડો મોટો થઈ ગયો હશે અને એ બાળ અમિતાભ તરીકે યોગ્ય રહેશે. જ્યારે યશજી રાજુને મળ્યા ત્યારે જોયું કે એ હજુ નાનો જ દેખાય છે. તેથી અમિતાભના બાળપણની ભૂમિકા માટે યોગ્ય રહેશે નહીં. ત્યારે યશજીના મુખ્ય સહાયક નિર્દેશક રમેશ તલવાર હતા. એમણે કહ્યું કે જો એ અમિતાભ માટે નાનો લાગતો હોય તો શશી કપૂરના બાળપણની ભૂમિકા સોંપી શકીએ એમ છીએ.
યશજીએ એ સૂચન સ્વીકારી લીધું હતું. એ પછી રાજુથી થોડો મોટો દેખાતો માસ્ટર અલંકાર બાળ અમિતાભ તરીકે પસંદ થયો હતો. રાજુએ ફિલ્મના બીજા મુખ્ય કલાકારો બદલાયા હોવાનું યાદ કરતાં કહ્યું હતું કે ‘વિજય’ ની ભૂમિકા માટે અમિતાભ યશજીની પહેલી પસંદ ન હતા. નિર્માતા ગુલશન રાય રાજેશ ખન્નાને સાઇન કરી ચૂક્યા હતા. પણ સલીમ-જાવેદના સૂચન બાદ એમાં અમિતાભ આવ્યા હતા. તેઓ ગુલશનને અમિતાભ માટે રાજી કરવામાં સફળ થયા હતા. સલીમ-જાવેદે શશીની ભૂમિકા માટે શત્રુધ્ન સિંહાનું નામ સૂચવ્યું હતું. ત્યારે અમિતાભવાળી ભૂમિકા માટે રાજેશનું નામ ચર્ચામાં હોવાથી શત્રુધ્નએ ના પાડી દીધી હતી. રાજેશ ખન્ના ઉપરાંત દેવ આનંદનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. દેવ આનંદે ફિલ્મમાં ‘વિજય’ ની ભૂમિકા સાથે હીરોઈન ન હતી અને એકપણ ગીત ન હોવાથી ના પાડી દીધી હતી.
અગાઉ દેવ આનંદે અમિતાભે નિભાવેલી ‘જંજીર’ (૧૯૭૩) ની ભૂમિકા આ કારણથી જ ઠુકરાવી હતી. અસલમાં ‘દીવાર’ ની મૂળ સ્ક્રીપ્ટમાં એકપણ ગીત ન હતું. વિતરકોના દબાણને કારણે શશી કપૂરના બે ગીત ઉમેરવામાં આવ્યા હતા અને એ બહુ લોકપ્રિય રહ્યા હતા. આમ તો શશી કપૂર પહેલી પસંદ ન હતા. પહેલાં એમની ભૂમિકા માટે નવીન નિશ્ચલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કોઈ કારણથી એ ફિલ્મમાં આવી શક્યા ન હતા અને શશીનો નંબર લાગી ગયો હતો. શશી કપૂરને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. નિરૂપા રોય બાબતે આવું જ બન્યું હતું. પહેલાં અમિતાભ– શશીની માતા ‘સુમિત્રાદેવી’ ની ભૂમિકા માટે વૈજયંતિમાલાનું નામ વિચારવામાં આવ્યું હતું. નિરૂપા રોયે ભૂમિકાને એટલો સારો ન્યાય આપ્યો કે ‘દીવાર’ ની સફળતા પછી ‘માતા’ ની મજબૂત ભૂમિકાઓ મળવાનું શરૂ થયું હતું.