નીલમના ભાગ્યમાં ‘મૈંને પ્યાર કિયા’ ન હતી

ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) ની હીરોઈન તરીકે નીલમનું નામ વિચારવામાં આવ્યું હતું. એની શક્યતા વધારે હતી પણ નીલમના ભાગ્યમાં ફિલ્મ ન હતી. અચાનક એમાં ભાગ્યશ્રી આવી ગઈ હતી. નિર્દેશક સૂરજ બડજાત્યાએ એનો કિસ્સો એક મુલાકાતમાં જણાવ્યો હતો. ‘મૈંને પ્યાર કિયા’ ની સ્ક્રિપ્ટ અને અન્ય તમામ કલાકારો પસંદ થઈ ગયા હતા પરંતુ હીરોઈન મળી રહી ન હતી. સૂરજ અને સલમાન અનેક અભિનય સ્કૂલમાં આંટો મારી આવ્યા હતા. એમને કોઈ છોકરી પસંદ આવી રહી ન હતી. એક છોકરીને પસંદ કરી હતી ત્યારે એના મા-બાપની એવી ઈચ્છા હતી કે નવા નિર્દેશક સૂરજ કરતા એ યશ ચોપડા જેવાની ફિલ્મથી શરૂઆત કરે.

સૂરજે ઘણી છોકરીઓને હીરોઈન તરીકે જોઈ પણ ‘સુમન’ ના પાત્રમાં બંધબેસતી લાગતી ન હતી. કોઈ નવોદિતમાં ‘સુમન’ દેખાઈ નહીં એટલે આખરે સૂરજે પિતા રાજકુમાર બડજાત્યાને કહી દીધું કે હું નીલમ સાથે વાત કરીશ અને ફિલ્મ કરવા તૈયાર કરીશ. એ સમય પર નીલમ સ્ટાર હીરોઈન હતી. એની ઇલ્ઝામ, આગ હી આગ જેવી ઘણી સફળ ફિલ્મો આવી ચૂકી હતી. એ થોડી ચુલબુલી હોવાથી સૂરજને લાગ્યું કે એ ‘સુમન’ તરીકે યોગ્ય રહેશે. સૂરજે તપાસ કરી ત્યારે ખબર પડી કે નીલમ ચેન્નઈમાં સની દેઓલ સાથે કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહી છે. સૂરજે વિમાનની ટિકિટ બુક કરાવી દીધી હતી. સૂરજ બીજા દિવસે ચેન્નઈ જવાના હતા.

એ દિવસે પિતા રાજકુમાર પણ હીરોઇનની શોધ માટે હૈદરાબાદ જઈ રહ્યા હતા. કેમકે એ જમાનામાં ત્યાં સ્ટેજના કલાકારો માટે ઘણી અભિનય સ્કૂલ કાર્યરત હતી. રાત્રે રાજકુમારનો એક રેલ્વે સ્ટેશનના પબ્લિક ટેલિફોન બૂથ પરથી ફોન આવ્યો કે તું ચેન્નઈ ના જઈશ અને એક દિવસ માટે રોકાઈ જા. મારા હાથમાં ‘ગૃહલક્ષ્મી’ મેગેઝીન છે. એમાં એક છોકરીનો ફોટો છે અને એનું નામ ભાગ્યશ્રી છે. એણે ‘કચ્ચી ધૂપ’ સિરિયલમાં કામ કર્યું છે. આપણે એના પરિવારને પણ ઓળખીએ છીએ. એકવાર તું એની સાથે બેઠક કરી લે. એ પછી તું ચેન્નઈ જજે. સૂરજનું ભાગ્યશ્રી માટે મન ન હતું. પિતાની વાતને માન આપવા ચેન્નઈની ટિકિટ રદ કરાવી દીધી.

રાજકુમાર મુંબઇ આવ્યા અને તેઓ ભાગ્યશ્રીના ઘરે ગયા. સૂરજે વાર્તા સંભળાવી. જે એને પસંદ આવી હતી. પણ હા પાડવામાં થોડો સમય લીધો હતો. એ પછી સૂરજે ભાગ્યશ્રીનો સ્ક્રીન ટેસ્ટ લીધો. એની ફિલ્મને લેબમાં મોકલવામાં આવી હતી. ફિલ્મની બીજી તૈયારીમાં વ્યસ્ત સૂરજને મુંબઈ લેબમાંથી દિલિપ નામના સહાયક એડિટરનો ફોન આવ્યો કે આપણાને શ્રીદેવી મળી ગઈ છે! અને ભાગ્યશ્રી ‘મૈંને પ્યાર કિયા’ માટે પસંદ થઈ ગઈ હતી. નીલમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે કહ્યું હતું કે તમે ચેન્નઈની ફ્લાઇટ પકડીને આવી ગયા હોત તો શું વાંધો આવ્યો હોત! પણ એ ભાગ્યશ્રીના ભાગ્યની વાત હતી. જોકે, સૂરજે એ વાત પણ નિખાલસતાથી સ્વીકારી છે કે ફિલ્મના શુટિંગ વખતે એમની વચ્ચે ઘણી બાબતે નાનાં નાના ઝઘડા થયા હતા. એ કારણે ભાગ્યશ્રી રડી પણ હતી. ફિલ્મની સ્ક્રિપ્ટના ઘણા દ્રશ્યોમાં ભાગ્યશ્રી પોતાને અનુકૂળ માનતી ન હતી ત્યાં સૂરજે ફેરફાર કર્યા હતા. એમાં સલમાન સાથે કાચ પરનું ચુંબન દ્રશ્ય પણ હતું.