નિર્દેશક શક્તિ સામંતાની રાજેશ ખન્ના સાથેની ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯) અનેક રીતે ઉલ્લેખનીય બની રહી હતી. પરંતુ એક તબક્કે તેમણે આ ફિલ્મ ન બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. આ એ જ ફિલ્મ હતી જેનાથી રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા હતા. ગાયક કિશોરકુમારનું નામ થઇ ગયું હતું. એસ.ડી. બર્મનના સંગીતમાં તૈયાર થયેલા બધા જ ગીતો લોકપ્રિય થયા હતા. એક જ ટેકમાં તૈયાર થયેલા ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે કિશોરકુમારને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. અને ‘મેરે સપનોં કી રાની’ ગીત રાજેશ અને કિશોરદાના સ્ટેજ શોમાં સૌપ્રથમ ગવાતું હતું. ગીત-સંગીત, વાર્તા, અભિનય વગેરે બધી જ બાબતે ઉલ્લેખનીય રહેલી ‘આરાધના’ ને શરૂ કરવાના એક દિવસ પહેલાંની વાત છે.
શક્તિ સામંતાને નિર્માતા સુરિન્દર કપૂરે પોતાની ભપ્પી સોની નિર્દેશિત ફિલ્મ ‘એક શ્રીમાન એક શ્રીમતી’ ની રજૂઆત પહેલાં તેને જોવાનું આમંત્રણ આપ્યું. શશી કપૂર- બબીતાની જોડીની આ ફિલ્મનો ક્લાઇમેક્સ જ્યારે શક્તિ સામંતાએ જોયો ત્યારે તે ચોંકી ગયા. ફિલ્મમાં શશી કપૂર અસલમાં સુલોચનાનો દીકરો હોય છે પરંતુ કામિનીને એમ કહ્યું હોય છે કે એ તારો દીકરો છે. ફિલ્મમાં આ રહસ્ય ખૂલતું જોયું ત્યારે શક્તિને આંચકો લાગ્યો. એમણે પોતાની ફિલ્મ ‘આરાધના’ ને બંધ કરવાનો નિર્ણય લઇ લીધો. એમની ફિલ્મમાં પણ આ જ ક્લાઇમેક્સ હતો. તેનું કારણ એ હતું કે લેખક સચિન ભૌમિકે જ તેમની ‘આરાધના’ પહેલાં ‘એક શ્રીમાન એક શ્રીમતી’ લખી હતી. બંને ફિલ્મોની વાર્તા અલગ હતી. પરંતુ અંતમાં સમાનતા હતી.
‘એક શ્રીમાન એક શ્રીમતી’ જોઇને શક્તિ તણાવમાં હતા. બીજા દિવસે તેમને મળવા લેખક ગુલશન નંદા આવ્યા હતા. શક્તિએ તેમને બીજી એક ફિલ્મ ‘કટી પતંગ’ ની વાર્તા લખવાનું કામ સોંપ્યું હતું એની ચર્ચા કરવા તે આવ્યા હતા. શક્તિને ચિંતામાં જોઇને કારણ પૂછ્યું ત્યારે તેમણે એકસરખા અંત હોવાની વાત કરીને ફિલ્મ ‘આરાધના’ બંધ કરવાનો પોતાનો વિચાર જણાવ્યો. ‘આરાધના’ ની અસલ વાર્તામાં ઇન્ટરવલ વખતે રાજેશ ખન્નાને મૃત્યુ પામતો બતાવવામાં આવનાર હતો અને બીજા હીરોનો પ્રવેશ થતો હતો.
ગુલશને કહ્યું કે તમે વાર્તામાં ફેરફાર કરીને રાજેશ ખન્નાને ડબલ રોલમાં બાપ-દીકરા બંનેની ભૂમિકામાં બતાવો. શક્તિ સામંતાને એ વિચાર ગમી ગયો અને ‘આરાધના’ બનાવવાનું ફરી નક્કી કર્યું. એ જ દિવસે તેમણે ‘આરાધના’ ની ઇન્ટરવલ પછીની વાર્તા પર કામ કર્યું એટલું જ નહીં ‘કટી પતંગ’ ની પણ વાર્તાની ચર્ચા કરી અંતિમ ઓપ આપ્યો. ‘આરાધના’ માટે શક્તિ સામંતાને ‘શ્રેષ્ઠ ફિલ્મ’ નો અને શર્મિલા ટાગોરને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ‘આરાધના’ ને બંગાળીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી હતી. જ્યારે ૧૯૭૪ માં તમિલ અને તેલુગુમાં તેની રીમેક બનાવવામાં આવી હતી. બંને ભાષાની ફિલ્મોમાં શર્મિલાવાળી ભૂમિકા દક્ષિણની સુપરસ્ટાર વાણીશ્રીએ કરી હતી.
– રાકેશ ઠક્કર (વાપી)