શાનના ‘મુસુ મુસુ હાસી’ ગીતમાં એક ભૂલ છે!

સંગીતની દુનિયામાં ઘણીવાર અણધાર્યા અકસ્માતો કે નાની ભૂલો પણ એવો સુવર્ણ ઇતિહાસ રચી દેતી હોય છે, જેની કલ્પના કમ્પોઝર કે ગાયકે પણ કરી ન હોય. બોલિવૂડના સંગીત ઇતિહાસમાં આવો જ એક રસપ્રદ અને રમુજી કિસ્સો 1990ના દાયકાના અંતમાં રજૂ થયેલા એક અત્યંત લોકપ્રિય યુથ એન્થમ સાથે જોડાયેલો છે.

નિર્દેશક રાજ કૌશલની ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ (Pyaar Mein Kabhi Kabhi – 1999)નું સદાબહાર ગીત ‘મુસુ મુસુ હાસી’ આજે પણ લોકોના દિલમાં વસેલું છે. આ એ જ ફિલ્મ હતી, જેમાંથી હિન્દી સિનેમામાં જાણીતા ગાયક શાનની પ્લેબેક સિંગર તરીકેની સફરની શરૂઆત થઈ હતી. સંગીતકાર જોડી વિશાલ-શેખર માટે પણ આ તેમની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી.

આ સુપરહિટ ગીતનો મૂળ ઉદભવ પણ એટલો જ રસપ્રદ છે. આ કોઈ સંપૂર્ણ નવું કમ્પોઝિશન નહોતું, પરંતુ નેપાળના લોકપ્રિય પોપ ગીત ‘મુસુ મુસુ હાસી’ પરથી પ્રેરિત હતું. નેપાળના પ્રખ્યાત બેન્ડ ‘ધ હિમાલયન્સ’ (The Himalayans)ના સંગીતકાર અને ગાયક નોર્ડેન તેનઝિંગ ભુટિયા (Norden Tenzing Bhutia) દ્વારા રચાયેલું આ એક આઇકોનિક નેપાળી ગીત હતું.

નેપાળી ભાષામાં ‘મુસુ મુસુ હાસી’નો અર્થ ‘મીઠું મીઠું હસવું’ અથવા ‘ધીમું મનોહર સ્મિત કરવું’ એવો થાય છે. જ્યારે આ ગીતને હિન્દી ફિલ્મ માટે અપનાવવામાં આવ્યું ત્યારે તેના મૂળ નેપાળી શબ્દો યથાવત રાખીને તેની સાથે હિન્દી શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ ગીતના હિન્દી શબ્દો વિશાલ દદલાની અને રાજ કૌશલે મળીને લખ્યા હતા.

શાને પોતાના આગવા, તાજગીભર્યા અને યુવા અવાજથી આ ગીતમાં એવો પ્રાણ પૂર્યો કે રિલીઝ થતાં જ તે કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાવર્ગમાં રાતોરાત લોકપ્રિય બની ગયું. માત્ર આ એક જ ગીતે શાનને સમગ્ર દેશમાં ઘર-ઘર ઓળખ અપાવી. પરંતુ આ ગીતના આઇકોનિક બનવા પાછળ એક એવી અજાણતાં થયેલી ભૂલ છુપાયેલી હતી, જેનો ખુલાસો શાને પોતે એક મુલાકાતમાં કર્યો હતો.

મૂળ નેપાળી ગીતની લાઇન હતી: “મુસુ મુસુ હાસી દેઉ ના લાઇ લાઇ.” પરંતુ જ્યારે શાન સ્ટુડિયોમાં માઇક સામે ઊભા રહીને ગીત રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે ઉતાવળ કે ગેરસમજના કારણે તેમના મુખમાંથી “દેઉ ના લાઇ લાઇ”ના બદલે ભૂલથી “દેઉ મલાઈ લાઈ” શબ્દો નીકળી ગયા.

ગીતનો ફાઇનલ ટેક પૂરો કરીને શાન સ્ટુડિયોની બહાર આવ્યા અને આરામથી બેઠા-બેઠા ત્યાંની પ્રખ્યાત ગરમાગરમ કોફીની ચુસકીઓ માણવા લાગ્યા. એ દરમિયાન કોઈએ તેમનું ધ્યાન દોર્યું કે ગીતના શબ્દોમાં મોટી ભૂલ થઈ ગઈ છે અને લાઇન ફરીથી ગાવાની જરૂર પડશે.

શાનને તરત જ સમજાયું કે આ લાઇન આખા ગીતમાં અનેક વખત આવે છે. એટલે આખું સેશન ફરીથી રેકોર્ડ કરવું પડશે. પરંતુ હાથમાં કોફીનો કપ અને આરામનો માહોલ છોડીને ફરી માઇક સામે ઊભા થવાનો તેમને ભારે કંટાળો આવી રહ્યો હતો. ત્યારે તેમણે સંગીતકારોને હસતાં-હસતાં કહ્યું કે હવે જે ગવાઈ ગયું છે તે જ રહેવા દો, કારણ કે “દેઉ મલાઈ લાઈ” પણ સાંભળવામાં ખૂબ જ મીઠું અને આકર્ષક લાગે છે.

સંગીતકારોએ પણ ટ્રેક ફરી સાંભળ્યો અને તેમને લાગ્યું કે આ શબ્દો ગીતના ફ્લોમાં સહજ રીતે ભળી જાય છે. પરિણામે શાનને ફરી ગવડાવવાને બદલે એ જ ટેકને અંતિમ માસ્ટર ટ્રેક તરીકે મંજૂરી આપી દેવામાં આવ્યો.

આમ, માત્ર એક ગાયકની કોફી બ્રેક, થોડો આળસ અને એક નાનકડી ઉચ્ચારણની ભૂલ બોલિવૂડના ઇતિહાસમાં અમર બની ગઈ. ‘મુસુ મુસુ હાસી’ આજે પણ ભારતીય યુવાનોના સૌથી યાદગાર અને લોકપ્રિય ગીતોમાં સ્થાન ધરાવે છે.