કહો ના કહો, અગર તુમ મિલ જાઓ, હમારી અધુરી કહાની જેવા ગીતોથી જાણીતા રહેલા ગીતકાર સઇદ કાદરી બોલિવૂડમાં સાત વર્ષના સંઘર્ષ પછી કોઈ કામ ન મળતા ઘરે પાછા જતા રહ્યા હતા. ઘણા નિર્માતા- નિર્દેશકો અને સંગીતકારોને મળ્યા પણ મેળ પડ્યો ન હતો. એકમાત્ર મહેશ ભટ્ટ સઇદના ગીતો સાંભળતા હતા અને કહેતા હતા કે તક મળશે ત્યારે તારા ગીતનો ઉપયોગ કરીશું. બીજા નિર્દેશકોએ પણ વાયદો કર્યો હતો. પરંતુ સાત વર્ષમાં એવો સમય આવ્યો ન હતો. એ ઘરે પાછા ફરીને જીવન વીમામાં એજન્ટ તરીકે જોડાઈ ગયા હતા. પરંતુ લખવાનું ચાલુ રાખ્યું હતું. દરમ્યાનમાં ‘તારક મહેતા’ નું પાત્ર ભજવનાર કવિ શૈલેષ લોઢાએ એક પુસ્તક તૈયાર કર્યું હતું અને એના વિમોચન માટે મહેશ ભટ્ટ આવવાના હતા.
સઇદના સંઘર્ષ વિશે જાણતા ભાઈએ કહ્યું કે અખબારમાં સમાચાર છે કે મહેશ ભટ્ટ શહેરમાં આવી રહ્યા છે. તમારી એમની સાથે ઓળખાણ રહી છે તો આપણે એમને મળવા જઈશું. સઇદનું માનવું હતું કે મહેશ ભટ્ટ બહુ મોટી હસ્તી બની ચૂક્યા હતા. એમને મારા જેવા ‘સઇદ કાદરી’ અનેક મળતા હશે. હું યાદ પણ નહીં હોઉં. તેથી એમ કહીને ના પાડી દીધી કે મને ઓળખશે નહીં તો તકલીફ થશે. બીજા દિવસે જ્યારે સઇદ કામ પર જતા હતા ત્યારે ભાઈ આવ્યો અને વિચાર્યું કે ઇરાદો બદલાય તો આવે પણ ખરા. એટલે ફરી એક વખત પૂછ્યું કે આવશો? અને સઇદને થયું કે ભાઇનો આગ્રહ છે તો જઈ આવવું જોઈએ. અપમાન થાય તો પણ વાંધો નહીં. અને સઇદ એના સ્કૂટર પર બેસીને એ ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચ્યા જ્યાં મહેશ ભટ્ટ રોકાયા હતા.
સઇદ હોટલની લોબીમાં પ્રવેશ્યા ત્યારે જ મહેશ ભટ્ટ દાદર ઉતરીને નીચે આવી રહ્યા હતા. એમની નજર સઇદ પર પડી અને એ ત્યાં જ રોકાઈ ગયા. સઇદને ઓળખી ગયા અને દોડીને ભેટી પડ્યા. એમણે પ્રેમથી ફરિયાદ સાથે પૂછ્યું કે ભાઈ, તું મુંબઈથી કોઈને કહ્યા વગર કેમ જતો રહ્યો હતો? ફોન પણ ના કર્યો? લખવાનું-વાંચવાનું ચાલુ છે કે? અને આ દિવસોમાં શું લખ્યું છે? સઇદે હા કહ્યું એટલે એને રૂમમાં લઈ ગયા. સઇદે નવી રચના લખેલી એ ‘આવારાપન બંજારાપન’ સંભળાવી.
મહેશ ભટ્ટે તરત જ કહ્યું કે આ ગીત મારી પુત્રી પૂજાની ફિલ્મ ‘જિસ્મ’ (2003) માટે લઈ લઉં છું. સઇદે ‘જિસ્મ’ માં એ સિવાય ‘શિકાયત હૈ’ અને ‘મેરે ખ્વાબોં કા’ સહિત ત્રણ ગીત લખ્યા. એ ઉપરાંત મહેશ ભટ્ટે ‘સાયા’ (2003) ના બધા જ ગીતો સઇદ પાસે લખાવ્યા હતા. ‘પાપ’ (2004) માં એક જ ગીત મળ્યું. પરંતુ ‘મર્ડર’ (2004) ના કુણાલ ગાંજાવાલાએ ગાયેલા ‘ભીગે હોંઠ તેરે પ્યાસા દિલ મેરા’ સહિતના ગીતોએ સંગીતની દુનિયામાં ધૂમ મચાવી દીધી અને સઇદ કાદરી એક ગીતકાર તરીકે સફળ થઈ ગયા. ગીતકાર તરીકે વીસ વર્ષમાં સઇદે ‘ગદર 2’ (2003) સુધી અનેક ગીતો લખ્યા છે.