માધુરી દીક્ષિતને ‘એક દો તીન…’અને શ્રીદેવીને ‘મૈં તેરી દુશ્મન…’ જેવા નૃત્ય ગીતો કરાવી પોતે પણ લોકપ્રિય થનાર કોરિયોગ્રાફર સરોજ ખાનની કારકિર્દીની શરૂઆત અભિનયમાં થઇ હતી પરંતુ સંજોગોએ એને નૃત્ય નિર્દેશિકા બનાવી હતી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને સરોજે પિતાને આપેલું એક વચન પણ પૂરું કર્યું હતું. સરોજના પિતા પાકિસ્તાનમાં શિક્ષિત અને આર્થિક રીતે ઘણા સમૃધ્ધ માણસ હતા. એમને પરિશ્રમ કરવાની આદત ન હતી. જ્યારે એમણે પાકિસ્તાન છોડ્યું ત્યારે ગરીબ થઇ ગયા અને પાછળથી કેન્સર થતાં કોઇ કામ કરી શક્યા નહીં.
સરોજને નાચવાનો શોખ હતો. તે પોતાનો પડછાયો જોઇને નાચતી હતી. તેની માતાને થયું કે તે મંદબુધ્ધિની છે. એને ડોકટર પાસે લઇ ગયા. ડોકટરે સરોજની માને કહ્યું કે તે નૃત્ય કરવા માગતી હોવાથી રોકશો નહીં. તેમણે પરિવારની આર્થિક નબળી સ્થિતિને ધ્યાનમાં રાખી પૈસા કમાવવા એને ફિલ્મોમાં કામ કરાવવાનું સૂચન કર્યું. તે ઉંમરમાં ચાર બહેનો અને એક ભાઇમાં સૌથી મોટી હતી. જોકે સરોજને ફિલ્મોમાં ડાન્સ કરતાં અભિનયનો શોખ વધુ હતો. ફિલ્મ ‘નઝરાના'(૧૯૬૧) માં સરોજે એક ગીત કર્યું એ પછી બાળ કલાકાર તરીકે ફિલ્મો મળવા લાગી. બાળ કલાકાર તરીકે લોકપ્રિય થયેલી સરોજ દસ વર્ષની ઉંમરમાં જ એટલી મોટી દેખાવા લાગી કે વધારે ભૂમિકાઓ ના મળી. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાન્સિંગ ગ્રુપમાં જોડાઇને કોરિયોગ્રાફર તરીકે દોઢેક વર્ષ કામ કર્યું.
સરોજના કામથી પ્રભાવિત થઇને નૃત્ય નિર્દેશક બી. સોહનલાલે ૧૩ વર્ષની સરોજને પોતાની સહાયક બનાવી. સરોજને ૧૪ વર્ષની ઉંમરે પહેલી વખત ફિલ્મ ‘દિલ હી તો હૈ'(૧૯૬૩) નું નૂતન પર ફિલ્માવેલું ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ ગીતનું નૃત્ય નિર્દેશન કરવાની તક મળી. દરમ્યાનમાં ૧૪ વર્ષની ઉંમરે જ તે ૪૩ વર્ષના બી. સોહનલાલ સાથે સંબંધમાં બંધાઇ ગઇ. એમને ત્રણ બાળકો થયા. એમાંના એક રાજુ ખાન આગળ જતાં કોરિયોગ્રાફર બન્યા. ત્યારે સોહનલાલે બાળકોને પોતાનું નામ આપવાની ના પાડી એટલે સરોજ અલગ થઇ ગઇ. પછી એક પઠાણ સાથે લગ્ન કરી લીધા. સરોજ કામ મેળવવા કોલ્હાપુર ગઇ અને મરાઠી ફિલ્મોના ગીતોનું નૃત્ય નિર્દેશન કરવા લાગી. જ્યારે અભિનેત્રી સાધનાએ સુનીલ દત્ત અને ફિરોઝ ખાન સાથે પોતાની નિર્દેશિકા તરીકેની પહેલી ફિલ્મ ‘ગીતા મેરા નામ'(૧૯૭૪) નું આયોજન કર્યું ત્યારે સરોજને યાદ કરી. એ પછી સરોજને ફિલ્મો મળવા લાગી.
સરોજને ધર્મેન્દ્ર-હેમાની ‘દોસ્ત’ (૧૯૭૪) જેવી મોટી ફિલ્મ મળી. જેમાં કોરિયોગ્રાફર તરીકે જાણીતા સુરેશ ભટ્ટ સાથે તેનું પણ નામ અપાયું. ‘પ્રતિજ્ઞા’ (૧૯૭૫) માં ગોપી કિશન પણ હતા. તેનું ‘જટ યમલા પગલા દીવાના’ ગીત બહુ ધૂમ મચાવી ગયું. ૧૯૭૭ માં સરોજ ખાન પરિવાર માટે દુબઇ ગયા. પોતાના ભાઇ-બહેનોને ત્યાં સારી નોકરીમાં ગોઠવ્યા. કેમકે પિતાએ મૃત્યુ સમય પર સરોજ પાસે વચન લીધું હતું કે પરિવારના કોઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા દેશે નહીં. ત્રણ વર્ષ પછી સરોજ મુંબઇ પાછી ફરી ત્યારે ઝરીના વહાબે તેને ‘જઝબાત’ (૧૯૮૦) માટે બોલાવી. એ સાથે ઝરીનાએ રાજશ્રીની ‘નૈયા’ (૧૯૭૯) માટે પણ વાત કરી ત્યારે શરત કરી હતી કે તે પહેલાં મફતમાં ગીત કરશે. જો રાજશ્રી પ્રોડક્શનને કામ ગમશે તો મારી મોં માંગી કિંમત ચૂકવવી પડશે. અને તેમને ‘હો ગોરિયા રે’ ગીત ગમ્યું. એ પછી ફરી કામ મળવા લાગ્યું. છતાં જોઇએ એવી પ્રસિધ્ધિ મળતી ન હતી. સરોજને સુભાષ ઘાઇની ‘હીરો'(૧૯૮૩) થી કોરિયોગ્રાફર તરીકે ખરી પ્રસિધ્ધિ મળી. અને ‘તેજાબ’ (૧૯૮૮) પછી તો સરોજને પાછું વળીને જોવાની જરૂર જ રહી ન હતી.