ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ (1978) ના લોકપ્રિય રહેલા ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ’ ગીતના શુટિંગ દરમિયાન
સંજીવકુમાર તેમનું વધેલું વજન અને ખાસ કરીને ગીતમાં દેખાતો પેટનો ભાગ જોઈને નાખુશ થયા હતા. એ માટે કેવો પ્રયત્ન કર્યો હતો અને શું પરિણામ આવ્યું હતું એનો રસપ્રદ કિસ્સો નિર્દેશક બી.આર. ચોપરાએ એક મુલાકાતમાં તબસ્સુમને કહ્યો હતો. સંજીવકુમાર તે સમયના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતા ગણાતા હતા. તેમને આ ફિલ્મમાં એક એવા સામાન્ય મધ્યમવર્ગીય પતિ રણજીત તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા જે પોતાના લગ્નજીવનમાં સંતોષ હોવા છતાં નવી સચિવના પ્રેમમાં પડે છે.
સંજીવકુમાર ક્યારેય પરંપરાગત ‘ચોકલેટી હીરો’ ની ઇમેજમાં બંધાયા નહોતા. તેમના સહજ દેખાવ અને પાત્રમાં ભળી જવાની ક્ષમતાને કારણે બી.આર. ચોપરાએ તેમને આ ભૂમિકા માટે પસંદ કર્યા હતા. તેમનો સામાન્ય માણસનો દેખાવ જ આ કોમેડી ફિલ્મને વધુ વાસ્તવિક બનાવે છે. જ્યારે ‘ઠંડે ઠંડે પાની સે’ ગીતનું શુટિંગ બાથરૂમમાં શરૂ થયું ત્યારે સંજીવકુમારે ચોપરાને કહ્યું કે મારું મોટું પેટ જોયું? એને જોઈને મારી હીરોની ઇમેજ ખરાબ થઈ જશે. ત્યારે ચોપરાએ વધેલું વજન અને તેમનો સહજ દેખાવ જ આ પાત્ર માટે સંપૂર્ણ હોવાનું સમજાવ્યું. કારણ કે તે એક બાળકના પિતા અને મધ્યમવર્ગીય સામાન્ય પતિની ભૂમિકા ભજવી રહ્યા હતા.

સંજીવકુમાર માન્યા નહીં અને કહ્યું કે એક કામ કરીએ આ ગીતનું શુટિંગ સૌથી છેલ્લું કરીશું. ફિલ્મનું શુટિંગ એક મહિનો ચાલવાનું છે. છેલ્લા દિવસે આ ગીત કરીશું. ત્યાં સુધી હું ડાયટ કરીને વજન ઉતારીશ. ચોપરાએ કહ્યું કે સારી વાત છે. વજન ઉતારવાથી તને લાભ જ થશે. એમણે સેટ પર પહેલા દિવસે પોતાના માટે અલગ સલાડ અને સૂપ મંગાવીને લીધું. ત્યાર બાદ જ્યારે ચોપરા માટે જમવાનું આવ્યું ત્યારે એમાં ફીશ કરીની સુગંધથી મન લલચાયું અને એક દિવસ માટે ડાયટ છોડી દીધું. પછી રોજ એવું જ થતું રહ્યું. બીજા દિવસથી ડાયટ કરવાનો સંકલ્પ લેતા રહ્યા.
એક મહિના પછી જ્યારે ‘ઠંડે ઠંડે પાની સે’ ગીતનું શુટિંગ શરૂ થયું ત્યારે સંજીવકુમારનું વજન પાંચ પાઉન્ડ વધી ગયું હતું! ગીતમાં તેમનું પેટ સ્પષ્ટ દેખાય છે છતાં પડદા પર સહજ લાગે છે. કેમ કે, સંજીવકુમારનો પોતાના દેખાવ પ્રત્યેનો કોઈ અસલામતી વગરનો અભિનય આજે પણ તેમની અભિનેતા તરીકેની કલા અને સાહજિકતાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. 1970ના દાયકામાં જ્યાં હીરોને સિક્સ-પેક કે સંપૂર્ણ ફિટ બોડીમાં બતાવવામાં આવતા હતા ત્યાં સંજીવ કુમાર આ ગીતમાં થોડા સ્થૂળ દેખાવ સાથે સંપૂર્ણ આરામથી જોવા મળ્યા હતા.

આ ગીતની સૌથી રસપ્રદ વાત એ છે કે તે હિન્દી સિનેમામાં બાથરૂમ સિંગિંગને એક મનોરંજક અને યાદગાર રીતે દર્શાવતું સૌથી લોકપ્રિય ગીત છે. કિશોરકુમારે રેકોર્ડિંગ દરમિયાન અનેક જગ્યાએ ગીતમાં સ્વતઃ ઉમેરેલું જેમ કે ‘ઓ હો હો હો’ આ ગીતની ઓળખ બની ગયું હતું. આ ગીતમાં સંજીવ કુમાર તેમના પુત્ર સાથે દેશી સ્ટાઇલમાં ડોલ- લોટાથી નહાતા અને ગાતા બતાવવામાં આવ્યા છે. વિદ્યા સિંહા પણ તેમની મસ્તીમાં જોડાય છે. ગીતકાર આનંદ બક્ષીએ અત્યંત રમુજી અને પ્રસંગને સંબંધિત શબ્દો લખ્યા છે. આ શબ્દોમાં પતિ-પત્નીની નાની-નાની તકરાર, બાળકોની શેતાની અને બાથરૂમમાં ગોપનીયતાની માંગને હળવાશથી રજૂ કરવામાં આવી છે. આ ગીત વર્ષોથી અંતાક્ષરીમાં ખૂબ લોકપ્રિય રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે હિન્દી ગીતોમાં ‘ઠ’ અક્ષરથી શરૂ થતા ગીતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તેથી આ ગીત ‘ઠ’ની શરૂઆતમાં ગાવા માટેનું એક જાણીતું વિકલ્પ બની રહ્યું છે.


