ફિલ્મો ન મળતાં સલમાન ‘બાગી’ બન્યો

સલમાન ખાનને પહેલી સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) પછી છ મહિના સુધી એક પણ ફિલ્મ મળી ન હતી. ‘ફિલ્મફેર’ માં તેનું શ્રેષ્ઠ અભિનેતા અને નવોદિત અભિનેતાના એવોર્ડ માટે નામાંકન પણ થયું હતું. ફિલ્મો ન મળતાં પિતાએ તિકડમ કરીને તેની કારકિર્દીને વેગ આપ્યો હતો. રાજશ્રી પ્રોડક્શનની જે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ એ ‘શોલે’ ના વિક્રમ તોડી નાખ્યા હતા તેના હીરો પાસે કામ જ ન હતું. ફિલ્મો મળી રહી ન હતી એટલે પિતા સલીમ ખાને પ્રયત્ન શરૂ કરી દીધા. તેમણે નિર્માતા-નિર્દેશક જી.પી. સિપ્પીને ટ્રેડ મેગેઝિનમાં તેની સાથે એક ફિલ્મ કરવાના હોવાની ખોટી જાહેરાત કરવાનું કહ્યું. તે તૈયાર થઇ ગયા અને એમણે જાહેરાત કરી દીધી.

સલમાન સાથેની એમની ફિલ્મની જાહેરાતથી આકર્ષાઇને ‘ટિપ્સ’ સંગીત કંપનીના રમેશ તોરાની એમની પાસે ગયા અને રૂ.૫ લાખમાં ફિલ્મના સંગીત અધિકાર ખરીદવાની વાત કરી. જી.પી. સિપ્પીએ ખરેખર જ સલમાન સાથે એ ફિલ્મ શરૂ કરી દીધી પણ એ બની શકી નહીં. દરમ્યાનમાં નિર્દેશક દીપક શિવદાસાનીએ સલમાન સાથે એક બંગાળી ફિલ્મની રીમેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. એમાં મિથુન ચક્રવર્તીના સત્તર ભાઇઓ હોય છે. એમાંના સૌથી યુવાન એક ભાઇની ભૂમિકા હતી. સલમાને એમને કહી દીધું કે આવી ફિલ્મો કરવાને બદલે લેખક કે નિર્દેશક તરીકે કામ કરવાનું હું વધુ પસંદ કરીશ. તેની વાતથી પ્રભાવિત થઇને દીપકે બીજી વાર્તા પર એક ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

 

સલમાને જ એમને એક છોકરા-છોકરીની અલગ પ્રેમ કહાનીનો વિચાર આપ્યો. જેમાં એક યુવાન વેશ્યાના પ્રેમમાં પડે છે. એમણે સલમાનને ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું કહ્યું. સલમાને થોડું લખ્યું પણ અક્ષર સારા ન હોવાથી એ કોઇ વાંચી શકે એમ ન હતું. સલમાને પિતા સલીમ ખાનના સેક્રેટરીને લખવાનું કામ સોંપ્યું. પછી એ ફિલ્મની વાર્તા જાવેદ સિદ્દીકીએ લખી અને સલમાન-નગમા સાથે ‘બાગી: અ રીબેલ ઓફ લવ’ (૧૯૯૦) નામથી બનાવવામાં આવી. દીપક શિવદાસાની નિર્દેશિત ‘બાગી’ મોટી સફળ રહી.

જી.પી. સિપ્પીએ જે ખોટી જાહેરાત આપી હતી એ કારણે વધુ એક નિર્માતા વિજય ગાલાનીએ પણ સલમાનને લઇ નિર્દેશક રાકેશકુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ (૧૯૯૨) બનાવી હતી. સલમાને એક મુલાકાતમાં કહ્યું હતું કે ત્યારે તેનો ભાવ રૂ.૪ લાખ ચાલતો હતો પરંતુ નિર્માતાએ તેને રૂ.૧૧ લાખમાં સાઇન કર્યો હતો. એ ફિલ્મ ફલોપ રહી હતી. પરંતુ ‘બાગી’ થી સલમાનની કારકિર્દી બની ચૂકી હતી એટલે ફિલ્મો મળતી જ રહી.