ફિલ્મ ‘ઝુબેદા’ (૨૦૦૧) નું ‘સૈયાં છોડો મોરી બૈયાં’ ગીત ગાયિકા રિચા શર્માએ પિતાએ આપેલી શીખ યાદ કરીને કેવી રીતે મેળવ્યું અને એના માટે કેવી મહેનત કરી એનો કિસ્સો બહુ મજેદાર છે. સંગીતકાર એ. આર. રહેમાન મુંબઈમાં ‘ઝુબેદા’ ના ગીતોના રેકોર્ડિંગ માટે આવ્યા હતા. એમણે રિચાને હોટેલમાં મળવા બોલાવી. એ જ દિવસે રિચાનો શહેરમાં સંગીત શૉ હતો. ત્યાં જતાં પહેલાં રસ્તામાં જુહુ પર આવેલી હોટેલમાં એ મળવા ગઈ. ત્યાં બીજા ઘણા લોકો એમને મળવા આવ્યા હતા.
રહેમાને બધાંની વચ્ચે પૂછ્યું કે તને ઠુમરી ગાતા આવડે છે? રિચાએ તરત જ કહ્યું કે,‘હા, હું ગમે તે ગાઈ શકું છું.’ અસલમાં રિચાને ઠુમરી ગાવાનું આવડતું ન હતું. પરંતુ એને પિતાએ શીખવાડયું હતું કે ક્યારેય કોઈ સારા કામ માટે ના પાડવી નહીં. પછીથી વિચારવાનું કે કરી શકાશે કે નહીં પણ પ્રયત્ન જરૂર કરવાનો. રહેમાને કહ્યું કે આજે રાત્રે ૯-૧૦ વાગે સ્ટુડિયો પર આવી જજે. રિચાએ કહ્યું કે આજે રાત્રે મારો શૉ છે. હું અહીંથી ત્યાં જ જઈ રહી છું. શૉ પછી હું આવું તો ચાલશે? રહેમાને સમય પૂછ્યો એટલે રિચાએ અંદાજે રાત્રે ૧ વાગે આવી શકશે એમ કહ્યું. રહેમાને કહ્યું કે નિર્દેશક શ્યામ બેનેગલ પણ હાજર રહેવાના છે. એ વૃધ્ધ છે અને રાત્રે મોડું એમને માટે મુશ્કેલ બનશે.
રિચાએ વિનંતી કરી કે તમે એમને સમજાવશો. હું મારું કામ પતાવીને તરત જ નીકળીને આવી જઈશ. એમણે સંમતિ આપી. રિચા શૉમાં ગઈ અને સ્ટેજ પર સુવર્ણ રંગનો લહેંગો અને અનેક ઘરેણાં પહેરીને પોતાનું પર્ફોર્મન્સ આપી ત્યાંથી એ જ કપડામાં રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી ગઈ. કેમકે કપડાં બદલવાનો અને ઘરેણાં કાઢવાનો સમય ન હતો. એ પહોંચી ત્યારે એનો ડ્રેસ જોઈને બધાંને નવાઈ લાગી. રિચાએ કહ્યું કે હું ઠુમરી ગાવા માટે વિશેષ ગેટઅપમાં આવી છું! બેનેગલે એને આવકારી અને ઠુમરી ગીત ‘સૈયાં છોડો મોરી બૈયાં’ ગાવા મુખડું અને અંતરા આપ્યા. રિચાને એમાં પોતાની રીતે આલાપમાં ફેરફાર કરવા છૂટ આપી. રિચાએ પોતાની રીતે પણ એને ગાયું. અને એટલું સરસ રીતે ગાયું કે જાણે એ વર્ષોથી ઠુમરી ગાતી હોય.
આ કેમ શક્ય બન્યું કેમકે એ જ્યારે રહેમાનને મળીને શૉ માટે જવા નીકળી ત્યારે રસ્તામાં એક દુકાનમાંથી ગિરિજાદેવી, શોભા ગુર્ટુ વગેરેની ઠુમરીની સીડી ખરીદી હતી અને કારમાં સાંભળતી ગઈ હતી. એને સમજમાં આવી ગયું હતું કે ઠુમરીમાં બધો ખેલ ભાવનો હોય છે. એ મુજબ જ રિચાએ ઠુમરી ગીતને સારો અંજામ આપ્યો હતો. રિચા માને છે કે ફિલ્મોમાં ભાગ્યે જ ઠુમરી ગીત આવે છે ત્યારે એને આ તક મળી હતી. પાછળ જતાં સંગીતના રિયાલીટી શૉમાં ગાયિકા પોતાની પસંદગી થાય અને પોતે સારું ગાઈ શકે છે એ સાબિત કરવા ખાસ આ ગીત રજૂ કરતી રહી છે. અને ‘સૈયાં છોડો મોરી બૈયાં’ એક ઓડિશન ગીત જેવું બની ગયું છે.
