બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘મોર્ચા’ (1980) માં મુખ્ય ભૂમિકા ભજવનાર રવિ બહલની ડાન્સર તરીકેની આવડતને કારણે યુવા હીરો તરીકે નિર્દેશક એન. ચંદ્રાની ‘નરસિમ્હા’ (1991) મળી હતી. રવિએ ‘મોર્ચા’ માં કામ કર્યા પછી એની ઉંમર એવી હતી કે બાળ કલાકાર કે યુવા હીરો તરીકે આવી શકે એમ ન હતો. એટલે કોલેજનો અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો. એ કોલેજમાં હતો ત્યારે અખિલ ભારતીય ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો અને વિજેતા બનતો હતો.
કોલેજ પૂરી કરીને એ કામ મેળવવા માટે સંઘાર્ષ શરૂ કરી રહ્યો હતો ત્યારે એક દિવસ નિર્દેશક એન. ચંદ્રાએ એને પોતાના ઘરે બોલાવ્યો. રવિને નવાઈ લાગી હતી કે ‘તેજાબ’ (1988) ના નિર્દેશક તેને કેમ બોલાવી રહ્યા હતા. કેમકે બધાને એમ જ હતું કે તે ફરી અનિલ- માધુરીની જોડી સાથે જ કોઈ ફિલ્મ બનાવશે.
રવિએ પોતાના પરિચય માટે એક વિડીયો કેસેટ બનાવી હતી. જેમાં પોતાના અભિનયવાળી ‘મોર્ચા’ અને ‘ઇન્તેહા’ જેવી ફિલ્મોના દ્રશ્યો સાથે ડાન્સ સ્પર્ધાના ફૂટેજ મૂક્યા હતા. એન. ચંદ્રાને મળવા ગયો ત્યારે એ કેસેટ સાથે લઈ ગયો હતો. એમણે પૂછ્યું કે શું કામ કર્યું છે ત્યારે એ કેસેટ બતાવી. કેસેટ જોઈને એ વિચારમાં પડી ગયા. થોડીવાર પછી કહ્યું કે ડાન્સ કરી બતાવ. અને રવિએ એમની જ ફિલ્મ ‘તેજાબ’ ના ‘એક દો તીન’ ગીત પર ડાન્સ કર્યો. એનો ડાન્સ જોઈને એમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં અને અંદર ગયા. થોડી વાર પછી પાછા આવ્યા ત્યારે એમની પત્ની અને બાળકો સાથે હતા.
એન. ચંદ્રાએ રવિને ‘એક દો તીન’ ગીત પર ફરી ડાન્સ કરવા કહ્યું. રવિએ ફરીથી એવો જ ડાન્સ કર્યો. એ ડાન્સ જોઈને એન. ચંદ્રાના પરિવારે તાળીઓ પાડી અને બહુ પ્રશંસા કરી. એ પછી એન. ચંદ્રા આવું છું કહીને ગયા. ઘણો સમય થઈ ગયો પણ એ આવ્યા જ નહીં. રવિએ બહાર આંટો માર્યો પણ કોઈ દેખાયું નહીં. તે રાહ જોતો હતો ત્યારે કોઈએ આવીને કહ્યું કે તમારો કોન્ટ્રાક્ટ તૈયાર થઈ રહ્યો છે. અને એન. ચંદ્રાએ જ્યારે એને ‘નરસિમ્હા’ નો કોન્ટ્રાક્ટ લેટર આપ્યો ત્યારે એ સાચું માની ના શક્યો. એણે કહ્યું કે મારે ઘરે પૂછવું પડશે. ત્યારે એન. ચંદ્રાએ કહ્યું કે એ તેની સાથે પરિવારને મળવા આવશે. અને એ ખરેખર રવિ બહલના ઘરે ગયા.
ફિલ્મ માટે તે સાઇન કરી રહ્યા હોવાનું જણાવ્યું અને પરવાનગી મેળવી લીધી. ફિલ્મનો હીરો સની દેઓલ હતો. શરૂઆતમાં રવિને એક-બે ગીતમાં ડાન્સ કરવાનો હતો. પણ એની કાબેલિયત જોઈને એન. ચંદ્રાએ ચાર-પાંચ ગીત એને આપી દીધા. એમાં ઉર્મિલા માતોંડકર સાથેના ગીત ‘હમ સે તુમ દોસ્તી કર લો’ અને ‘જાઓ તુમ ચાહે જહાં’ બહુ લોકપ્રિય થયા હતા.
