‘નસીબ’ થી ફિલ્મોમાં આવી ‘ગુડ્ડી મારુતિ’    

નગીના, શોલા ઔર શબનમ, ખિલાડી, બીવી નંબર વન વિગેરે ફિલ્મોમાં કામ કરીને જાણીતી થનાર ગુડ્ડી મારુતિને વજન અને નસીબને કારણે જ ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ મળ્યું હતું. જાણીતા કોમેડિયન અને નિર્દેશક મારુતિ પરબની પુત્રી ગુડ્ડીનું અસલ નામ તાહીરા પરબ છે. તેની માએ પર્સીયન નામ રાખ્યું હતું. તેને બાળપણમાં લાડથી બધાં ગુડ્ડી બોલાવતા હતા. એનું વજન વધારે હોવાથી સ્કૂલમાં ‘મોટી’ તરીકે ચીડવવામાં આવતી હતી. એને ફિલ્મોમાં કામ કરવાની કોઈ ઈચ્છા ન હતી. સ્કૂલમાં હતી ત્યારે પિતા દેવ આનંદની ‘નવકેતન ફિલ્મ્સ’ માં કામ કરતાં હતા એટલે દિવાળીના સમયમાં સમય પસાર કરવા વિજય આનંદની ‘જાન હાજિર હૈ’ (૧૯૭૫) માં નાનકડી ભૂમિકા કરી હતી. ત્યારે પિતા એના કામથી ખુશ ન હતા.

ગુડ્ડીએ સારું કામ કર્યું ન હોવાનું માનતા હતા. એમનું કહેવું હતું કે કામ કરવું હોય તો સારું કરવું પડશે. પણ ગુડ્ડીને અભિનયમાં જવું ન હતું. એણે વાતને ગંભીરતાથી લીધી ન હતી. એ પછી છેક ૧૪ વર્ષની થઈ ત્યારે અચાનક નસીબથી પિતાના ફિલ્મી પરિવારના એક નિર્માતામિત્ર કમલ સદાનાની ફિલ્મ ‘સૌ દિન સાસ કે’ (૧૯૮૦) માં કામ કરવું પડ્યું. અશોકકુમારની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફક્ત દેવેન વર્મા અને પ્રીતિ ગાંગુલી વચ્ચેનું એક ગીત અને કોમેડીના કેટલાક દ્રશ્યો બાકી હતા. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ દરમ્યાનમાં અશોકકુમારની પુત્રી પ્રીતિએ વજન ઘટાડી નાખ્યું હતું. અને ફિલ્મમાં એના પર એક ગીત ‘મોટી પલ્લે પઇ ગઈ’ ફિલ્માવવાનું બાકી હતું. ગીતના શબ્દો એવા હતા કે જાડી છોકરી જ જોઈતી હતી ત્યારે કમલને ગુડ્ડી યાદ આવી ગઈ.

નિર્દેશક વિજય સદાનાએ એનો ઓડિશન લીધો અને પાસ થઈ ગઈ. પિતાએ એને કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કરજે પણ મારું નામ ના ડૂબાડતી! એને ‘ગુડ્ડી મારુતિ’ નામ નિર્દેશક મનમોહન દેસાઇએ આપ્યું હતું. એમણે ‘નસીબ’ (૧૯૮૧) માં એને કામ આપ્યું અને તાહિરા નામ સાંભળ્યું ત્યારે બદલવા કહ્યું. પછી એનું લાડકું નામ ગુડ્ડી હોવાનું જાણી એ જ રાખવા કહ્યું. જ્યારે લોકો પૂછવા લાગ્યા કે આ ‘ગુડ્ડી’ કોણ છે? ત્યારે ‘મારુતીની છોકરી’ એમ કહેવાતું. અને આમ એનું નામ ‘ગુડ્ડી મારુતી’ પડી ગયું હતું. ગુડ્ડી જ્યારે ‘સનમ તેરી કસમ’ (૧૯૮૨) કરી રહી હતી ત્યારે પિતા મારુતિનું અવસાન થઈ ગયું અને પરિવારના ભરણપોષણની જવાબદારી એના પર આવી ગઈ હતી.

ગુડ્ડીએ વધારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એ મજબૂરીમાં પોતાનું વજન ઉતારવાનું વિચારી શકી નહીં. કેમકે વજન વધારે હોવાથી જ ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ મળતું હતું. અભિનેત્રી રેખાએ પણ સલાહ આપી હતી કે તું સુંદર હોવાથી વજન ઉતારીને હીરોઈન બની શકે એમ છે. ગુડ્ડીએ વિચાર્યું કે તેને હીરોઈન કે બીજી કોઈ ભૂમિકા નહીં મળે તો પછી કોમેડિયન તરીકે પણ કામ મળશે નહીં. પ્રીતિ ગાંગુલીએ વજન ગુમાવ્યું હતું એટલે તે કામ મેળવી શકી હતી. હવે એ વજન ગુમાવશે તો ફિલ્મો પણ ગુમાવશે. ગુડ્ડીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે વજન ઉતારવાનું જોખમ લીધું ન હતું.