નિર્દેશક તરીકેની એન. ચંદ્રાની પહેલી ફિલ્મ ‘અંકુશ’ (૧૯૮૬) માં નાના પાટેકર પહેલાં વિલન તરીકે પસંદ થયા હતા પણ સંજોગો એવા સર્જાયા કે હીરો બની ગયા હતા. એન. ચંદ્રાએ નિર્દેશક બાપૂની ફિલ્મ ‘વો સાત દિન’ (૧૯૮૩) માં એડિટર ઉપરાંત સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. એ પછી બાપૂએ વધુ એક ફિલ્મ ઓફર કરી હતી. પણ એન. ચંદ્રાએ નક્કી કરી લીધું હતું કે હવે એ કોઈના સહાયક બનશે નહીં પોતે જ નિર્દેશક બનશે. તેઓ અગાઉ નિર્દેશક ગુલઝારના પણ સહાયક રહી ચૂક્યા હતા.
ફિલ્મ બનાવવા ગુલઝારના લેખક દેબૂ સેને એક બંગાળી વાર્તા એન. ચંદ્રાને સંભળાવી હતી. એ બહુ પસંદ આવી હતી. એમાં બંગાળીને બદલે મુંબઈનો માહોલ બનાવીને એન. ચંદ્રાએ આખી ફિલ્મ જાતે લખી હતી. પણ નવા હતા એટલે નિર્માતાઓ એમને તક આપવા તૈયાર ન હતા. તેથી જાતે જ નિર્દેશક બનવાનું નક્કી કર્યું. ત્યારે સુભાષ નામના એક યુવાને એમની સાથે ફિલ્મ નિર્માણ માટે તૈયારી બતાવી અને કહ્યું કે તેની પાસે રૂ.૪ લાખ છે. ચંદ્રાએ ફિલ્મ બનાવવા રૂ.૧૨ લાખ જરૂરી હોવાનું જણાવ્યું અને કહ્યું કે પહેલાં રૂ.12 લાખ લાવ તો જ ફિલ્મ બનાવીશ. સુભાષે કહ્યું કે પાછળથી બાકીના રૂપિયાની વ્યવસ્થા તેના મામા કરશે. એન. ચંદ્રાએ તેના પર વિશ્વાસ રાખી ફિલ્મ શરૂ કરી દીધી. બજેટ ઓછું હતું એટલે એવું નક્કી થયું કે રૂ.10000 સુધીની ફી આપી શકાય એવા કલાકારોને જ પસંદ કરવાના.
અસલમાં એન. ચંદ્રાએ વિનોદ ખન્ના જેવા દેખાતા મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજનીને ધ્યાનમાં રાખીને જ રવીન્દ્ર કેલકરનું પાત્ર રચ્યું હતું. પરંતુ એમણે નક્કી કરેલા બજેટ કરતા ઘણા વધારે રૂપિયા માગ્યા. એટલે એમને લઈ શક્યા નહીં. દરમ્યાનમાં વિલનની ભૂમિકા માટે નાના પાટેકર સાઇન થઈ ચૂક્યા હતા. કેમકે નાનાએ એક મરાઠી ફિલ્મમાં વિલન તરીકે કામ કર્યું હતું. પરંતુ જ્યારે રવિન્દ્રને લઈ ના શક્યા ત્યારે હીરો તરીકે એન. ચંદ્રાને નાના પાટેકર યોગ્ય વિકલ્પ લાગ્યા. નાનાની હકારાત્મક ભૂમિકામાં હીરો જેવી ભૂમિકાની આ પહેલી ફિલ્મ હતી. અને ત્યારે નિશા સિંહ, મદન જૈન વગેરે સંઘર્ષ કરતા કલાકારોને લઈ ફિલ્મ શરૂ કરી દીધી. અને જેનો ડર હતો એ જ થયું.
ફિલ્મની થોડી રીલ તૈયાર થયા પછી સુભાષના મામાએ જોખમ લેવું ન હોવાથી રૂ.4 લાખથી વધુ રકમ આપવાની ના પાડી દીધી. ‘અંકુશ’ લગભગ બંધ જેવી જ થઈ ગઈ. ચંદ્રાએ એડિટરના રૂપમાં કામ ચાલુ રાખ્યું હોવાથી રોજી રોટીની ચિંતા ન હતી. પણ વિચાર કરતાં લાગ્યું કે જેટલી ફિલ્મ બની હતી એ બહુ સારી હતી અને ફિલ્મ પૂરી કરવી જ જોઈએ. જોખમ લેવાથી વધારેમાં વધારે આર્થિક રીતે બરબાદ થઈ જવાશે પણ જે કળા પોતાની પાસે છે એ તો ક્યાંય નહીં જાય. પત્ની સાથે વિચાર વિમર્શ કરી પોતાનો ફ્લેટ બેંકમાં મૂકી રૂપિયા લઈ ‘અંકુશ’ ચાલુ કરી દીધી. એ પછી જરૂર પડી ત્યારે પત્નીના જ નહીં બહેને રાખવા આપેલા સોનાના ઘરેણાં પણ ગીરવે મૂકીને ફિલ્મ ‘અંકુશ’ પૂરી કરી હતી. ફિલ્મ એટલી બધી સફળ રહી હતી કે રૂ.૯૫ લાખ કમાવી આપ્યા હતા.