મનહરમાં રફી-મુકેશનો ‘વિશ્વાસ’

મનહર ઉધાસે જ્યારે એકપણ ગીત ગાયું ન હતું ત્યારે મોહમ્મદ રફી અને મુકેશ જેવા મહાન ગાયકોએ તેમના અવાજ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. બાળપણથી ગાવાનો શોખ ધરાવતા મનહરે કોઇ આયોજન વગર જ ગાયક તરીકે અચાનક શરૂઆત કરી હતી. મનહરે ગાયનની કોઇ તાલીમ લીધી ન હતી. ગાવાનો શોખ ધરાવતા મનહરે એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કરીને એક કંપનીમાં નોકરી શરૂ કરી દીધી હતી. ત્યારે મનહરના લોકસાહિત્યકાર બનેવી મનુભાઇએ મનહરને મુંબઇ બોલાવ્યો. અસલમાં એમણે મનહરને નાનો હતો ત્યારથી ગાતાં જોયો હતો અને પોતે એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા હોવાથી સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે શીખવા માટે અને ગાયનમાં કોઇ તક મળી જાય એવી ભાવનાથી બોલાવ્યો હતો.

મનહર કંઇ જ વિચાર્યા વગર મુંબઇ આવી ગયો અને સંગીતકાર બેલડી સાથે સંગત કરવાનું શરૂ કરી દીધું. દરમ્યાનમાં શશી કપૂરની ફિલ્મ ‘રાજા સાબ’ (૧૯૬૯) નું એક ગીત મોહમ્મદ રફીના સ્વરમાં રેકોર્ડ કરવાનું હતું. એમાં સમૂહ સ્વર પણ હતો. મનહરને કોરસમાં ગાવા માટે તેમણે તક આપી. મોહમ્મદ રફી ગીત ગાવા આવ્યા ત્યારે પહેલાં રિહર્સલ કરવામાં આવ્યું. એમાં મનહર રફી સાહેબની બરાબર પાછળ જ ગાતો હતો. રિહર્સલ પછી કલ્યાણજી- આણંદજીએ મનહરને કોરસમાં ગાવાની ના પાડીને બાજુ પર બેસાડી દીધો. તેને આંચકો લાગ્યો.

મોહમ્મદ રફી કોરસ સાથે ગીતનું રેકોર્ડિંગ કરીને જતા રહ્યા એ પછી કલ્યાણજી- આણંદજીએ જે કહ્યું એ સાંભળીને મનહર નવાઇ પામ્યો. રફી સાહેબે રિહર્સલ પછી એમ કહ્યું હતું કે મનહરનો અવાજ કોરસમાં વેડફવાની જરૂર નથી. એની પાસે આ ગીતનો એક અંતરો ગવડાવજો. એ સારું ગાય છે તો એના અવાજમાં એક અંતરો આવવો જોઇએ. અને એમ જ થયું. ફિલ્મના ટાઇટલ્સમાં પણ મહાન ગાયકોની નીચે પહેલી વખત મનહરનું નામ આવ્યું. કલ્યાણજી- આણંદજી જે ગીતોનું સંગીત તૈયાર કરતા હતા એને મનહર ગાઇને બતાવતો હતો. ઘણી વખત મનહર મુખ્ય ગાયકો પહેલાં ડમી ગાયન કરતો હતો. એવા જ એક ગીતમાં પહેલી વખત આખું ગીત ગાવાની તક મળી ગઇ. ફિલ્મ ‘વિશ્વાસ’ માટે કલ્યાણજી- આણંદજીએ સંગીત તૈયાર કર્યું હતું. એમાં બધાં જ ગીતો મુકેશ ગાઇ રહ્યા હતા. પરંતુ ‘આપ કો હમસે બિછડે હુએ’ ગીતનું રેકોર્ડિંગ હતું ત્યારે મુકેશ વ્યસ્ત હોવાથી આવી શક્યા નહીં. અને દહેરાદૂનમાં ફિલ્મના આ ગીતનું શુટિંગ કરવાનું હોવાથી રેકોર્ડ કરવું જરૂરી હતું.

કલ્યાણજી- આણંદજીએ મનહર પાસે એ ગીત રેકોર્ડ કરવાનું અને પાછળથી મુકેશજી પાસે ગવડાવવાનું નક્કી કર્યું. ત્યારે કલ્યાણજી- આણંદજીએ મનહરને એમ કહીને બોલાવ્યો હતો કે તારો અવાજ માઇકમાં કેવો આવે છે એ જોવાનું છે. એમણે મનહર અને સુમન કલ્યાણપુરના અવાજમાં એ ગીતનું રેકોર્ડિંગ કરી લીધું. એ વાતને બે મહિનાથી વધુનો સમય થઇ ગયા પછી કલ્યાણજી- આણંદજીએ એક રેકોર્ડ લાવીને મનહરને આપીને કહ્યું કે તારી રેકોર્ડ આવી ગઇ છે. મનહરે પૂછ્યું ત્યારે ખબર પડી કે મુકેશજી જે ગીત ગાવાના હતા એની રેકોર્ડ હતી. અસલમાં મુકેશજી જ્યારે એ ગીત ગાવા માટે આવ્યા ત્યારે એમણે પહેલાં ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો. એમણે મનહરનો અવાજ સાંભળ્યો ત્યારે કહ્યું કે મનહરે સારું જ ગાયું છે. હવે ફરી રેકોર્ડ કરવાની જરૂર નથી. આ ગીત મનહરના અવાજમાં જ રહેવા દો. અને આમ મુકેશના પ્રમાણપત્ર સાથે મનહરની પાર્શ્વગાયક તરીકે કારકિર્દી શરૂ થઇ હતી. મનહરનું આ પહેલું ગીત લોકપ્રિય રહ્યું હતું.