મંસૂર ખાનને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ અચાનક જ મળી ગઈ હતી પણ છેલ્લી ફિલ્મ ‘જોશ’ (૨૦૦૮) થી જાતે જ નિર્દેશન છોડી દીધું હતું. જે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) થી મંસૂર નિર્દેશક બન્યા હતા એનું નિર્દેશન અસલમાં નાસીર હુસેન કરવાના હતા. આમિર ખાન અને જુહી ચાવલાની પહેલી ફિલ્મ નાસીર હુસેને નાદુરસ્ત તબિયતને કારણે કરી ન હતી. એમણે ફિલ્મની સ્ક્રીપ્ટ મંસૂરને આપી નિર્દેશન સંભાળવા કહ્યું હતું. મંસૂરે ફિલ્મમાં પિતાની ભૂમિકા માટે સાઇન થયેલા બંને અભિનેતા શમ્મી કપૂર અને સંજીવકુમારને બદલી નાખ્યા હતા. તે માનતા હતા કે પોતે નવા હોવાથી આ વરિષ્ઠ અને પ્રસિધ્ધ અભિનેતાઓને નિર્દેશન આપી શકશે નહીં. ‘જોશ’ માં પિતા તરીકે ભૂમિકા મેળવનાર દિલીપ તાહિલે એક મુલાકાતમાં ફિલ્મ વિશે આ ઉપરાંત બીજી વાતો કહી હતી.
મંસૂરે ફિલ્મના બે અંત તૈયાર કર્યા હતા. જેમાં બીજો સુખદ હતો. મંસૂર જ્યારે ફિલ્મ સાથે જોડાયા ત્યારે એવી શરત કરી હતી કે દુ:ખદ અંત હશે તો એ નિર્દેશન કરશે. લોકોને અંત પસંદ નહીં આવે એવી નાસીર હુસેનને શંકા હતી. તેથી લેખક રાહી માસૂમ રઝાનો અભિપ્રાય મેળવ્યો હતો. એમણે પણ દુ:ખદ અંત યોગ્ય હોવાનું માન્યું હતું. એ અંત સાથે ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. મંસૂરને શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ પછી મંસૂરે ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) અને ‘અકેલે હમ અકેલે તુમ’ (૧૯૯૫) જેવી લાંબા નામવાળી ફિલ્મો જ બનાવી હતી. એમણે ‘જોશ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી એમની પરેશાની શરૂ થઈ ગઈ હતી. એમાં અનેક ફેરફાર કરવા પડ્યા હતા. ‘જોશ’ ની વાર્તા વિદેશી ફિલ્મ ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ પરથી તૈયાર કરી હતી.
છેલ્લે શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને ચંદ્રચૂડ સિંહ સાથે ફિલ્મ બનાવી હતી. સૌપ્રથમ ચંદ્રચૂડવાળી ભૂમિકા માટે આમિર ખાનને પસંદ કર્યો હતો. પરંતુ આમિરને શાહરુખવાળી ભૂમિકા કરવી હતી. એ ભૂમિકા તો કાજોલને પણ કરવી હતી. અસલમાં ઐશ્વર્યાની ભૂમિકા પહેલાં કાજોલને ઓફર થઈ હતી. જ્યારે શાહરુખ પહેલાં એની ભૂમિકા સલમાનને ઓફર થઈ હતી. પરંતુ સલમાન ઐશ્વર્યા સાથે ‘હમ દિલ દે ચૂકે સનમ’ (૧૯૯૯) માં રોમેન્ટિક ભૂમિકામાં રહ્યો હોવાથી ‘જોશ’ માં ઐશ્વર્યાના ભાઈ તરીકે કામ કરી શકે એમ ન હતો. જોકે, શાહરૂખને કારણે ફિલ્મ બનવામાં સમય લાગ્યો હતો. મંસૂર ખાનને બીજી બે ફિલ્મોમાં નિર્દેશનનું કામ મળ્યું હોવા છતાં આ ફિલ્મ બનાવતી વખતે અનેક અવરોધો આવ્યા હોવાથી ઉત્સાહ આખરે નિર્દેશન કરવાનું છોડી દીધું હતું.