મનોજ મુંતશિરને ફિલ્મ ‘એક વિલન’ (2014) ના ‘તેરી ગલિયાં’ ગીતથી ભારે લોકપ્રિયતા મળી હતી પણ એમનું લખેલું એ 40 મું ગીત હતું. સંગીતકાર અંકિત તિવારીએ જ્યારે એ ગીત રેકોર્ડ કરીને સાંભળવા મોકલ્યું ત્યારે મનોજને વિશ્વાસ ન હતો કે એ આટલું લોકપ્રિય થશે.
ગીતકાર તરીકે પહેલી ફિલ્મ મળી હતી એને થિયેટરમાં જોઈ ના શક્યા અને અમિતાભ સાથેની પહેલી મુલાકાત કેવી રહી હતી એની અજાણી અને રસપ્રદ વાતો મનોજ મુંતશિરે એક મુલાકાતમાં લાગણીશીલ બનીને કહી છે.
મુંબઇ આવ્યા પછી મનોજને ગીતકાર અને સંવાદ લેખક તરીકે કામ તો મળતું રહ્યું હતું પણ લોકપ્રિયતા માટે ૧૫ વર્ષનો લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. મનોજ પહેલાં ટીવી સિરિયલો માટે લખતા હતા. દરમ્યાનમાં અમિતાભ બચ્ચનને એમના કામની ખબર પડી હતી અને ‘કૌન બનેગા કરોડપતિ’ માટે ઇન્ટરવ્યુ લીધો હતો. એમણે મનોજ લખતો હતો એ ‘યાત્રા’ નામના શૉ વિશે જાણ્યું હતું. અને એને મળવા બોલાવ્યો હતો.
મનોજ પોતાની પાસે સારા કહી શકાય એવા જે કપડાં હતા એ પહેરીને હોટલમાં અમિતાભને મળવા ગયો હતો. જ્યારે એને બોલાવવામાં આવ્યો ત્યારે એમણે પૂછ્યું કે,‘બતાવ, શું લખે છે?’ મનોજ એમની પ્રતિભાથી અંજાઈ ગયો અને જલદી કશું બોલી શક્યો નહીં એટલે ફરી પૂછ્યું,‘સંભળાવો, શું લખ્યું છે?’ ત્યારે મનોજને ટીવી શૉ લખવાનો કોઈ અનુભવ ન હતો. તે ગીતકાર તરીકે સંઘર્ષ કરી રહ્યો હતો. અત્યાર સુધી મહાન લેખકોનું જે પણ કંઇ વાંચ્યું હતું અને ચિંતન કર્યું હતું એના આધારે પાંચ મિનિટ સુધી બોલતો જ રહ્યો.
અમિતાભે એને અટકાવીને કહ્યું કે,‘બસ. તારી ભાષા સારી છે.’ પછી પૂછ્યું કે,‘ક્યાંથી છું?’ મનોજથી ન જાણે કેમ ખોટું કહેવાય ગયું કે,‘અલ્હાબાદથી.’ અમિતાભે તરત કડક અવાજે કહ્યું કે,‘પ્રભાવિત કરવાનો પ્રયત્ન ના કરીશ. સાચું બોલ.’ મનોજે કહ્યું કે,‘હું અલ્હાબાદમાં ભણ્યો છું. પણ અમેઠીનો છું.’ અમિતાભે કહ્યું કે,‘એમ બોલ ને. અલ્હાબાદ કેમ બોલે છે?’ મનોજે માફી માંગી લીધી. એ બસ પકડીને ઘરે પહોંચ્યો એ પહેલાં જ પેજર પર સંદેશ આવી ગયો કે તમને ‘કેબીસી’ માટે પસંદ કરી લેવામાં આવ્યા છે. જ્યારે મનોજને કરાર સહી કરવા આપવામાં આવ્યો ત્યારે એમાં પ્રતિ દિવસના રૂ.33000 મળશે એમ લખ્યું હતું. મનોજને પહેલાં તો એ આંકડા પર વિશ્વાસ આવ્યો ન હતો. પણ એ સાચું હતું.
મનોજની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘યુ બોમસી એન્ડ મી’ નો કિસ્સો પણ નવાઈ પમાડે એવો છે. 2005 માં ફિલ્મ થિયેટરમાં રજૂ થઈ હતી. ગીતો લખતી વખતે એ નાની છે કે મોટી એવું મનોજે જોયું ન હતું. કેમકે તે માને છે કે ફિલ્મ બને છે ત્યારે એ મોટી જ હોય છે. જ્યારે એને કોઈ જોતું નથી કે સફળ થતી નથી ત્યારે એ નાની બની જાય છે. ફિલ્મનું નિર્માણ ‘યૂનિવર્સલ સંગીત કંપની’ એ કર્યું હોવાથી મનોજ બહુ ખુશ હતો.
પોતાની પહેલી ફિલ્મ હોવાથી મનોજે સંગીતકાર દીપક પંડિતને પણ થિયેટર પર બોલાવ્યો હતો. મનોજ જ્યારે પત્ની નીલમ અને દીપક સાથે થિયેટર પર ગયો અને ટિકિટબારી પર ત્રણ ટિકિટ માંગી ત્યારે એણે કહ્યું કે હમણાં બાજુ પર ઊભા રહો. ત્રણ માણસ માટે ફિલ્મ ચાલુ કરીશું નહીં. કોઈ બીજા આવશે તો ફિલ્મ ચલાવવામાં આવશે. અને એ ફિલ્મ જોવા બીજું કોઈ આવ્યું ન હોવાથી મનોજ પોતાની પહેલી ફિલ્મ જોઈ શક્યો ન હતો. લગભગ 9 વર્ષ પછી ફિલ્મ ‘એક વિલન’ ના ગીતોએ મનોજનું જીવન બદલી નાખ્યું હતું.
