જૉનને ‘સરફરોશ’ માટે શાહરૂખ યોગ્ય ના લાગ્યો

નિર્દેશક જૉન મેથ્યુ મથાનને ફિલ્મ ‘સરફરોશ’ (૧૯૯૯) માટે શાહરૂખ ખાનને લેવાનો આગ્રહ થયો હતો અને આમિરને પણ પહેલાં એના પર વિશ્વાસ ન હતો. જૉન મેથ્યુએ ૧૯૯૨ માં ‘સરફરોશ’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. ગોવિંદ નિહલાનીની ‘આક્રોશ’ (૧૯૮૦) અને રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ (૧૯૮૨) માં સહાયક નિર્દેશક તરીકે કામ કરનાર જૉને મિત્ર મનમોહન શેટ્ટીને વાત કરી કે તે એક ફિલ્મ બનાવવા માગે છે. મનમોહને ત્યારે ફિલ્મ નિર્માણની એક કંપની શરૂ કરી હતી અને બે ફિલ્મો માટે ફાઇનાન્સ કર્યું હતું. એમાં એક કુંદન શાહની ‘કભી હાં કભી ના’ (૧૯૯૪) અને બીજી પ્રવિણ નિશ્ચલની ‘ઈંગ્લીશ બાબૂ દેશી મેમ’ (૧૯૯૬) હતી. બંનેમાં હીરો શાહરૂખ ખાન હતો. તેથી બધાએ સૂચન કર્યું કે જૉને પણ શાહરૂખને જ લેવો જોઈએ. પણ જૉને કહી દીધું કે એમની ફિલ્મની ભૂમિકામાં શાહરૂખ બંધબેસતો નથી.

મનમોહનનું કહેવું હતું કે એમની ત્રણ ફિલ્મોમાં એક જ હીરો રહેશે તો વધુ પૈસા બચાવી શકાશે. પરંતુ જૉને એમની ઓફર સ્વીકારી ન હતી અને પોતે જ ‘સરફરોશ’ નું નિર્માણ કર્યું હતું. જૉને ફિલ્મ ‘દિલ’ નું આમિરનું માધુરી પરના રેપનું દ્રશ્ય જોઈ એને એસીપી અજયસિંઘ રાઠોડની ભૂમિકા માટે યોગ્ય માન્યો હતો. આમિરને રાજી કરવાનું કામ સરળ ન હતું. જૉન આમિર પાસે ગયો અને ફિલ્મ માટે વાત કરી ત્યારે એના વિશે જાણીને આમિરને પહેલાં થયું હતું કે જૉન અંગ્રેજી નામ ધરાવે છે. એને હિન્દી આવડે છે કે નહીં એની ખબર નથી. વળી ૩૦ સેકન્ડની જાહેરાત બનાવે છે એ ૩ કલાકની ફિલ્મ કેવી રીતે બનાવી શકશે એની શંકા હતી.

સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી આમિરના દિલને વાર્તા સ્પર્શી ગઈ હતી. એની અલગ વાર્તા ગમી હતી. કેમકે મુખ્યધારામાં આવી ફિલ્મો બહુ ઓછી બને છે. ફિલ્મની વાર્તા સાંભળી આમિર એમાં કામ કરવા ઉત્સુક ઘણો થયો હતો. આમિરે પછી વિશ્વાસ મૂકીને ૧૫ મિનિટમાં હા પાડી દીધી હતી. આમિરે આ પહેલાં રોમેન્ટિક કોમેડી કે કોમેડી ફિલ્મો જ કરી હતી. પરંતુ ‘સરફરોશ’ માં આમિરે પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો હતો.

એણે એક મુલાકાતમાં કહ્યું હતું કે એક વાતનો અફસોસ રહી ગયો છે કે અન્ય ફિલ્મોમાં કામ કરતો હતો એટલે ભૂમિકા માટે વાળ જેટલા નાના કરવાના હતા એટલા કરી શક્યો ન હતો. આમિર ‘સરફરોશ’ ને વ્યાવસાયિક ફિલ્મ માનતો ન હતો. ફિલ્મની રજૂઆતમાં અડચણો આવી હોવાથી મોડી રજૂ થઈ હતી. પરંતુ અન્ય વ્યાવસાયિક ફિલ્મોથી વધુ સફળ રહી હતી. ખાસ તો આમિરને લેવાનો જૉનનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ‘સરફરોશ’ પછી જ આમિરે અસલ વાર્તાઓ પરથી જ નહીં અલગ વિષય પરની અલગ ભૂમિકાઓવાળી ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું.