લતા મંગેશકર સંગીતકાર માસ્ટર વિનાયકને ત્યાં નોકરી કરતા હતા અને એમનું અવસાન થયું ત્યારે એમને કામ અપાવવા કેમેરામેન પાપા બુલબુલેએ કહ્યું કે એક સંગીતકાર હરિશચંદ્ર બાલી તારું ગીત સાંભળવા માગે છે. તેઓ લતાને પોતાની મોટરસાયકલ પર બેસાડીને ‘સેન્ટ્રલ સ્ટુડિયો’ લઇ ગયા. બાલીએ લતાનો સ્વર સાંભળ્યો અને ગીતો ગવડાવવાનું વચન આપ્યું. લતા જ્યારે એમના ગીતોનું રેકોર્ડિંગ કરતા હતા ત્યારે કલાકારોને કામ અપાવતા એક પઠાણે અવાજ સાંભળ્યો. એણે સંગીતકાર ગુલામહૈદરને જઇને કહ્યું કે એક નવી છોકરી આવી છે એને બોલાવીને ગવડાવી જુઓ.
લતાને એ સંદેશો મળ્યો એટલે માસીની છોકરીને સાથે લઇને ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં એમને મળવા ગયા. એમના કોઇ ગીતનું રેકોર્ડિંગ ચાલતું હતું એટલે બંને રાહ જોતા બેસી રહ્યા. કલાકો પછી ગુલામહૈદર બહાર આવ્યા અને મોડું થવા બદલ માફી માગી. પછી સ્ટુડિયોમાં લઇ જઇ એમણે લતાનો અવાજ સાંભળ્યો. લતાએ એમની જ ફિલ્મ ‘હૂમાયું’ નું એક ગીત ‘મેં તો ઓઢું ગુલાબી ચુનરિયા’ સંભળાવ્યું એનાથી ખુશ થયા. બીજું સંભળાવવા કહ્યું ત્યારે લતાએ નૂરજહાંનું ગીત ગાયું. એમણે પૂછ્યું કે કોની પાસે શીખી રહી છે? લતાએ અમાનત ખાનનું નામ આપ્યું. એ એમના મિત્ર હતા એટલે વધારે ખુશ થયા અને ગીત ગવડાવવાનો વાયદો કર્યો. ગુલામ હૈદર ત્યારે દિલીપકુમાર અને કામિની કૌશલ સાથે ફિલ્મ શહિદ’ (૧૯૪૮) માં સંગીત આપી રહ્યા હતા. તેમણે ગીતનું રિહર્સલ કરાવતા પહેલાં લતાના અવાજનું રેકોર્ડિંગ કર્યું અને નિર્માતા એસ. મુખર્જીને સંભળાવ્યું.
લતાએ ફિલ્મનું ‘બદનામ ના હો જાયે’ ગીત ગાયું હતું. (જે પછી સુરિન્દર કૌરે ગાયું હતું) પરંતુ એસ. મુખર્જીએ કહ્યું કે આ અવાજ ચાલશે નહીં. બહુ પાતળો અવાજ છે અને અમારી હીરોઇનને યોગ્ય રહેશે નહીં. એ સાંભળીને ગુલામહૈદરને ગુસ્સો આવ્યો અને લતાને પોતાની સાથે આવવા કહ્યું. તેઓ ચાલતાં નજીકના રેલ્વે સ્ટેશન પર ગયા. એમના હાથમાં સિગરેટની ડબ્બી હતી. એના પર તાલ આપતાં પોતાની સાથે ‘દિલ મેરા તોડા…’ ગીત લતાને પણ ગાવા કહ્યું. એમને લતાનું ગાવાનું ગમી ગયું. બે દિવસ સ્ટુડિયોમાં રિહર્સલ કરાવીને લતા સાથે ગીતનું રેકોર્ડિંગ કર્યું. ત્યારે તેઓ ફિલ્મ ‘મજબૂર’ (૧૯૪૮) માં પણ સંગીત આપી રહ્યા હતા. એમાં હીરોઇન મુનવ્વર સુલતાના પર એ ગીત ફિલ્માવવાનું હતું. લતા મંગેશકરે જાવેદ અખ્તર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. લતાને ત્યારે ખ્યાલ આવ્યો કે મુન્નવરનો અવાજ જાડો છે.
મુન્નવર કરતાં કામિની કૌશલને પોતાનો અવાજ વધુ મળતો આવે એવો હતો. છતાં ગુલામ હૈદરે લતા પાસે ફિલ્મના ઘણા ગીતો ગવડાવ્યા. એમાં મુકેશ સાથેનું પહેલું ગીત ‘અબ ડરને કી કોઇ બાત નહીં’ પણ હતું. એ ગીતોનું જ્યારે રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે અનિલ વિશ્વાસ, ખેમચંદ પ્રકાશ વગેરે સંગીતકારોએ લતાનો અવાજ સાંભળ્યો અને પસંદ આવતાં એમને બોલાવવા લાગ્યા. આમ લતાજીની ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ થઇ ગઇ. ઘણા સગીતકારોએ લતાના ગાયનનું ઘડતર કર્યું હતું. ગુલામ હૈદરે જ લતાને શીખવ્યું હતું કે પડદા પર હીરોઇન જે સ્થિતિમાં ગાય છે એવા ભાવ અવાજમાં આવવા જોઇએ. એમણે કહ્યું હતું કે હીરોઇનની ખુશી કે દુ:ખને ધ્યાનમાં રાખીને ગાઇશ ત્યારે વધારે સારું ગાઇ શકીશ. એ જ રીતે અનિલ વિશ્વાસે ગીત ગાતાં ક્યાં શ્વાસ લેવા જોઇએ અને છોડવા જોઇએ જેથી કોઇને ખ્યાલ ના આવે એ શીખવ્યું હતું.