ફિલ્મ ‘જવેલ થીફ’ (૧૯૬૭) માં અશોકકુમારના સ્થાને પહેલાં રાજકુમાર પસંદ થયા હતા. એમણે પોતાના વિચિત્ર સ્વભાવને કારણે આવી ઘણી ફિલ્મો ગુમાવી હોવાનું કહી શકાય એમ છે. નિર્દેશક વિજય આનંદે ‘ગાઈડ’ (૧૯૬૫) પછી લેખક કે.આર. નારાયણ સાથે બેસીને ‘જવેલ થીફ’ ની વાર્તા અને સ્ક્રીનપ્લે તૈયાર કરી ભાઈ દેવ આનંદને કહ્યું હતું કે કલાકારોની પસંદગી બહુ ધ્યાનથી કરવી પડશે. એમાં વાર્તાનું મુખ્ય પાત્ર પાછળથી વિલન નીકળે છે એ મહત્વનું છે. એ ભૂમિકામાં જો કોઈ નિયમિત વિલન તરીકે દેખાતો અભિનેતા લેવામાં આવશે તો દર્શકોને પહેલાંથી જ વાર્તાનો અંદાજ આવી જશે.
દેવ આનંદે એમની પાસે કોઈ નામ હોય તો આપવા જણાવ્યું. વિજય આનંદે રાજકુમારનું નામ આપ્યું. જેની સાથે દોસ્તી રહી હતી. પરંતુ એક કેસમાં જેલમાં જઈ આવ્યા પછી રાજકુમારનો સ્વભાવ અજીબ થઈ ગયો હતો. તેમનું વર્તન વિચિત્ર લાગતું હતું. દેવને પણ જાણવા મળ્યું હતું કે તે નિર્માતા- નિર્દેશકોને પરેશાન કરે છે. છતાં પોતાને એમની સાથે કામ કરવામાં કોઈ વાંધો ના હોવાનું કહી દીધું. વિજયે ફોન કરીને ‘જવેલ થીફ’ માટે વાત કરી ત્યારે રાજકુમારે ઇચ્છા બતાવી એટલે વાર્તા સંભળાવી. એ સાથે એમ પણ કહી દીધું કે એક વખત ફિલ્મ શરૂ થયા પછી વચ્ચે સ્ક્રીપ્ટમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવાનું કહેવાનું નહીં. રાજકુમારે ચાર દિવસનો સમય માંગ્યો. એ પછી કોઈ જવાબ ના આવ્યો. વિજયે સામેથી ફોન કરીને પૂછ્યું ત્યારે એમણે સ્ક્રીપ્ટ માગી. વિજયે ઇન્કાર કરતાં કહ્યું કે તે સ્ક્રીપ્ટ આપી શકે એમ નથી પણ જે ભૂમિકા સમજાવી છે એવી જ છે.
મારા પર વિશ્વાસ હોય તો કામ કરો. રાજકુમારે વિચાર કરવા વધુ દિવસો માંગ્યા ત્યારે વિજયે કહી દીધું કે વિચારવામાં આટલો સમય લઈ રહ્યા છો એનો અર્થ એ થયો કે તમને મારામાં વિશ્વાસ નથી અથવા તમને ભૂમિકા પસંદ નથી. જો ના પાડશો તો પણ ખરાબ નહીં લાગે. રાજકુમારે આવી કોઈ વાત ના હોવાનું કહ્યું. વિજય આનંદે એ જ ઘડીએ રાજકુમારના નામ પર ચોકડી મારી દીધી. આગળ વિચારતાં ‘અર્જુન સિંઘ’ ની એ ભૂમિકા માટે અશોકકુમાર યોગ્ય લાગ્યા. દેવને પણ એ વિચાર ગમ્યો. એમના સેક્રેટરીને મળવા માટે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ અમેરિકાથી બાયપાસ સર્જરી કરાવીને હાલમાં જ ભારત આવ્યા છે. એ બહુ દોડભાગ કરી શકતા નથી.
આજે રૂપતારા સ્ટુડિયોમાં શૂટિંગ છે. દેવ અને વિજય બપોરના સમયે અશોકકુમારને મળવા ગયા. વિજયે વાર્તા સંભળાવી એટલે તે ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ કેટલીક શરતો કરી કે તે પોતે મારામારીના દ્રશ્યો કરશે નહીં અને કોઈનો માર ખાવાનું દ્રશ્ય પણ કરી શકશે નહીં. વિજયને એ વાતનો વાંધો ન હતો. કેમકે એમનો વિલન હાથ-પગ ચલાવનારો નહીં પણ દિમાગથી કામ લેનારો હતો. અશોકકુમારે બીજી સ્પષ્ટતા કરી કે તબિયત સારી રહેતી ન હોવાથી બપોરે ૧૧ વાગે આવી શકશે અને સાંજે ૫ વાગે નીકળી જશે. વિજય અને દેવ આનંદે એમની બધી જ શરત માની લીધી. આમ રાજકુમારે વિચાર કરવામાં ‘જવેલ થીફ’ ગુમાવી દીધી અને અશોકકુમારે બહુ આરામથી પોતાની શરતોએ એ ભૂમિકાને ન્યાય આપી દીધો.