સ્વાનંદ કિરકિરેનો ગીતકાર-ગાયક બનવાનો મજેદાર કિસ્સો

ફિલ્મ લેખક, ગીતકાર, ગાયક, અભિનેતા, સંવાદ લેખક એમ અનેક કામ કરતા સ્વાનંદ કિરકિરે ક્યારેય ઈચ્છા કરી ન હોવા છતાં અચાનક ફિલ્મ ‘હજારોં ખ્વાહીશેં ઐસી’ થી ગીતકાર અને ગાયક સાથે જ બની ગયા હતા. સ્વાનંદે નાટકમાં જવાનું નક્કી કરી દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો હતો. પહેલા વર્ષે નાપાસ થયા પછી પરિવારે ઘરે આવી જવા કહ્યું હતું. પરંતુ એક તક લેવાનું કહી ફરી એક વર્ષ સુધી અભ્યાસ કરી પરીક્ષા આપી અને પાસ થઈ ગયા હતા.

શરૂઆતમાં ‘સ્વાભિમાન’ જેવી સિરિયલ કરી. એ નાટકો લખતા હતા અને અભિનય પણ કરતા હતા. એમનું શહિદ ભગતસિંહના જીવન પરનું એક નાટક જોઈ મંજુ સિંહ એમને મુંબઇ પોતાની ‘સ્વરાજ’ સિરિયલ માટે લઈ આવ્યા. ત્યાં એક વર્ષ સુધી લેખનનું કામ કર્યું અને પાછા કામ શોધતા થઈ ગયા. દરમ્યાનમાં રામગોપાલ વર્માની ફિલ્મ ‘કૌન?’ માં લેખક તરીકે કામ મળ્યું. એમાંથી કોઈ કારણથી નીકળી ગયા અને અનુરાગ કશ્યપે નિર્માતા ટૂટુ શર્મા સાથે મુલાકાત કરાવી. તે નિર્દેશક સુધીર મિશ્રા સાથે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. એમણે સુધીર સાથે એમની મુલાકાત કરાવી.

સુધીરે કહ્યું કે તમે લખવાનું ચાલુ કરો હું મારી ફિલ્મ ‘કલકત્તા મેલ’ (2003) નું શુટિંગ પતાવીને આવું છું. તે એક મહિનાનું કહીને ગયા અને ચાર મહિને આવ્યા. એ પછી એમણે સ્વાનંદને સહાયક બનાવી દીધા અને એમની સિરિયલ ‘તલાશ’ નું કામ પણ આપ્યું. એ પછી સુધીરને ફિલ્મ ‘હજારોં ખ્વાહીશેં ઐસી’ (2003) મળી ત્યારે એ સહાયક જ હતા. તે શોખથી ગીતો લખતા હતા અને ગાતા હતા એની સુધીરને ખબર ન હતી. સ્વાનંદ એક વખત પોતે લખેલું ‘બાવરા મન’ ગીત ગણગણતા હતા એને અભિનેતા કે.કે. મેનને સાંભળી લીધું અને સુધીરને ફિલ્મમાં લેવા આગ્રહ કર્યો. સુધીરને ગમ્યું એટલે મંજૂરી માંગી અને રાખવાનું નક્કી થયું. સુધીરે સ્વાનંદને જ ગાવા કહ્યું.

સ્વાનંદ પહેલી વખત રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા અને પહેલી વખત ગાવાનો પ્રયત્ન કર્યો પણ એ માહોલમાં ગભરાઈ જવાથી ગાઈ શક્યા નહીં. ત્યારે સુધીરે સ્ટુડિયોની બહાર માઇક લગાવીને સ્ક્રેચ તરીકે એક વખત ગાઈ લેવા કહ્યું. પછીથી બીજા ગાયકના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. પણ સ્વાનંદનો અવાજ એટલો સારો લાગ્યો કે એ ગીત એમના સ્વરમાં રહેવા દીધું. અને આમ ‘હજારોં ખ્વાહીશેં ઐસી’ થી સ્વાનંદ કિરકિરે ગીતકાર સાથે ગાયક બની ગયા. આ ફિલ્મમાં એક ગામવાસી તરીકે પણ ભૂમિકા નિભાવી.

બીજી રસપ્રદ ઘટના એ બની કે ગીતનું રેકોર્ડિંગ થતું હતું ત્યારે નિર્દેશક પ્રદીપ સરકાર ત્યાં આવ્યા હતા. તે સ્વાનંદના ગીતથી એટલા પ્રભાવિત થયા કે પોતાની એક સાબુની જાહેરાતમાં ગીત લખવાનું કહ્યું. જાહેરાતમાં એને લઈ ના શકાયું પણ એમની સાથે કામ કરતાં કરતાં સ્વાનંદને ‘પરિણીતા’ (2005) માં કામ મળી ગયું. સ્વાનંદે એમાં ‘પિયુ બોલે’ વગેરે ઘણા ગીતો લખ્યા. એમની સાથે પછીથી પણ ઘણી ફિલ્મો કરી. અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં સાવ નાની ભૂમિકાઓ કરી પણ ‘બદરીનાથ કી દુલ્હનિયા’ (2017) માં આલિયાના પિતાની ભૂમિકાથી ચરિત્ર અભિનેતા બની ગયા. 2018 ની મરાઠી ફિલ્મ ‘ચુંબક’ માટે સ્વાનંદને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.