1990 માં ‘દિલ’ અને ‘આશિકી’ ના ગીતોથી જાણીતા થયેલા સમીરને ગીતકાર બનવું હતું પણ ગીતકાર પિતા અન્જાન એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માગતા હતા અથવા બેન્કમાં નોકરી કરે એમ ઇચ્છતા હતા. સમીરે એમની ઈચ્છા મુજબ કોમર્સમાં અભ્યાસ કર્યો અને પોતાના દાદાની જેમ બેન્કમાં નોકરી શરૂ કરી દીધી. પરંતુ એમનું મન આ નોકરીમાં લાગ્યું નહીં અને બનારસ છોડીને કામની શોધમાં મુંબઇ આવી ગયા હતા. સમીર મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યા હતા અને ગીતકાર તરીકે તક શોધી રહ્યા હતા અને ભટકતા હતા ત્યારે ભોજપુરી ફિલ્મોના સંગીતકાર શ્યામ સાગર સાથે મુલાકાત થઈ. એ અન્જાનના મિત્ર હોવાથી સમીર અવારનવાર એમને ત્યાં પણ જતા રહેતા હતા.
એમને ખબર હતી કે સમીર શાયર અને હિન્દી ફિલ્મોમાં ગીતકાર બનવા માગે છે. સમીરે આકાશવાણીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે શ્યામ સાગરે એક વખત કહ્યું કે મારી પાસે હિન્દી ફિલ્મ તો નથી પણ એક ભોજપુરી ફિલ્મ ‘બૈરી સાવન’ (૧૯૮૪) કરી રહ્યો છું. એમાં એક સિચ્યુએશન છે. એના પર ગીત લખવા માગતો હોય તો વિચાર કરીને આવી જજે. સમીરની માતૃભાષા ભોજપુરી હતી એટલે ગીત લખી આપ્યું. એ પહેલું ગીત શ્યામ સાગરે રેકોર્ડ કરી લીધું. જોકે, આ ફિલ્મ પહેલી હિન્દી ફિલ્મ પછી રજૂ થઈ હતી. એ પછી એમણે સમીરને કહ્યું કે તારી પાસે હિન્દી ગીતો લખેલા હોય તો સંભળાવ. હું જોઈ લઉં કે કેવા લખે છે. ભોજપુરી સંગીતકાર શ્યામ સાગરે સમીરના હિન્દી ગીતો સાંભળીને સ્પષ્ટ કહી દીધું કે તું બનારસની ટિકિટ કઢાવીને પાછો જતો રહે. હું દાવા સાથે કહી શકું છું કે તું હિન્દી ફિલ્મનો ગીતકાર બની શકે એમ નથી. તેં જેટલી પણ કવિતાઓ સંભળાવી એ બધી બકવાસ હતી. તું પાછો જતો જ રહે. આટલા મોટા શાયરનો છોકરો છે તો એમનું નામ ખરાબ ના કરીશ.
એમની વાત સાંભળીને સમીર દુ:ખી થયા. પણ એમને ત્યાંથી નીકળીને જતા હતા ત્યારે પિતાની એક પંક્તિ ‘જગ અભી જીતા નહીં હૈ, મેં અભી હારા નહીં હૂં, ફેંસલા હોને સે પેહલે હાર ક્યૂં સ્વીકાર કર લૂં’ યાદ આવી રહી હતી. સમીરે નક્કી કર્યું કે એક જણનો અભિપ્રાય આખરી ના માનવો જોઈએ. સમીર એ દિવસોમાં ક્યારેક સંગીતકાર ઉષા ખન્નાને ત્યાં પણ જતા હતા. અને એમનો અભિપ્રાય લેવા પહોંચી ગયા. સમીરે ઉષા ખન્નાને પોતાની આખી કહાની સંભળાવી દીધી અને શ્યામ સાગરને ત્યાંથી દુ:ખી થઈને આવ્યો હોવાનું કહ્યું. પછી એમને કહ્યું કે તમે મારા ગીતો સાંભળીને અભિપ્રાય આપો. જો તમે પણ ના પાડશો તો હું આ ડાયરી લઈને બનારસ પાછો જતો રહીશ. ઉષાએ સમીરની હિન્દી કવિતાઓ સાંભળીને પ્રોત્સાહિત કર્યો અને વિશ્વાસ અપાવ્યો કે તું એક દિવસ જરૂર સફળ ગીતકાર બનીશ. આ અઠવાડિયે જ એક સારી ફિલ્મ માટે હું તારા ગીતનું રેકોર્ડિંગ કરીશ. ઉષાએ વચન આપ્યા મુજબ ફિલ્મ ‘બેખબર’ (૧૯૮૩) માટે સમીરનું પહેલું હિન્દી ફિલ્મ ગીત ‘ગોરી પરેશાન હૈ’ અલકા યાજ્ઞિકના સ્વરમાં રેકોર્ડ કર્યું હતું. આ ગીતથી સમીરે એક હિન્દી ફિલ્મ ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.