ફિલ્મ ‘નમક હરામ’ (1973) ના નિર્માણ દરમ્યાન પરિસ્થિતિ એવી બદલાઈ કે અમિતાભ માટે ખરાબ કહેનાર વિતરકોએ એમની ભૂમિકા લાંબી કરવાની માંગ કરી હતી. નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ ‘નમક હરામ’ શરૂ કરી ત્યારે રાજેશ ખન્નાનો જમાનો હતો. રાજેશની તારીખો જલદી મળી રહી ન હતી એટલે ઋષિદાએ અમિતાભની તારીખો ઉપલબ્ધ હોવાથી એકલ દ્રશ્યોનું શુટિંગ શરૂ કરી દીધું હતું.
ફિલ્મ થોડી તૈયાર થયા પછી ઋષિદાએ એના ફૂટેજ વિતરકોને બતાવ્યા ત્યારે એમને થયું કે ફિલ્મનો હીરો અમિતાભ છે અને રાજેશ ખન્ના મહેમાન ભૂમિકામાં છે. એમણે અમિતાભ વિશે ઘણું ખરાબ કહ્યું અને સલાહ આપી કે કોઈ સારી જગ્યાએ વાળ કપાવવા જોઈએ. કાન વાળથી ઢંકાઈ ગયા છે. પરંતુ ‘નમક હરામ’ પહેલાં ‘જંજીર’ (1973) રજૂ થઈ ગઈ અને ચિત્ર બદલાઈ ગયું. જે વિતરકો અમિતાભના ગેટઅપ માટે ખરાબ બોલી રહ્યા હતા એમણે ભૂમિકા લાંબી કરવાનું કહ્યું. પરંતુ ઋષિદા પોતાની સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર કરવા માગતા ન હતા. બંનેની ભૂમિકા સરખી જ રાખી હતી. જોકે, એક કિસ્સો એવો છે કે ફિલ્મના અંતમાં ઋષિદાએ બદલાવ કરવો પડ્યો હતો.
ફિલ્મની વાર્તા સંભળાવવામાં આવી ત્યારે રાજેશ ખન્નાએ અમિતાભને આપવામાં આવનાર ‘સોમુ’ ની ભૂમિકા લઈ લીધી હતી. અમિતાભે ‘વિકી’ ની ભૂમિકા ભજવી હતી. એ પછી પણ ખન્નાએ કેટલાક ફેરફાર કરાવ્યા હતા. ‘મેં શાયર બદનામ’ ગીત રજા મુરાદ પર ફિલ્માવવાનું નક્કી થયું હતું. એ પસંદ આવ્યું હોવાથી ખન્નાએ લઈ લીધું હતું અને એ ગીતમાં રજા મુરાદ સાંભળે છે એવું દ્રશ્ય રાખ્યું હતું. ફિલ્મના અંતમાં ખન્નાએ ફેરફાર કરાવ્યો હોવાનું પણ નોંધાયું છે. મૂળ સ્ક્રિપ્ટમાં છેલ્લે અમિતાભનું પાત્ર મૃત્યુ પામતું હતું. પરંતુ ખન્નાએ ઋષિદાને કહ્યું હતું કે તેનું પાત્ર મૃત્યુ પામતું નહીં બાતવવામાં આવે તો ફિલ્મ છોડી દેશે. કેમકે જે ફિલ્મમાં ખન્નાનું પાત્ર મૃત્યુ પામતું હતું એને દર્શકોની સહાનુભૂતિ મળતી હતી. અને એને જ ફિલ્મના સાચા હીરો તરીકે ઓળખવામાં આવતું હતું.
અગાઉ ઋષિદાની ‘આનંદ’ (1971) માં એવું જ થયું હતું. ‘નમક હરામ’ પછી પણ રાજેશ ખન્નાએ રોટી, આપ કી કસમ વગેરે ફિલ્મોમાં પોતાનું પાત્ર મૃત્યુ પામતું હોય એવો આગ્રહ રાખ્યો હતો કે એટલે જ પસંદ કરી હતી. અને એ સફળ રહી હતી. ફિલ્મના અંતમાં ફેરફાર કરવામાં આવતા અમિતાભ ઋષિદાથી નારાજ થયા હતા. જોકે, ઋષિદાએ રાજેશ ખન્નાના પાત્રના મૃત્યુનું દ્રશ્ય સામાન્ય રાખ્યું હતું. એ પછી અમિતાભનું પાત્ર એના મૃત્યુથી જે રીતે પ્રભાવિત થાય છે એ દ્રશ્યો વધુ દમદાર સાબિત થયા હતા અને મહત્વના બની રહ્યા હતા. રાજેશના પાત્રના મૃત્યુ પછી ફિલ્મ ૭ મિનિટ ચાલે છે અને એ દ્રશ્યોને કારણે અમિતાભનું પાત્ર વધુ મજબૂત સાબિત થયું હતું. જેમાં એ કોર્ટના કઠેરામાં કહે છે કે.‘ઇસ ખૂન કા જિમ્મેદાર મેં હૂં.’ છેલ્લે જેલમાં કહે છે કે,‘બાપ કે પાપોં કા પ્રાયશ્ચિત કરને કા અધિકાર બેટે કો હૈ ના.’ અમિતાભને ‘નમક હરામ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
