અમજદ ખાનને ‘શોલે’ (૧૯૭૫) ની ‘ગબ્બર સિંહ’ ની ભૂમિકા સલીમ ખાનની ભલામણથી મળી ગઇ હતી પણ તેને નિભાવવામાં મુશ્કેલી પડી હતી. એ કારણે સલીમ- જાવેદ સાથેના સંબંધમાં ભડકો થયો હતો. ચરિત્ર અભિનેતા જયંતના પુત્ર અમજદ ખાનનું જ્યારે અભિનયમાં ખાસ ઉપજતું ન હતું ત્યારે લેખક સલીમે ‘શોલે’ માટે નિર્દેશક રમેશ સિપ્પીને ભલામણ કરી હતી. અમજદ નાટકોમાં કામ કરતો હતો અને પિતા તેને ચમકાવવા ફિલ્મ ‘પત્થર કે સનમ’ બનાવવા જઇ રહ્યા હતા એ સમયે સલીમને તેમના અભિનય વિશે પરિચય હતો અને ‘ગબ્બર’ ની ભૂમિકા માટે શારીરિક રીતે યોગ્ય લાગ્યો હતો. સલીમે અમજદને વચન આપ્યું ન હતું પરંતુ કહ્યું હતું કે જો નસીબથી કે પ્રયત્નથી ‘ગબ્બર’ ની આ શ્રેષ્ઠ ભૂમિકા મળી જાય તો સારું છે.
સલીમ-જાવેદની ભલામણ પછી રમેશ સિપ્પીએ અમજદને દાઢી વધારીને બોલાવ્યો અને દાંત કાળા કરી સ્ક્રીન ટેસ્ટ લીધો એમાં એની ભાષા પણ બરાબર હોવાથી પસંદ કરી લીધો. ‘ગબ્બર’ ની ભૂમિકા માટે અમજદે જયા ભાદુરીના પિતા તરૂણકુમારના ચંબલના ડાકુઓ પરના પુસ્તકનો ગહનતાથી અભ્યાસ કર્યો. પોતાના ઘરે આવતા ધોબીની ‘અરે ઓ શાંતિ’ ની બૂમનો પોતાના સંવાદ ‘અરે ઓ સાંભા’ માં ઉપયોગ કર્યો. ચોર બજારમાંથી ‘ગબ્બર’ માટે આર્મીનો હોય એવો પોશાક મેળવ્યો. અમજદ એ દિવસોમાં અભિનય માટે ધક્કા ખાતો હતો અને થિયેટરમાં પ્રયત્ન કરતો હતો ત્યારે આ ભૂમિકા કારકિર્દી માટે મહત્વની હતી. જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે તે દાઢી અને કાળા દાંત સાથે યોગ્ય રીતે ઉદાસ મોં કરી શક્યો પણ એક મહિના સુધી રિહર્સલ કર્યું હોવા છતાં યોગ્ય રીતે અભિનય કરી શક્યો નહીં.
અમજદ તમાકુ મસળતા અને સંવાદ બોલતા ‘ગબ્બર’ ને બરાબર રજૂ કરી શક્યો નહીં. તેની હતાશા ચહેરા પર દેખાવા લાગી હતી. રમેશ સિપ્પીએ તેમને પ્રોત્સાહન આપ્યું. ૪૦ રીટેક પછી પણ સફળ ના થયો ત્યારે રમેશ સિપ્પી અને કેમેરામેન દ્વારકા દિવેચાને લાગ્યું કે તેને વિરામની જરૂર છે. દિવેચાએ તેને ‘ગબ્બર’ ના પોશાકમાં જ રહેવાનું કહ્યું. એ રાત્રે અમજદને રડવું આવી ગયું. એક તરફ હોસ્પિટલમાં તેના પિતા કેન્સર સામે લડતા હતા અને એક મહિનાનો પુત્ર હતો ત્યારે આખા પરિવારની આશા આ ફિલ્મ પર હતી. કેમકે ઘરની ફિલ્મ ‘પત્થર કે સનમ’ બની શકી ન હતી. ધીમે ધીમે અમજદ ‘ગબ્બર’ ના પાત્રમાં ઢળી રહ્યો હતો ત્યારે ફિલ્મના યુનિટમાં એવી વાતો ફેલાવા લાગી કે આટલા બધા સ્ટાર્સ સાથે એક નવા અને અણઘડ અભિનેતાને લઇને રમેશજીએ ભૂલ કરી છે.
વાત એટલી વધી ગઇ કે તેને લેવા માટે ભલામણ કરનાર સલીમ-જાવેદે કહી દીધું કે જો એનાથી સંતુષ્ટ ના હોય તો બદલી નાખો. પરંતુ રમેશ સિપ્પીને વિશ્વાસ હતો અને તેમણે અમજદને બદલ્યો નહીં. કેટલીક અફવાઓને કારણે સલીમ-જાવેદ અને અમજદ વચ્ચે ગેરસમજ ઊભી થઇ ગઇ. અમજદને લાગ્યું કે સલીમ-જાવેદે તેને બહાર કાઢવાની ચાલ ચાલી હતી. તેમની વચ્ચેના સંબંધ વણસી ગયા એટલે ‘શોલે’ પછી અમજદે ક્યારેય સલીમ-જાવેદે લખેલી કોઇ ફિલ્મમાં કામ કર્યું નહીં.
