દીપક તિજોરીએ શાહરૂખ ખાન સાથે તૈયાર થયેલી ફિલ્મ ‘બાઝીગર’(૧૯૯૩) છોડી દીધી હતી. અસલમાં દીપક જ્યારે ફિલ્મોમાં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એને ‘બાઝીગર’ ની નકારાત્મક ભૂમિકાવાળી વાર્તા ગમી હતી અને એની સાથે જ ફિલ્મ બનવાની હતી. નિર્માતા પહેલાજ નિહલાનીએ દીપક સાથે એક કમર્શિયલ ફિલ્મ બનાવવાની વાત કરી ત્યારે દીપકે હોલિવૂડની ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઇંગ’ ની વાર્તા વિષે વાત કરી હતી. પહેલાજ એના પરથી ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા હતા અને એના માટે નિર્દેશક અને હીરોઈન વિષે ચર્ચા કરી ત્યારે દીપકે એમાં હીરોઇનની ડબલ રોલની ભૂમિકા હતી એ માટે પૂજા ભટ્ટના નામની ભલામણ કરી હતી. પહેલાજે એની વાત માન્ય રાખી હતી.
દીપકે નિર્દેશક તરીકે અબ્બાસ-મસ્તાનનું નામ સૂચવ્યું હતું. એટલું જ નહીં એમની સાથે વાત કરી લીધી હતી. કેમકે એ ત્યારે એમની સાથે ફિલ્મ ‘ખિલાડી’ (૧૯૯૧) કરી રહ્યો હતો. દીપકે અબ્બાસ- મસ્તાનનો પહેલાજને ફોન નંબર આપ્યો અને વાત કરવા કહ્યું. પહેલાજે જ્યારે અબ્બાસ- મસ્તાન સાથે બેઠક યોજી ત્યારે એમણે જુદી જ વાત કરી. નવાઈ પામેલા પહેલાજે દીપકને જાણ કરી કે તેઓ શાહરૂખ ખાન સાથે આ ફિલ્મ બનાવવા માગે છે. તું વિચાર કરી લે તારે શું કરવું છે. આ વાત જાણીને દીપકને આંચકો લાગ્યો હતો. પહેલાજે દીપકને કહ્યું હતું કે જો વાર્તા સારી લાગતી હોય તો તેઓ બીજા કોઈ નિર્દેશકને લાવીને એમની સાથે હોલિવૂડની ફિલ્મની વાર્તા પરથી ફિલ્મ બનાવવા માગશે તો એ નિર્માણ કરશે. પણ દીપકે આ સંજોગોમાં એના મેન્ટર રિક્કુની સલાહ લીધી. એમણે અબ્બાસ- મસ્તાનને મળવાનું સૂચન કર્યું. દીપકને ત્યારે શાહરૂખ સાથે મિત્રતા હતી.
દીપકે જ્યારે આ ફિલ્મ વિષે પૂછ્યું ત્યારે શાહરૂખે કહ્યું કે અબ્બાસ- મસ્તાન આવ્યા હતા અને હોલિવૂડની ફિલ્મની કેસેટ આપી ગયા છે. પણ હજુ હા પાડી નથી. ત્યારે દીપકે રિક્કુ સાથે જઈ અબ્બાસ- મસ્તાન સાથે વાત કરી. એમણે કહ્યું કે તેઓ શાહરૂખ સાથે ફિલ્મ બનાવવા માગે છે. ભવિષ્યમાં આ ફિલ્મના વળતર તરીકે જરૂર એની સાથે કોઈ ફિલ્મ બનાવશે. ત્યારે દીપકે એમની પાસે બાહેંધરી લીધી હતી કે તેઓ બીજી ફિલ્મ એની સાથે બનાવવાના હોય તો જ એ છોડી દેશે નહીંતર પહેલાજ નિહલાની બીજા નિર્દેશક સાથે ફિલ્મ બનાવવા તૈયાર છે. અબ્બાસ- મસ્તાને વચન આપ્યું હોવાથી દીપક એમની વાતમાં આવી ગયો અને ફિલ્મ છોડી દીધી. એ નકારાત્મક ભૂમિકાવાળી ફિલ્મ ‘બાઝીગર’ થી શાહરૂખ ખાનની કારકિર્દી બની ગઈ હતી. પણ એ પછી દીપકને ફરીથી અબ્બાસ- મસ્તાનની એવી કોઈ બીજી ફિલ્મમાં તક મળી ન હતી. પાછળથી દીપકને અનુભવે ખબર પડી હતી કે બોલિવૂડમાં ‘આગળ જતાં કામ કરવાની’ વાત કરવાનું સામાન્ય હતું. પછીથી કોઈ કામ કરતું હોતું નથી. દીપક તિજોરીને ‘બાઝીગર’ હાથમાંથી આ રીતે જતી રહી એનો કાયમ અફસોસ રહ્યો.