જયશ્રી ટી.એ એક ડાન્સર તરીકે બોલિવૂડની ફિલ્મોમાં સફળતા મેળવી પણ હીરોઇન બનવાનું સપનું અધુરું જ રહી ગયું. અલબત્ત એક વખત તક મળી એ જતી રહ્યા પછી તે ડાન્સર તરીકે એટલી લોકપ્રિય રહી કે હીરોઇનો તેની ઇર્ષા કરતી હતી. મરાઠી નાટકોમાં કામ કરતા માતા-પિતાની પુત્રી જયશ્રીએ પાંચ વર્ષની ઉંમરે ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ'(૧૯૫૮) માં પહેલી તક મેળવી હતી. એ પછી સંગીત સમ્રાટ તાનસેન, જમીન કે તારે (૧૯૫૯) અને પ્યાર કી પ્યાસ(૧૯૬૦) જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું.
જયશ્રી હોંશિયાર વિદ્યાર્થીની હતી અને ડૉકટર બનવા માગતી હતી. તેને કલ્પના ન હતી કે ડાન્સર બની જશે. એ સમય પર નિર્દેશક અમિત બોઝ સંજય ખાન, મીનાકુમારી અને નંદા સાથેની ફિલ્મ ‘અભિલાષા'(૧૯૬૮) ના એક ગીતમાં ડાન્સ માટે છોકરી શોધી રહ્યા હતા. ત્યારે નૃત્ય નિર્દેશક હરમિન્દર જયશ્રીના પિતાને ઓળખતા હતા. તેમને વાત કરી એટલે તે જયશ્રીને સ્કૂલ પરથી લઇને સીધા રૂપતારા સ્ટુડિયો પર પહોંચી ગયા. જયશ્રીએ ડાન્સર તરીકે શરૂઆત કરી દીધી.
જયશ્રીને ખરી સફળતા નિર્માતા-નિર્દેશક આત્મારામની સંજીવકુમાર- પદ્મિનીની ‘ચંદા ઔર બિજલી’ થી મળી. આ ફિલ્મના શારદાએ ગાયેલા ‘તેરે અંગ કા રંગ હૈ’ ગીતથી જયશ્રીએ ધૂમ મચાવી દીધી. જયશ્રીને આ ફિલ્મ માટે બહુ આશા ન હતી. કેમકે નિર્દેશક આત્મારામે પહેલાંથી જ કહી દીધું હતું કે તારું નામ પોસ્ટર ઉપર કે ટાઇટલ્સમાં મૂકવામાં આવશે નહીં. પણ જ્યારે આ કેબરે ગીતનું ફિલ્માંકન થઇ ગયું ત્યારે વિતરકોએ માંગણી કરી કે તેના અલગથી પોસ્ટર બનાવી પ્રચાર કરવામાં આવે. એ પછી આત્મારામે ફિલ્મના ટાઇટલ્સમાં આવતા કલાકારોના નામમાં જયશ્રીનું નામ મૂક્યું હતું.
જયશ્રીને ડાન્સરની ઇમેજને કારણે હીરોઇનની ભૂમિકા મળતી ન હતી. નિર્દેશક મોહન સહગલે નવિન નિશ્ચલ સાથે ‘સાવન ભાદો’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે જયશ્રીને હીરોઇન તરીકે નક્કી કરી હતી. પરંતુ તે ગામડાની છોકરીની ભૂમિકામાં ફિટ લાગતી ન હોવાથી રેખાને તક આપી અને તેને નવીનની સાવકી બહેનની શહેરની આધુનિક યુવતી ‘ડોલી’ની ભૂમિકા સોંપી દીધી હતી. ભૂમિકામાં થયેલી આ અદલાબદલીએ રેખાની હીરોઇન તરીકે કારકિર્દી બનાવી દીધી હતી. જ્યારે જયશ્રીએ ત્યાર પછી ક્યારેય હીરોઇન તરીકે તક મેળવી નહીં. જયશ્રીને આ વાતનો અફસોસ નથી. કેમ કે તેણે વેમ્પ, ડાન્સર, કોમેડી ગર્લ, આધુનિક યુવતી વગેરેની ભૂમિકાઓ એટલી બધી ફિલ્મોમાં કરી કે ઘણી હીરોઇનો કરતાં વધુ જાણીતી રહી.
જયશ્રીએ ગ્લેમરસ ભૂમિકાઓ કરી એટલે પોતાની બહેન મીના કરતાં પણ વધુ લોકપ્રિય રહી. મીનાએ ‘રોટી, કપડા ઔર મકાન’ માં મનોજકુમારની બહેન અને ‘જીને કી રાહ’ માં જીતેન્દ્રની બહેનની ભૂમિકા નિભાવી હતી. જયશ્રી માટે હેલનના એ શબ્દો જ એવોર્ડ જેવા છે. હેલનને પૂછવામાં આવ્યું હતું કે તમારા પછી કોણ? ત્યારે તેમણે જયશ્રી ટી.નું નામ આપ્યું હતું. જયશ્રીએ પોતાનું નામ જયશ્રી તલપડેને બદલે જયશ્રી ટી. રાખ્યું હતું તેની પાછળ પણ કારણ છે. તેણે કારકિર્દી શરૂ કરી ત્યારે જયશ્રી વી. શાંતારામ, જયશ્રી ગડકર વગેરે નામવાળી ઘણી અભિનેત્રીઓ હતી અને તલપડે બોલવામાં સરળ લાગતું ન હતું. તેણે અટકનો પહેલો અંગ્રેજી અક્ષર લઇ જયશ્રી ટી. રાખી દીધું હતું. નામમાં ફેરફારથી તેને કારકિર્દીમાં અલગ ઓળખ ઊભી કરવામાં જરૂર સરળતા રહી હતી.
– રાકેશ ઠક્કર (વાપી)